તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th June 2025
સવારના સમયે ખુલ્લા મકાનોમાં ઘુસી મોબાઇલ ફોન ચોરતાં તમિલનાડુના બે શખ્સ સકંજામાં
ચારેક લાખના મોબાઇલ ફોન, વીંટી કબ્જેઃ યુનિવર્સિટી રોડ પર મકાનમાં, કાલાવડ રોડ રિસોર્ટ પાસે રો-હાઉસમાંથી ફોન ચોર્યા હતાં: એ-ડિવીઝન પોલીસની ટીમને સફળતા

રાજકોટ તા. ૧૪: શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારે ઘરના દરવાજા ખુલ્લા રાખીને સુતા હોય તેમાં પ્રવેશ કરી મોબાઇલ ફોનની ચોરી કરવાના બનાવોનો ભેદ એ-ડિવીઝન પોલીસે ઉકેલી તમિલનાડુના બે શખ્સને એ-ડિવીઝન પોલીસે સકંજામાં લઇ સાડાત્રણથી ચાર લાખોના મોબાઇલ ફોન સહિતની માલમત્તા કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે. આ શખ્સો ચોરી કરવા તમિલનાડુથી રાજકોટ આવ્યા હતાં અને કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ પર ખુલ્લા મકાનોમાં ઘુસી ચોરીઓ કરી હતી. એકાદ અઠવાડીયા પહેલા આ શખ્સો રાજકોટ આવ્યા હોવાનું રટણ કરી રહ્યા છે. કુલ કેટલી ચોરીઓ કરી? તેની પુછતાછ થઇ રહી છે.
એ-ડિવીઝન પોલીસની ટીમ ચોરી, ઘરફોડીના ગુના બનતા અટકાવવા અને ગુના ઉકેલી કાઢવા પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતીને આધારે તમિલનાડુના બે શકમંદને સકંજામાં લીધા હતા. આ બંને પાસેથી જથ્થાબંધ મોબાઇલ ફોન મળી આવ્યા હોઇ આ અંગે પુછતાછ થતાં ગોળ ગોળ વાતો કરી હતી. તમિલનાડુથી અહિ શા માટે આવ્યા? તેની વિશેષ પુછતાછ થતાં બંનેએ પોતે અઠવાડીયાથી રાજકોટમાં હોવાનું અને વહેલી સવારે ખુલ્લા મકાનો હોય તેમાં ઘુસી જઇ મોબાઇલ ફોન ચોરી લેતાં હોવાનું કબુલતાં બંનેની વધુ પુછપરછ હાથ ધરવામાં આવતાં તેણે યુનિવર્સિટી રોડ ભગતસિંહજી ગાર્ડન સામે એક મકાનમાંથી તેમજ કાલાવડ રોડ પર રિસોર્ટ નજીકના મકાન સહિતના સ્થળોએ વહેલી સવારે ખુલ્લા ઘરોમાંથી ચોરીઓ કરી હોવાની કબુલાત આપી હતી.
વધુ માહિતી મુજબ યુનિવર્સિટી રોડ ભગતસિંહજી ગાર્ડન પાસે શક્તિ કોલોનીમાં રહેતાં ચિંતન નવીનચંદ્રભાઇ ભટ્ટ (ઉ.વ.૪૦) ગત ૮મીએ ઘરમાં સુતા હતાં ત્યારે તેણે પોતાનો રીયલ મી મોબાઇલ ફોન રૂા. ૩૦ હજારનો ઓશીકા પાસે રાખ્યો હતો. સવારે જાગ્યા ત્યારે મોબાઇલ ફોન ગુમ હતો. ચિંતન ભટ્ટ ફાયનાન્સ કંપનીમાં નોકરી કરે છે અને મિત્ર જયદિપ અગોલા સાથે પી.જી.માં રહે છે. બંને મિત્રો સુઇ ગયા બાદ સવારે ચિંતનના મોબાઇલનો આલાર્મ સવારે સાડા આઠેક વાગ્યે વાગેલ પરંતુ તે બંધ કરી ફરી સુઇ ગયેલ. બાદમાં નવેક વાગ્યે જાગતાં મોબાઇલ જોવા મળ્યો નહોતો. તેમજ તેના રૂમ પાર્ટનર મુળ નાની કુંકાવાવના જયદિપ રમેશભાઇ આગોલા (ઉ.વ.૩૦)નો રૂા. ૧૦ હજારનો મોબાઇલ ફોન પણ ગાયબ હતો. આ ગુનો ઉકેલાયો છે.
આ ઉપરાંત કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટ પાસે ટેલિફોન ટાવરની બાજુમાં બે માળીયા રો-હાઉસમાં રહેવાસી યુવતિઓ રૂમનો દરવાજો ખુલ્લો રાખીને સુતી હોઇ તે દરમિયાન તા. ૯ જુનના રોજ સવારના પાંચથી સાત દરમિયાન કોઇ પ્રવેશ કરી રૂા. ૧,૪૦,૪૩૯ના પાંચ મોબાઇલ ફોન ચોરી ગયું હતું. જેમાં એપલ, વન પ્લસ, મોટોરોલા, રીયલમી કંપનીના ફોન સામેલ હતાં. આ મામલે મુળ મુંબઇ ડોમ્બમીવલીની અને કેટરીંગનું કામ કરતી નુપુરબેન ગજેન્દ્રભાઇ ગાયકવાડે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ગુનો પણ ઉકેલાયો છે. પંદરથી સોળ મોબાઇલ ફોન અને એક સોનાની વિંટી પોલીસે કબ્જે કરવા તજવીજ કરી છે.
પોલીસ કમિશનર બ્રજેરકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. રાણા, એએસઆઇ બી. વી. ગોહિલ, હેડકોન્સ. કલ્પેશભાઇ બોરીચા, સાગરભાઇ માવદીયા, મહેશભાઇ ચાવડા, કનુભાઇ બસીયા, ધારાભાઇ, કોન્સ. યોગેશભાઇ મકવાણા, ધર્મેશભાઇ ખાંડેખા અને તેજસભાઇ ડેરએ આ કામગીરી કરી કરી રહ્યા છે.
(3:47 PM IST)










