તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
મહાકાય વૃક્ષો હવે મકાનની દીવાલોને નુકશાન નહીં પહોંચાડે : રૂટ ગાર્ડથી સમસ્યાનો હલ
રાજકોટના વૃક્ષપ્રેમી ઇશીતાબેન પંચોલીનો સફળ પ્રયોગ : નુતનનગર સોસાયટીમાં ૨૭ વર્ષ જુના લીમડાને દિલ્હીની કે.એમ. ગ્રીન વિઝન કંપનીની મદદથી પેટેન્ટ રૂડ ગાર્ડ બેરીયર લગાવી બચાવી લેવાયો

રાજકોટ તા. ૧૦ : હાલમાં જ વિશ્વ પર્યાવરણની ઉજવણી થઇ. લોકો હોશે હોશે વૃક્ષો રોપી તેનું જતન પણ કરે છે. પરંતુ આ વૃક્ષોનું આયુષ્ય બહુ મોટુ થઇ જાય ત્યારે મકાનની દિવાલો કે નજીકની બિલ્ડીંગોને નુકશાન પહોંચાડે તેવો ભય રહે છે. પરંતુ રાજકોટના પર્યાવરણ પ્રેમી ઇશીતાબેન પંચોલીએ આ સમસ્યાનો હલ શોધી કાઢયો છે.
પી.ડી. માલવિયા કોલેજના ભૂતપૂર્વ પ્રાધ્યાપક સ્વ. મહેશભાઇ પંચોલીના સુપુત્રી એવા ઇશીતાબેન નુતનનગર સોસાયટીમાં ઘણા વર્ષોથી રહે છે. ગૌ પ્રેમી અને વૃક્ષ પ્રેમી જીવ છે. કોઇપણ સંસ્થાના બેનર વગર તેઓ પર્યાવરણ જાગૃતિની પ્રવૃત્તિ કરતા રહે છે. નાનપણથી જ તેઓએ પિતા સ્વ. મહેશભાઇ પંચોલી પાસેથી પર્યાવરણ જાળવણી અને જીવદયાના સંસ્કારો મેળવ્યા હતા. સોસાયટીમાં જે તે સમયે તેઓએ ૭૫ થી વધુ વૃક્ષો ઉછેર્યા હતા. પરંતુ સમય જતા હાલ માત્ર ૧૦ વૃક્ષો જ બચી શકયા છે.
સોસાયટીમાં જ આવેલ ૨૭ વર્ષ જુનો એક લીમડો મકાનની દીવાલોને નુકશાન પહોંચાડવા માંડતા લોકોને તેમને લીમડો કઢાવી નાખવાની સલાહ આપેલી. પરંતુ આટલો જુનો લીમડો કઢાવી નાખવા તેમનું મન ન માન્યુ. તેઓએ કોઇપણ ભોગે લીંમડો પણ બચી જાય અને સમસ્યાનો હલ થઇ જાય તે દિશામાં વિચારવાનું શરૂ કર્યુ. આ દરમિયાન તેઓ દિલ્હીની કે.એમ. ગ્રીન વિઝન કંપનીના સંપર્કમાં આવ્યા. જેઓ પેટેન્ટ રૂટ ગાર્ડ/ રૂટ બેરીયર મટીરીયલ્સનું વેચાણ કરે છે.
ઇશીતાબેને કંપનીના માલીક ક્રિષ્નકાંતભાઇ સાથે વાત કરી અને મટીરીયલ મંગાવી લીધુ. સ્થાનીક કારીગરોની મદદથી ખાડો કરી લીમડાના મુળીયા અને ઘરની કમ્પાઉન્ડ વોલ વચ્ચે આ મટીરીયલને લગાવી દીધુ. આમ તેમનો લીમડો પણ બચી ગયો અને મકાનની દીવાલ પણ સુરક્ષીત થઇ ગઇ છે. પરીપકવ વૃક્ષના નડતર મૂળને કાપી નાખવામાં આવે ત્યારે તેના પર ચંદન-હળદાર-ગુંદરના મિશ્રણનો લેપ લગાવી લેવાથી તેને પહોંચતુ નુકશાન અટકી જાય છે. આમ કોઇપણ મહાકાય વર્ષો જુના વૃક્ષોને અને મકાનની દિવાલોને રૂટ ગાર્ડ બેરીયર મટીરીયલ્સની મદદથી સુરક્ષિત કરી શકાય છે. તેમ યાદીના અંતમાં ઇશીતાબેન પંચોલી (મો.૯૫૩૭૩ ૮૬૩૬૯)એ જણાવ્યુ છે.
(3:05 PM IST)










