News of Monday, 16th June 2025
વિજયભાઈએ વિહિપમાં પ્રવીણભાઈ કારિયા સાથે ખભે-ખભો મિલાવીને રાષ્ટ્રસેવાનું કાર્ય કર્યુ હતું
વિજયભાઈના અવસાનથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓમાં શોકનું મોજું

રાજકોટ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રખર કાર્યકર્તા વિજયભાઈ રૂપાણીના અકાળ અવસાનના સમાચારથી ભારે શોકની લાગણી ફેલાઈ છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સ્વ. પ્રવીણભાઈ કારિયાના પુત્ર શ્રી ભાવેશ કારિયા અને પરિવાર દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં વિજયભાઈ રૂપાણી સાથેના દાયકાઓ જૂના સંબંધો અને તેમના અમૂલ્ય યોગદાનની યાદોને તાજી કરવામાં આવી છે.
શ્રી ભાવેશ કારિયા જણાવે છે કે વિજયભાઈ રૂપાણીએ વિશ્વ હિન્દુ પરિષદમાં સ્વ. પ્રવીણભાઈ કારિયા સાથે ખભે-ખભો મિલાવીને રાષ્ટ્રસેવાનું કાર્ય કર્યું હતું. તેમના જાહેર જીવન દરમિયાન, મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં પણ તેઓ સ્વ. પ્રવીણભાઈના ઘરે બે વખત પધાર્યા હતા અને તેમની તબિયતની ચિંતા સાથે હાલ-સમાચાર પૂછતા રહ્યા હતા. આ ઘટનાઓ વિજયભાઈની સામાન્ય માણસ પ્રત્યેની સંવેદનશીલતા અને નમ્રતાને દર્શાવે છે. તેઓ ખરા અર્થમાં એક ‘કોમન મેન' હતા, જેમણે પોતાના જીવન દ્વારા રાષ્ટ્રસેવા અને માનવ જીવનને સાર્થક કરવાનું માર્ગદર્શન આપ્યું.
પ્રવીણભાઈ કારિયાના પરિવારે જણાવ્યું કે, વિજયભાઈએ તેમના પરિવારને હંમેશા એક વડીલની જેમ તોહ આપ્યો અને કાર્યકર્તા ઉપરાંત પરિવારના સભ્ય તરીકેનું માન આપીને તેમનું ઘડતર કર્યું. વિજયભાઈ સાથેના અનેક પ્રવાસો દરમિયાન થયેલી આધ્યાત્મિક ચર્ચાઓએ પરિવારના સભ્યોને આધ્યાત્મિક માર્ગે ચાલવાની પ્રેરણા આપી. આજે પણ આ પરિવાર આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધી રહ્યો છે, જેમાં વિજયભાઈનો મહત્વપૂર્ણ ફાળો છે.
શ્રી ભાવેશ કારિયા (મો. ૮૨૦૦૦ ૭૯૮૪૯) જણાવે છે કે વિજયભાઈના અચાનક અવસાનથી પરિવારનું મન વ્યથિત છે અને આ ઘટના સ્વીકારવી મુશ્કેલ બની રહી છે. કારિયા પરિવારે જણાવ્યું કે, વિજયભાઈ સાથેની યાદો હંમેશા જીવંત રહેશે. તેમના દુઃખદ અવસાન પર શ્રદ્ધાંજલિ આપતાં, શ્રી ભાવેશ કારિયા અને પરિવારે પરમ કળપાળુ પરમાત્મા પાસે વિજયભાઈના દિવ્ય આત્માને ચિરશાંતિ અને તેમના પરિવારજનો અંજલિ બેન રૂપાણી, ચી. સોનું બહેન, ચી. ઋષભ અને તમામ સભ્યોને આ દુઃખદ ઘટનાને સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી છે.
(4:10 PM IST)










