News of Monday, 16th June 2025
એચ.એન. ગોલીબારની સસ્પેન્સ - ક્રાઇમ થ્રિલર-હોરર નવલકથાના ૪ પુસ્તકો પ્રસિધ્ધ

રાજકોટ, તા. ૧ર : લેખક એચ.એન. ગોલીબારના ૪ પુસ્તકો પ્રસિધ્ધ થયા છે. જેમાં સસ્પેન્સ થ્રિલર નવલકથા ‘‘ખુન્નસ'', ક્રાઇમ થ્રિલર નવલકથા ‘‘તસ્કટ'' ર હોરર નવલકથા ‘‘કાળચીસ'' ‘‘વળગાડ''નો સમાવેશ થાય છે.
ચારેય પુસ્તકોનું પ્રાપ્તિ સ્થાનઃ નવયુગ પુસ્તક ભંડાર, નવા નાકા રોડ, પ્રથમ માળ, રાજકોટ. મો.૯૮૭૯૦ ૨૩૭૦૩.
ખુન્નસ
એક રહસ્યમય પેઈન્ટિંગમાં છુપાયેલા રહસ્યને સુલઝાવવા માટે ખતરનાક, લોહિયાળ અને રહસ્યમય મોતનો ખેલ ખેલાવા માંડે અને એક પછી એક ખૂનની હારમાળા સર્જાય છે ત્યારે એચ. એન. ગોલીબારની સસ્પેન્સ થ્રિલર નવલકથા ખુન્નસ સર્જાય છે.
જેમાં એક રહસ્યમય પેઇન્ટિંગ મેળવવા માગતા ખતરનાક દુશ્મનો થિયેટરમાં ફિલ્મ જોવા ગયેલી સિમરનનું અચાનક અપહરણ કરે છે,
પેઈન્ટિંગને બનાવનાર ચિત્રકાર ચિત્રસેનનું ખૂન થઈ જાય છે, ચિત્રસેન એના મિત્ર દેવદત્તને એક પત્ર લખતો જાય છે. એમાં ચિત્રસેને કેટલીક એવી વાતો લખી હોય છે જેનાથી ઘણી-બધી વ્યક્તિઓની ખતરનાક ચાલબાજીઓ અને ભયાનક ષડયંત્રો પરથી પડદો ઊઠી જાય એમ હોય છે. કેટલીક વ્યક્તિઓ એક ભયાનક ષડયંત્રો રચી રહી હોય છે.
આ કેસમાં બીજા ઘણાં-બધાં સંડોવાયેલાં હોય છે. અને બધાં ચિત્રસેનના પેઇન્ટિંગ પાછળ હાથ ધોઈને-લોહી તરસ્યા બનીને પડયા છે. અને એ પેઇન્ટિંગ માટે ચિત્રસેન સાથે સંકળાયેલી વ્યક્તિઓને ખતમ કરી રહ્યા છે.
આખરે ચિત્રસેનના એ પેઇન્ટિંગમાં છે શું હોય છે કે ચિત્રસેન સાથે એક યા બીજી રીતના સંકળાયેલી વ્યક્તિઓને મોતને ઘાટ ઉતરી રહી હોય છે ? ! એક પછી એક ખૂનની હારમાળા સર્જાઈ રહી હતી.
આખરે એ પેઈન્ટિંગની અંદર કયું રહસ્ય છુપાયેલું હોય છે, જેના કારણે એ પેઈન્ટિંગની સાથે સંકળાયેલા વ્યક્તિઓને એક પછી એક મોત મળતી જાય.
કિંમત - રૂા. ૩રપ
તરકટ
હાઈવે પરની કચરાપટ્ટીમાંથી મળી આવેલી કરોડો રૂપિયાની રોકડ રકમ તેમજ હીરા અને હીરાના સેટવાળી સૂટકેસ પોતાની પાસે રાખી લેવાની ભૂલે આલાપને મોતના દરવાજે લાવીને ઊભો કરી દે છે ત્યારે સર્જાય છે એચ. એન.ગોલીબારની ક્રાઈમ થ્રિલર નવલકથા ‘‘તરકટ'' સર્જાય છે.
આલાપને પોતાના નસીબ પર જાણે હજુય વિશ્વાસ બેસતો નહોતો. શું ખરેખર તેની સામે રૂપિયાના બંડલો, હીરા ને હીરાના સેટથી ભરાયેલી સૂટકેશ પડી હતી ? ! તેણે રૂપિયાના બંડલોને હાથ લગાવ્યો. તેના હાથમાં હાઈવે પરની એ કચરાપટ્ટીમાંથી આ જે કરોડો રૂપિયા આવ્યા હતા, એ જો થેલી આંગડિયાની લૂંટવાળા જ હોય તો પછી આ કરોડો રૂપિયા તેના માટે સળગતા કાકડાથી કમ નહોતા.
આલાપની પાછળ આ લૂંટનો માલ મેળવવા માટે લૂંટારાઓ અને પોલીસ પાછળ પડી જાય છે. પણ તેને કચરાપટ્ટીમાંથી મળેલા કરોડો રૂપિયા અત્યારે તેના હાથમાંથી સરકી જતાં તેણે ચુપચાપ જોઈ રહેવું જોઈએ, કે પછી આ રૂપિયા માટે તેણે જીવની બાજી લગાવી દેવી જોઈએ ? એ વિશે આલાપ મૂંઝવણ અનુભવી રહ્યો.
અચાનક આલાપની જિંદગીમાં ઈશાની નામની એક યુવતી આવે છે. ઈશાની આખરે કોણ હતી ? એનો ભેદ ઉકેલવો જરૂરી હતો.' ઈશાનીના આવવાથી આલાપની જિંદગીમાં મુસીબત સર્જાઈ હતી.
ટૂંકમાં હવે કાં તો આલાપનું નખ્ખોદ વળવાનું હતું, ને કાં તો તેને મોત મળવાનું હતું ! આલાપે જે મોટી ભૂલ કરી હતી, એ ભૂલે આજે તેની રાધાને અને તેને મોતના દરવાજે લાવીને ઊભા કરી દીધા હતા. આવી અવનવી વાર્તાઓનો સંગ્રહ છે.
કિંમત - રૂા. રપ૦
કાળચીસ
પોતાને સળગાવીને મારી નાખનાર સામે પ્રેત બદલો લેવા આગળ વધે છે. તાંત્રિક પણ આ પ્રેત સામે લાચાર બની જાય છે, ત્યારે એચ.એન. ગોલીબારની હોરર નવલકથા ‘‘કાળચીસ'' સર્જાય છે.
જેમાં કેક શોપવાળાને કેકનો ઓર્ડર આપી રહેલી મીરાં બિચારી એ હકીક્તથી બિલકુલ બેખબર હતી, કે આવતી કાલના તેના જન્મદિવસે જ તેને મોતની નીંદરમાં પોઢાડી દેવા માટે એક ફૂલપ્રૂફ યોજના ઘડાઈ ચૂકી છે.
સળગીને મરી ગયેલી મીરાંના પ્રેતે નકકી કર્યું, ‘તેને સળગાવી મારનારાંઓને તે જીવતાં નહિ છોડે. તેને કમોતે મારનારાઓને તે મોતની ખાઈમાં ધકેલીને જ રહેશે. તે પોતાના ખૂનીઓ પાસેથી પોતાના આ ખૂનનો બદલો લઈને જ જંપશે.
એક પછી એક મીરાંનું પ્રેત પોતાના મોતમાં સામેલ લોકોને મોતને ઘાટ ઊતારતું જતું હતું. મીરાંના પ્રેત પર ગજાનંદ સ્વામી પોતાના મંત્રોથી હુમલો કરે છે, પણ મીરાંનું પ્રેત ગજાનંદ સ્વામીના માથા પર સવાર થઈ જાય છે. પણ ગજાનંદ સ્વામી મીરાંના પ્રેતને કાચની બરણીમાં કેદ કરી લે છે.
મીરાંનું પ્રેત બરણીમાંથી છટકી જાય છે અને ગજાનંદ સ્વામીને પોતાના માથે કાળ ફરતો દેખાય છે. ગજાનંદ સ્વામી બીજી વખત મંત્રો ભણી મીરાંના પ્રેતને પકડવા જાય છ ત્યારે ત્યાં ઘટતી ઘટનાઓથી એ ડરી જાય છે. ગજાનંદ સ્વામીને મોત નાચતું દેખાય છે અને એને ખબર પડી જાય છે કે મીરાંનું પ્રેત એના કરતાં વધુ શક્તિશાળી છે.
મીરાંનું પ્રેત ગજાનંદ સ્વામીના એટલા ખરાબ હાલહવાલ કરે છે કે ગજાનંદ સ્વામી શહેર છોડીને ભાગી છુટવા માટે મજબૂર બને છે. મીરાંનું પ્રેત એના દુશ્મનો માટે કાળ બનીને આગળ વધે છે. આવી હોરર નવલકથાનો ખજાનો છે.
કિંમત - રૂા. ર૭પ
વળગાડ
એક નહીં, બે નહીં પણ છ-છ પ્રેત જ્યારે મલ્લિકાને વળગે છે ત્યારે એચ. એન. ગોલીબારની હોરર નવલકથા ‘‘વળગાડ'' સર્જાય છે.
જેમાં સુરતથી ત્રીસેક કિલોમીટર દૂર આવેલા ફાર્મહાઉસ, મલ્લિકા હાઉસની અંદર માનવામાં ન આવે એવી કંઈક વિચિત્ર, કાચીપોચી વ્યક્તિને ડરાવી નાખે-ડધાવી દે એવી ભયાનક ઘટના ઘટી રહી હતી ! મલ્લિકા પ્રેતના પંજામાં ફસાઈ ચૂકી હતી, પણ મલ્લિકા પર એક પ્રેતનો પંજો નહોતો કસાયો.
મલ્લિકામાંથી પ્રેતને કાઢવા માટે તાંત્રિક કંદ્રાસ્વામી મેદાને પડે છે, પણ કમનસીબે મલ્લિકા પર તાંત્રિક વિધિના નામે અત્યાચારના આરોપસર કંદ્રારસ્વામી જેલમાં જાય છે. કંદ્રાસ્વામી મલ્લિકાને ચેતવણી આપતાં કહે છે કે, તારી આસપાસ ખૂબ જ ભયાનક, ખૂની ભૂત-પ્રેત ઘુમી રહ્યા છે, તું તારી જાતને ભૂત-પ્રેતની માયાજાળથી બચાવજે.
કંદ્રાસ્વામીનો કેસ લડતી શિવાંગી પર પણ પ્રેત જાનલેવા હુમલો કરે છે...?
જેલમાંથી બહાર આવ્યા પછી કંદ્રાસ્વામી અનેક આફતો અને મુસીબતો પછી જાનના જોખમે મલ્લિકામાં રહેલા પ્રેતને બહાર કાઢે છે ત્યારે મલ્લિકાના શરીરમાં રહેલું પ્રેત કંદ્રાસ્વામીને ચેતવણી આપતાં કહે છે કે, હજુ મલ્લિકા બીજા પાંચ પ્રેતના વળગાડમાં ફસાયેલી છે......
અને આ સાથે જ મલ્લિકાના શરીરમાં રહેલા બીજા પાંચ પ્રેત વારાફરતી હસી પડે છે આવી ભયાનક વાર્તાઓ રજુ કરી છે. (૯.૧૩)
કિંમત - રૂા. ૩૦૦
(3:39 PM IST)










