<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

રાજકોટ એસ.ટી. ડેપોમાં કૂતરાઓનું સામ્રાજયઃ સવારે એકી સાથે ત્રણ ‘‘ડાઘીયા'' ઘુસી જતા મુસાફરોમાં ગભરાટ

બે દિવસ પહેલા મુસાફરોની પાછળ કૂતરાઓએ દોટ મૂકી હતીઃ વિભાગીય નિયામક તાકિદે પગલા ભરે

રાજકોટ તા. ૧રઃ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ જેન્‍તીભાઈ હિરપરા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, ફુલાબેન ચૌહાણ ની સંયુક્‍ત યાદી જણાવે છે કે રાજકોટ એસ.ટીનું બસ પોર્ટમાં અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ ચાલે છે તેનો વખતો વખત પર્દાફાશ મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્‍યો છે. જે રાજકોટ ડિવિઝનના રેકોર્ડ ઉપર અને એસ.ટી વડી કચેરીના રેકોર્ડ પર મૌજુદ છે.

રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર રોજિંદા ૮૦,૦૦૦ ની આસપાસ મુસાફરોની અવર જવર રહે છે. મુસાફરોએ ખિસ્‍સા કાતરૂ અને પોતાના માલ સામાનની ચોર, લુંટારાથી સાવધ રહેવાની સાથો સાથ હવે ડાઘીયા કુતરાઓ કરડી ન જાય તેનું પણ ધ્‍યાન રાખવું પડશે. આજે સવારે ૧૦-૦૦ વાગ્‍યા ની આસપાસ કનક રોડ ઉપર થી એસટી બસના એન્‍ટ્રીગેટ માંથી એક સાથે ત્રણ-ત્રણ કુતરાંઓ આવી ગયા હતા અને પ્‍લેટફોર્મ નંબર ૧ અને ૨ ની આસપાસ આટા ફેરા કર્યા બાદ નીચે ર્પાકિંગમાં જતા રહ્યા હતા. બે દિવસ પહેલા મુસાફરોની પાછળ કુતરાઓએ દોટ મૂકી હોવાનું પણ જાણવા મળેલ છે.

ગુજરાતના અનેક એસ.ટી બસ સ્‍ટેશનો અને પીકઅપ સ્‍ટેન્‍ડ પરના બસ સ્‍ટેશનો ઉપર ઢોર, કુતરાઓના આટા ફેરા જોવા મળતા હોય છે. કરોડો રૂપિયાના એસ.ટી બસ સ્‍ટેશનો મુસાફરો માટે બનાવવામાં આવ્‍યા છે નહીં કે ઢોર અને કુતરા માટે અનેક એસટી બસ સ્‍ટેશન ઉપર મુસાફરોને બેસવાની જગ્‍યા પર ડાઘીયા કુતરાઓના અડીંગા જોવા મળ્‍યા છે.

    આજે સૌરાષ્‍ટ્રના પાટનગર સમાન અને ૧૭૫ કરોડના ખર્ચે બનાવેલા રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર કુતરાના જે રીતે ઝુંડ જોવા મળ્‍યા તે અંગે જવાબદારી કોની ? સીસી ફૂટેજ મેળવી વિભાગીય નિયામક જવાબદાર  સામે સખ્‍ત કાર્યવાહી કરવાની માંગ  મુસાફર હિતરક્ષક સમિતિના આગેવાનોએ કરી છે.

(4:04 PM IST)