<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

૭૨.૮૦ લાખનો દારૂ રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડયો : જુઓ વિડિઓ

કુવાડવા ચોકડીએ વોચ રાખી ચોરખાનાવાળુ ટેન્‍કર આંતરી રાજસ્‍થાની ચાલક પારસ ઉર્ફ વિકાસ જાટને દબોચ્‍યોઃ વ્‍હોટ્‍સએપ કોલથી વાત કરી સુચના આપનારા રાહુલની શોધખોળ

ટેન્‍કરમાં બનાવાયેલુ ચોરખાનુ, તેમાંથી નીકળેલો પોણા કરોડનો દારૂનો જથ્‍થો અને આ કાર્યવાહી કરનાર ડીસીબીની ટીમ તેમજ ઝડપાયેલો ટ્રકચાલક જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૨: શહેર ક્રાઇમ બ્રાંચે વધુ એક વખત મસમોટો દારૂનો જથ્‍થો ઝડપી લેવામાં સફળતા મેળવી છે. દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવાની કાર્યવાહી અંતર્ગત ચોક્કસ બાતમીને આધારે કુવાડવા ચોકડી નજીકથી રૂા. ૭૨,૮૦,૪૦૦નો વિદેશી દારૂ ભરેલા ટેન્‍કર સાથે રાજસ્‍થાની શખ્‍સને દબોચી લીધો છે. જ્‍યારે આ ડ્રાઇવર સાથે વ્‍હોટ્‍સએપથી વાત કરનારાની શોધખોળ હાથ ધરી છે. ટેન્‍કરમાં પાછળના ભાગે પતરૂ કાપી ચોરખાના જેવુ બનાવી અંદર અલગ અલગ બ્રાન્‍ડનો દારૂ છુપાવાયો હતો. આ દારૂ ભાયાવદર સુધી પહોંચાડવાનો હતો. તેવું ઝડપાયેલા ડ્રાઇવરે રટણ કર્યુ હતું.

જાણવા મળ્‍યા મુજબ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. રણજીતસિંહ જાડેજા, હેડકોન્‍સ. જયરાજસિંહ કોટીલા અને દિલીપભાઇ બોરીચા તથા દિપકભાઇ ચોૈહાણને બાતમી મળી હતી કે દારૂ ભરેલુ એક ટેન્‍કર ચોટીલા તરફથી રાજકોટ તરફ આવી રહ્યું છે. આ બાતમીને આધારે ટીમે કુવાડવા ચોકડીએ હાઇવે પર વોચ રાખતાં જીજે૨૦વી-૪૯૭૯ નંબરનું બાતમી મુજબનું ટેન્‍કર આવતાં તેને અટકાવ્‍યું હતું. ચાલકની પુછતાછ કરતાં તેણે પોતાનું નામ પારસ ઉર્ફ વિકાસ અમેદારામ પોટલીયા-જાટ (ઉ.વ.૨૫-રહે. શ્રીરામવાલા ગામ, તા. ચોહટન, જી. બાડમેર, રાજસ્‍થાન) કહ્યું હતું.

પોલીસે ટેન્‍કર પાછળના ભાગે આવેલુ ચોરખાના જેવુ ઢાંકણું ખોલીને અંદર જોતાં અલગ અલગ બ્રાન્‍ડની દારૂની બોટલો મળી આવી હતી. જેમાં રોયલ સ્‍ટેગની ૭૫૦ એમએલની ૨૫,૮૯,૬૦૦ની ૧૯૯૨ બોટલો, રોયલ સ્‍ટેગની ૩૭૫ એમએલની ૩,૭૪,૪૦૦ની ૫૭૬ બોટઠલો, રોયલ સ્‍ટેગની ૧૮૦ એમએલની ૩,૯૦,૦૦૦ની ૧૨૦૦ બોટલો, રોયલ ચેલેન્‍જની ૭૫૦ એમએલની ૧૫,૬૦,૦૦૦ની ૧૨૦૦ બોટલો, રોયલ ચેલેન્‍જની ૧૮૦ એમએલની ૩,૯૦,૦૦૦ની ૧૨૦૦ બોટલો-ચપલા, ઓલ સીઝન્‍સની ૭૫૦ એમએલની ૧૬,૪૬,૪૦૦ની ૧૧૭૬ બોટલો તથા મેકડોવેલ્‍સ નંબર-૧ની ૧૮૦ એમએલની ૩,૩૦,૦૦૦ની ૧૨૦૦ બોટલો-ચપલા મળી કુલ રૂા. ૭૨,૮૦,૪૦૦નો ૮૫૪૪ બોટલ-ચપલા દારૂ મળી આવ્‍યો હતો.

પોલીસે દારૂ, તેમજ ૧૫ લાખનું ટેન્‍કર, રોકડા ૧ હજાર, મોબાઇલ ફોન મળી કુલ ૮૭,૯૧,૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. ઝડપાયેલા રાજસ્‍થાની ટ્રકચાલક પારસ ઉર્ફ વિકાસે પુછતાછમાં કબુલ્‍યું હતું કે પોતાને વ્‍હોટ્‍સએપ પર રાહુલ નામનો શખ્‍સ વાત કરીને સુચના આપતો હતો તે મુજબ પોતે ટ્રક હંકારતો હતો. ક્રાઇમ બ્રાંચે રાહુલની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ  એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ તથા પીઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ અમિતભાઇ અગ્રાવત, દિગપાલસિંહ જાડેજા, હેડકોનસ. સંજયભાઇ રૂપાપરા, દિપકભાઇ ચોૈહાણ, દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, સુભાષભાઇ ઘોઘારી, કોન્‍સ. રણજીતસિંહ જાડેજા, વિશાલભાઇ દવેએ આ કામગીરી કરી હતી. ઝડપાયેલા ટ્રકચાલકે એવુ પણ રટણ કર્યુ હતું કે દારૂ ભાયાવદર તરફ લઇ જવાનો હતો. ફોન પર રાહુલ નામનો શખ્‍સ વાત કરતો હતો તેણે ભાયાવદર તરફ આવવાની વાત કરી હતી. રાહુલ ઝડપાયા બાદ વધુ વિગતો ખુલશે. (૧૪.૬)

(2:28 PM IST)