News of Tuesday, 10th June 2025
બાપુનગર કાંટા પાસેથી મધ્યપ્રદેશની ૧૬ વર્ષની બાળાનું રિક્ષામાં અપહરણ
મુળ એમપીનો ઉમરો નામનો શખ્સ ચાર મહિનામાં બીજીવાર ભગાડી ગયોઃ ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૦: શહેરમાંથી વધુ એક સગીરાનું અપહરણ થયું છે. મુળ મધ્યપ્રદેશના પરિવારની ૧૬ વર્ષની દિકરીને તે બાપુનગર કાંટા પાસે કડીયા કામની સાઇટ પર મજૂરી કરવા ગઇ હતી ત્યાંથી મુળ એમપીના જાંબુઆના ઢીકર ગામનો ઉમરો નામનો શખ્સ રિક્ષામાં બેસાડી ભગાડી જતાં ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે. આ શખ્સ ચાર મહિનામાં આ બાળાને બીજી વખત અપહરણ કરી ભગાડી ગયો છે.
આ બનાવમાં પોલીસે અપહૃત સગીરાના પિતાની ફરિયાદ પરથી ઉમરો નામના એમપીના શખ્સ સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદી કડીયા કામની સાઇટ પર છત ભરવાની મજૂરી કરે છે. તેને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. જેમાં દિકરી સોળ વર્ષની છે. તા.૬ના રોજ પરિવારના બધા સભ્યો જીલ્લા ગાર્ડન બાપુનગર કાંટા પાસે કડીયા કામની સાઇટ ચાલુ હોઇ બધા ત્યાં મજૂરીએ આવ્યા હતાં. અહિ સાંજના ચારેક વાગ્યે તેમની દિકરી સાઇટ પર કામ પડતુ મુકી નીકળી ગઇ હતી. તેની પાછળ પાછળ તેણીના માસી પણ ગયા હતાં. આ વખતે કાટાથી આગળ ઉમરો નામનો શખ્સ રિક્ષા લઇને ઉભો હોઇ તે તેણીને તેમાં બેસાડી ભગાડી ગયો હતો. બાળાના માસી પાછળ દોડયા હતાં પણ રિક્ષા ઉભી રહી નહોતી.
બાળાના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે ભગાડી જનાર ઉમરો અગાઉ વેલનાથ સોસાયટી રણુજા મંદિર પાસે ઝૂપડામાં રહેતો હતો. અગાઉ પણ આ શખ્સ ૧૮ માર્ચના રોજ મારી દિકરીને ભગાડી ગયો હતો. ત્યારે પણ મેં આજીડેમ પોલીસમાં ફરિયાદ કરી હતી. એ પછી દિકરી મળી ગઇ હતી. હવે તે બીજી વખત તેણીને ભગાડી ગયો છે. ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:13 PM IST)










