<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

કેવડાવાડીમાં કલાક રેઢા રહેલા ફલેટમાંથી બે લાખની ચોરીમાં મુંબઇનો રીઢો તસ્‍કર ઝડપાયો

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એસ. વી. ચુડાસમા અને ટીમે ભીવંડીના શફી શેખને દબોચી દાગીના-રોકડ કબ્‍જે લીધાઃ વિજયભાઇ, પોપટભાઇ, અરવિંદભાઇની બાતમીઃ શફીને બંધ મકાનોમાં ચોરીઓ કરવાની આદત

રાજકોટ તા.૧૬: કેવડાવાડીમાં ગયા મંગળવારે દસમી તારીખે ધોળે દિવસે એકાદ  કલાક માટે રેઢા પડેલા ફલેટમાં ત્રાટકી ચોર રોકડ, દાગીના મળી રૂા. ૧,૯૬,૮૦૦ની માલમત્તા ચોરી ગયું હતું. આ અંગે ભક્‍તિનગર પોલીસે કેવડાવાડી-૧૭ના ખુણે સૂર્યમુખી હનુમાનજી મંદિરની સામે શ્રીહેરીટેજ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૧૦૮માં ત્રીજા માળે રહેતાં દેવાંશીબેન સાગરભાઇ સોનીની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી મુંબઇના રીઢા તસ્‍કર શફી અબ્‍દુલભાઇ શેખ (ઉ.વ.૪૮-રહે. ઘુંઘટનગર, કાપ તળાવ વિસ્‍તાર, કોટર ગેઇટ મસ્‍જીદ પાસે ભીવંડી મુંબઇ, મુળ પુને કોડવા ઓલીયા મસ્‍જીદ પાસે)ને ઝડપી લઇ ૧,૬૮,૮૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. આ તસ્‍કર તાળાબંધ મકાનોમાં ચોરીઓ કરવાની આદત ધરાવે છે.

દેવાંગીબેનના સાસુ સસરા દસમીએ દવા લેવા ગયા હતાં, પતિ બહારગામ હતાં. પોતે સવારે સાડા અગિયારેક વાગ્‍યે દિકરાને શાળાએ તેડવા ગયા હતાં. એકાદ કલાકમાં પરત આવ્‍યા ત્‍યારે ચોરી થઇ ગઇ હતી. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્‍યો છે. આ ચોરીમાં ભીવંડીનો શખ્‍સ સંડોવાયેલો હોવાની પાક્કી માહિતી મળતાં પગેરૂદબાવી ભીવંડીથી શફી શેખને દબોચી લેવાયો હતો. પોલીસે તપાસ કરતાં તેના વિરૂધ્‍ધ મુંબઇમાં પણ ચોરીના અનેક ગુના નોંધાયાનું ખુલ્‍યું હતું. આ શખ્‍સ જ્‍યાં તાળાબંધ મકાન જોવે ત્‍યાં તાળા તોડી ચોરી કરવાની આદત ધરાવે છે. દસમીએ તે રાજકોટમાં હોઇ કેવડાવાડીમાં બંધ ફ્રલેટમા ત્રાટકી ગયો હતો.

પોલીસે સોનાની વીંટીઓ, ચેઇન, લક્કી, કાનના બુટીયા, પેડન્‍લ, નાકની ચુંક, મંગળસુત્ર, રોકડા, મોબાઇલ ફોન મળી ૧,૬૮,૮૦૦નો મુદ્દામાલ જપ્‍ત કર્યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. ચુડાસમા, એ. એન. પરમાર, એમ. કે. મોવલીયા, વી. ડી. ડોડીયા, એએસઆઇ વિજયભાઇ સોઢા, વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્‍સ. કિશનભાઇ પાંભર, હરસુખભાઇ સબાડ, કૃષ્‍ણદેવસિંહ ઝાલા, જયદેવસિંહ પરમાર, અર્જુનભાઇ ડવ, પ્રદિપસિંહ જાડેજા, પ્રતિકસિંહ રાઠોડ, રાજેશભાળ જળુ, જયરાજભાઇ કોટીલા, દિલીપભાઇ બોરીચા, દિપકભાઇ ચોૈહાણ, કોન્‍સ. સંજયભાઇ, તુલસીભાઇ, કરણભાઇ, અર્જુનભાઇ, પોપટભાઇ, મહાવીરસિંહ, અરવિંદભાઇ, સુભાષભાઇ સહિતે કામગીરી કરી હતી.

(2:57 PM IST)