તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
અમારી ગાડીના કાચ તમારા સમાજના જ કોઇએ તોડયો છે, હાજર કરો નહિતર મકાન ખાલી કરો...ભગવતીપરામાં ધમાલ-ધમકી
ભગવતીપરા સુખસાગર સોસાયટીમાં ચિરાગભાઇ વાઘેલાને બાજુની અંબિકા સોસાયટીના ઇમ્તિયાઝ, તેની પત્નિ, તેના ભાઇ જાહિદ સહિતની ધમકીઃ સમાજ વિશે અભદ્ર ટીપ્પણીઃ એક યુવતિને પણ ગાળો દઇ કહ્યું-કાચ કોણે તોડયા એ કહી દે નહિતર જોયા જેવી થશેઃ બી-ડિવીઝન પોલીસે એટ્રોસીટી હેઠળ કાર્યવાહી કરીઃ એક પકડાયો, અન્યોની શોધખોળ

રાજકોટ તા. ૧૬: ભગવતીપરાની અંબિકા સોસાયટીમાં રહેતાં બે ભાઇઓની ગાડીના કાચ કોઇએ ફોડી નાંખ્યા હોઇ આ બંને ભાઇઓ, એકની પત્નિ સહિતનાએ સુખસાગર સોસાયટીમાં રહેતાં યુવાનના ઘરે જઇ ‘અમારી ગાડીના કાચ તમારા સમાજના જ કોઇએ ફોડયા છે, તેને સવાર સુધીમાં હાજર કરી દો નહિતર તમને કોઇને અહિ રહેવા નહિ દઇએ, તમારે જવાબ દેવો છે આજે તમારો હિસાબ કરી નાંખીએ' કહી ધમકી દઇ સમાજ વિશે અભદ્ર ટીપ્પણી કરતાં તેમજ પડોશમાં રહેતી એક પરિણીતા કુતરાથી ડરીને ઘર તરફ ભાગતાં તેણી કાચ ફોડવા વિશે કંઇક જાણતી હોવાની શંકા કરી તેને પણ ધમકી આપતાં અને ધમાલ મચાવતાં પોલીસે એકને પકડી લઇ અન્યોની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ભગવતીપરા મેઇન રોડ સુખસાગર સોસાયટી-૫માં દિલીપભાઇ વાઘેલાના મકાનમાં રહેતાં ચિરાગભાઇ દલાભાઇ વાઘેલા (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી ભગવતીપરા અંબીકા પાર્ક-૧માં રહેતાં ઇમ્તિયાઝ ઇબ્રાહીમભાઇ મુકાસરા, ઇમ્તિયાઝના પત્નિ અને તેના નાના ભાઇ જાહિદ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ચિરાગભાઇ વાઘેલા કેસરી પૂલ પાસે લક્ષ્મી ડ્રાઇવીંગ સ્કૂલ નામે ઓફિસ ધરાવે છે અને ડ્રાઇવીંગ શીખવવાનું કામ કરે છે. તે પરિવાર સાથે રહે છે. તેની સાથે માતા, પિતા પણ રહે છે અને તે આરએમસીમાં સફાઇ કામદાર છે. નાનો ભાઇ ડ્રાઇવીંગ કરે છે. સંતાનમાં એક પુત્ર છે. ચિરાગભાઇએ જણાવ્યું હતું કે અમારી બાજુમાં જ ઇમ્તિયાઝ મુકાસરા તેના પરિવાર સાથે રહે છે. તેના નાના ભાઇનું નામ જાહિદ છે જે અલગ તેના પરિવાર સાથે રહે છે. શનિવારે રાતે બારેક વાગ્યે વિસ્તારમાં લાઇટ ન હોઇ જેથી હું અને મારા પરિવારના સભ્યો ઘર બહાર બેઠા હતાં. આ વખતે સવા બારેક વાગ્યે બાજુની અંબીકા પાર્ક સોસાયટીમાં રહેતો ઇમ્તિયાઝ, તેની પત્નિ અને ભાઇ તથા એકસ્ત્રી એમ બધા મારા ઘર પાસે આવ્યા હતાં.
આ બંને ભાઇઓ ઇમ્તિયાઝ અને જાહિદે મને કહેલું કે-મારી ગાડી તમારા ઘર નજીક પડી હતી તેનો કાચ તમારા જ સમાજના કોઇએ તોડી નાંખ્યો છે. જેથી મેં કહેલુ કે-અમને આ બાબતની કંઇ ખબર નથી, જો તમને આની કંઇ માહિતી હોય તો જણાવો, અમારા સમાજનો કોઇ હશે તો અમે તેને લઇ આવશું. આમ કહેતાં જાહિદે મને ધમકી આપી હતી કે તારો બાપ તમારા સમાજનો આગેવાન છે, હું કઇ જાણુ નહિ, ગતે ત્યાંથી ગોતીને હાજર કરો નહિતર તમને લોકોને અહિ રહેવા દઇશું નહિ. તેમજ તેણે જોર જોરથી ગાળો દીધી હતી અને અમારા સમાજ વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી. તેમજ કહ્યું હતું કે જો ગાડીનો કાચ તોડનારો સવાર સુધીમાં હાજર નહિ થાય તો તમારા મકાન ખાલી કરાવી નાખશું. આમ કરી ફરી ગાળો દીધી હતી.
દેકારો થતાં બીજા પડોશીઓ અમરશીભાઇ, શનિભાઇ, પ્રકાશભાઇ, ગિરીશભાઇ, સુરેશભાઇ, રાહુલભાઇ, રવજીભાઇ, લાલાભાઇ, સાગરભાઇ, મયુરભાઇ, ભૂપતભાઇ, વિશાલભાઇ, કયુમભાઇ સહિતના ભેગા થઇ ગયા હતાં. આથી ઇમ્તિયાઝ, તેનો ભાઇ જાહીદ સહિતના નીકળી ગયા હતાં. આ વખતે અમારી સામેની શેરીમાં રહેતાં મોનીકાબેન રાહુલભાઇ ચોૈહાણ શેરીમાં રખડતાં કૂતરાથી ડરીને તેના ઘરે જતાં રહેતાં ઇમ્તિયાઝને લાગ્યું હતું કે મોનીકાબેન કંઇક જાણે છે. આથી તેણીની પાસે જઇ-તું કંઇક જાણે છે, કોણે મારી ગાડીના કાચ તોડયા તે કહી દે નહિ તો જોવા જેવી થશે. તેમ કહી તેણીને પણ ગાળો દઇ ઝપાઝપી કરી હતી. આ દરમિયાન અમે પોલીસને ફોન કરી દીધો હતો.
એ દરમિયાન થોડી જ મિનીટોમાં ઇમ્તિયાઝ, તેનો ભાઇ સહિતના પાઇપ સાથે ધસી આવ્યા હતાં અને ‘તમારે જાવબ આપવો છે કે આજે તમારો હિસાબ કરી દઇએ?' તેમ કહી ફરી ધમકી આપી હતી. ત્યાં પોલીસ આવી જતાં આ બધા ભાગવા માંડયા હતાં. જેમાં ઇમ્તિયાઝને પોલીસે પકડી લીધો હતો. ઇમ્ત્યિાઝની ગાડીનો કાચ કોણે ફોડયો તેની અમને જાણ ન હોવા છતાં તેના સહિતનાએ અમને ગાળો દઇ, અમારા સમાજ વિશે ટીપ્પણી કરી મકાન ખાલી કરાવવા સહિતની ધમકીઓ દીધી હતી. તેમજ પડોશી મોનીકાબેનને પણ ગાળો ભાંડી ધમકી દીધી હતી. તેમ વધુમાં ચીરાગભાઇએ કહેતાં પીઆઇ એસ. એસ. રાણે, હીરાભાઇ રબારી સહિતે ધમકી, એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(2:57 PM IST)










