તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Monday, 16th June 2025
આજીડેમ ચોકડીએથી પીસીબીએ ૧ લાખનો દારૂ ભરેલી રિક્ષા સાથે સતારશાને પકડયો
પુછતાછમાં શાહરૂખનું નામ ખુલ્યું: મોટી ટાંકી ચોકમાંથી બે રાજસ્થાનીને ક્રાઇમ બ્રાંચે ૪૪ હજારના દારૂ સાથે પકડયા

રાજકોટ તા.૧૬: આજીડેમ ચોકડી પાસે પીસીબીની ટીમે દરોડો પાડી દારૂનો જથ્થો ભરેલી રિક્ષા સાથે એક શખ્સને પકડી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચની ટીમે મોટી ટાંકી ચોકમાંથી બે રાજસ્થાની શખ્સોને ૪૪,૮૦૦ના દારૂ સાથે પકડી લીધો હતો.
શહેરના આજીડેમ ચોકડી વિસ્તારમાંથી પીસીબીની ટીમે દારૂ ભરેલી રિક્ષા સાથે ભવાની ચોકમાં રહેતા શખ્સને ઝડપી દારૂ-રિક્ષા મળી રૂ.૧.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ શખ્સે પુછપરછમાં દુધસાગર રોડ પર રહેતા શખ્સનું નામ આપ્યું હતું. પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ હેડકોન્સ. કિરતસિંહ, કરણભાઇ, કોન્સ. વાલજીભાઈ, સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે ભાવનગર રોડથી આજીડેમ ચોકડી તરફ આવતા રોડ પર એક શંકાસ્પદ રીક્ષા અટકાવી હતી. પોલીસે આ રીક્ષા નં. જીજે ૩ બીએકસ ૮૨૧૬માં તપાસ કરતા તેમાંથી રૂપિયા ૧.૦૫ લાખની કિંમતનો ૭૮ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૂના આ જથ્થા સાથે સતારશા કાદરશા સરવદી (ઉ.વ ૨૮ રહે. ભવાની ચોક, ન્યુ સાગરનગર સોસાયટી શેરી નં. ૫, નંદા હોલ પાસે)ને ઝડપી લીધો હતો. તેની પૂછતાછ કરતા આ દારૂ શાહરૂખ નુરાભાઈ સરવદી (રહે. દૂધસાગર રોડ પંચાયત હોલની સામે હૈદરી ચોક મેઇન રોડ, રાજકોટ)એ આપ્યાનું કબુલતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
દારૂના બીજા દરોડામાં બાતમીના આધારે મોટી ટાંકી ચોક બસ સ્ટેન્ડ પાસેના રોડ પરથી બે શખ્સો રોડસિંગ કેસરસિંહ સોલંકી (ઉ.વ ૪૭ રહે. સેમ, ખામનોર,રાજસ્થાન) અને ભગવાનદાસ કિશનદાસ રંગસ્વામી (ઉ.વ ૩૬ રહે. જારસદરી, નાથદ્વારા, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસેથી અલગ અલગ બ્રાન્ડનો રૂપિયા ૪૪,૮૦૦ નો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એ. એસ. ગરચરની રાહબરી હેઠળ એએસઆઈ સમીરભાઈ શેખ, કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણા, જીલુભાઇ ગરચર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે આ કામગીરી થઇ હતી.
(4:44 PM IST)










