તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
કટારિયા ચોકડીએ રપ ગેરકાયદે કાચા-પાકા મકાનોનો કડુસલો
મનપાનું બુલડોઝર ધણધણયું : ૧પ કરોડની જમીન ખુલ્લી

રાજકોટ તા. ૧૦: મનપા ના ટાઉન પ્લાનીંગ દ્વારા ટીપી રોડ ખુલ્લા કરાવવા અને અલગ અલગ હેતુ માટે ફાળવવામાં આવેલ મનપાના ખાલી પ્લોટ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છેલ્લા છ માસ દરમિયાન ૯૦૦થી વધુ ગેરકાયદેસર બાંધકામોને નોટીસ અપાયા બાદ હવે રોજે રોજ ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે વેસ્ટઝોનમાં વિસ્તારને મોટા મૌવા રોડ ઉપર કટારિયા ચોકડી પાસે ટીપી સ્કીમ નં. ૧૦માં ઈન્ફાસ્ટ્રક્ચર હેતુના પ્લોટ પર વર્ષોથી બનેલા ગેરકાયદેસર ૨૫ કાચા-પાકા મકાનો આજે તોડી પાડી ૧૫ કરોડની ૧૫૦૦ ચો.મી.થી વધુ જગ્યા ખુલ્લી કરાવાવામાં આવી હતી.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ અનઅધિકળત બાંધકામ દૂર કરવાની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવેલ જેમાં અગાઉ નોટીસ અપાઈ ગયેલ હોય મુદત પૂર્ણ થવા છતાં દબાણ કરતાઓએ જાતે દબાણ દૂર ન કરતાં વેસ્ટઝોનના વોર્ડ નં. ૧૧ માં મોટા મૌવા રોડ ઉપર કટારિયા ચોકડી પાસે ટીપી સ્કીમ નં. ૧૦ અંતિમ ખંડ નંબર ૭૯-બી સોશિયલ ઈન્ફાસ્ટ્રક્ચર હેતુ માટે ફાળવવામાં આવેલા પ્લોટ ઉપર વર્ષોથી થઈ ગયેલા ૨૫ કાચા-પાકા મકાનો પર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અગાઉ જાણકારી હોવાથી તમામ મકાનોમાંથી દબાણ કરતાઓએ માલસામાન કાઢીલીધેલ હોય શાંતિપૂર્વક ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આશરે ૧૫૦૦ ચો.મી. ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ પરના દબાણો દૂર થતાં મહાનગરપાલિકાની રૂા. ૧૫ કરોડની જમીન ખુલ્લી થઈ હતી.
મોટામૌવા રોડ ઉપર કટારિયા ચોકડી ખાતે આજે ૨૫થી વધુ મકાનોનું ડિમોલેશન હાથ ધરવામાં આવેલ જેમાં ટાઉન પ્લાનીંગ શાખા, વેસ્ટ ઝોનના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તથા તમામ આસિસ્ટન્ટ, એન્જિનિયર, એડિશનલ, હેડ સર્વેયર, સર્વેયર અને વર્કઆસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી જુદી શાખાઓ જેવી કે, જગ્યારોકાણ શાખા, ફાયર વિભાગ, રોષની વિભાગ અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વીજીલન્સ અને પોલીસના સ્ટાફ તથા પીજીવીસીએલના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
(3:46 PM IST)










