તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
ઇલેક્ટ્રીક બાઇક લઇને નીકળેલો વેપારીનો સગીર પુત્ર ગૂમ થયોઃ ૩૬ કલાકમાં પોલીસે દિલ્હીથી શોધી કાઢયો
ઢેબર રોડ વિસ્તારના વેપારીએ ૧૫ વર્ષના પુત્રને ઠપકો આપતાં રોકડ લઇ નીકળી ગયો હતોઃ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ આદરી હતીઃ હેમખેમ મળી આવતાં પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો : પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ જે. જે. ગોહિલ અને ટીમ ૧૫૦૦ કિ.મી. અંતર કાપી બાળકને નોઇડાથી શોધી લાવી : ઇ-બાઇક લઇ દિલ્હી જવું હતું: પણ પાવર ખુટી જતાં મહેસાણા પાસે વાહન રેઢુ મુકી ટ્રેન મારફત દિલ્હી પહોંચી ગયો હતો

રાજકોટ તા. ૧૦: શહેરના ફુલના એક વેપારીના પરિવારનો ૧૫ વર્ષ ૮ મહિનાની ઉમરનો દિકરો ગત ત્રીજી તારીખે ઘરેથી નીકળ્યા બાદ લાપત્તા થઇ ગયો હતો. શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવતાં સગીર ગૂમ થયાના કિસ્સામાં પોલીસે તુરત જ અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન અપહૃત સગીરનું લોકેશન મહેસાણા અમદાવાદ તરફ મળતાં ટૂકડી રવાના થઇ હતી. છેલ્લે આ સગીરને દિલ્હીના પહાડગંજ વિસ્તારમાંથી હેમખેમ શોધી કાઢી રાજકોટ લાવી પરિવારને સોંપતા પરિવારજનોએ પોલીસ અધિકારી અને ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. ૩૬ કલાકમાં જ પોલીસે અપહૃતને શોધી કાઢયો હતો. જો કે હેમખેમ મળેલા સગીરે પોતાનું અપહરણ નહિ થયાનું અને જાતે જ ઇલેક્ટ્રીક બાઇક લઇ દિલ્હી જવા નીકળી ગયાનું રટણ કર્યુ હતું.
જાણવા મળ્યા મુજબ ઢેબર રોડ વિસ્તારમાં રહેતાં ફુલના વેપારીએ ભક્તિનગર પોલીસમાં છઠ્ઠી મેના રોજ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો પંદર વર્ષનો દિકરો કે જેણે હાલમાં જ ધોરણ-૧૦ની પરિક્ષા પાસ કરી છે તે તા. ૩ના રોજ બપોરે બે વાગ્યે ધારેશ્વર મંદિર નજીક આવેલી દૂકાન પાસેથી નીકળી ગયા બાદ ગૂમ થઇ ગયો છે. વેપારી બપોરે ઘરે જમવા ગયા ત્યારે દૂકાને તેમની દિકરી હતી. વેપારીને સાંજે સાડા ચારેક વાગ્યે દિકરીએ ઘરે જઇ કહ્યું હતું કે નાનો ભાઇ બપોરે પોણા ત્રણે દુકાને આવ્યો હતો અને ગોંડલ રોડની બેંકમાં રૂા. ૫૫ હજાર જમા કરાવવાનું કહીને નીકળી ગયો છે. આ સાંભળી વેપારી અને પરિવાજનો હાંફળા ફાંફળા થઇ ગયા હતાં. દિકરાને ફોન જોડતાં ફોન સ્વીચ ઓફ હતો. રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના સ્થળોએ શોધખોળ કરી હતી પણ તે મળ્યો નહોતો.
પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા અને ટીમે ઘટનાને ગંભીર ગણી અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મોબાઇલ ફોનનું લોકેશન ટેકનીકલ સોર્સથી શોધતા અને હ્યુમન સોર્સની પણ મદદ લેતાં અપહૃતનું લોકેશન સુરેન્દ્રનગર તરફ આવતાં ટીમ ત્યાં દોડી ગઇ હતી. પરંતુ ત્યાંથી લોકેશન મહેસાણા-અમદાવાદ તરફ આવતાં ટીમ આગળ વધી હતી. મહેસાણા નજીકથી તેનું ઇલેક્ટ્રીક ટુવ્હીલર મળી આવ્યું હતું. વધુ તપાસ કરતાં આ બાળક ટ્રેન મારફત દિલ્હી તરફ ગયાની માહિતી મળી હતી.
આથી પીએસઆઇ જે. જે. ગોહિલ, કોન્સ. મહાવીરસિંહ મહોબ્બતસિંહ ચુડાસમા, પ્રકાશભાઇ લાલજીભાઇ સહિતના દિલ્હી સુધી પહોંચયા હતાં. જ્યાં ન્યુ દિલ્હી એરપોર્ટ, મેટ્રો રેલ્વે સ્ટેશન, આસપાસની હોટેલોમાં તપાસ કરી હતી. છેલ્લે પહાડગંજ વિસ્તારમાં હોટેલો, ટેક્સી રિક્ષા ચાલકોને પુછતાછ કરતાં નોઇડા મેટ્રો રેલ્વે સ્ટેશને ટીમ પહોંચતા ત્યાંથી બાળક મળી આવ્યો હતો. પોલીસની ટીમે ૧૫૦૦ કિલોમીટરનું અંતર કાપી ૩૬ કલાકમાં જ અપહૃતને શોધી તેના પરિવારજનોને સોંપતા પરિવારજનોએ પોલીસ અધિકારી અને ટીમને બૂકે અર્પણ કરી સન્માન કર્યુ હતું.
આ સગીરે એવુ રટણ કર્યુ હતું કે પોતાને કોઇ અપહરણ કરીને નહોતું લઇ ગયું પણ પોતે ઇલેક્ટ્રીક બાઇક લઇને દિલ્હી જવા ઇચ્છતો હોઇ જેથી પૈસા બેંકમાં જમા કરાવવાના બહાને દુકાનેથી લઇને ઇલેક્ટ્રીક બાઇક લઇને રવાના થઇ ગયો હતો. પરંતુ મહેસાણા સુધી પહોંચતા ત્યાં પાવર ખતમ થઇ જતાં અને પાવર સ્ટેશન ન હોઇ બાઇક રેઢુ મુકી ટ્રેન સહિતના વાહનો મારફતે દિલ્હી પહોંચી ગયો હતો. સદ્દનસિબે તે પહાડગંજ કે બીજા વિસ્તારોમાં કોઇ લેભાગુના હાથમાં આવ્યો નહોતો. પોલીસે તેને રાજકોટ લાવી તેનું કાઉન્સેલીંગ કરાવી હવે પછી આવી ભુલ નહિ કરવા સમજ આપી હતી. (૧૪.૭)
(11:18 AM IST)










