News of Monday, 9th June 2025
નારણકા ગામે મંગળ-બુધ સંતગુરૂ કબીર સાહેબ આશ્રમનું ઉદ્ઘાટનઃ પ્રાણપ્રતિષ્ઠા
કહે કબીર ધર્મદાસ કો, દો બાતા શીખ લે, કર સાહેબની બંદગી ઔર ભુખે કો અન્ન દે... : રવિભાણ સંપ્રદાયના સંતો અને પ્રેમજીવણ પરંપરાના સંતોની મૂર્તિની પ્રતિષ્ઠા, કળશવિધી, ભદ્ર ઉત્સવ, શામજીબાપુની ફૂલસમાધી, ભજન, સત્સંગઃ બુધવારે પદ્મશ્રી હેમંતભાઇ ચૌહાણના ભજનોની સુરાવલીઃ સંતો-મહંતો આશીર્વચન આપશેઃ રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતી

રાજકોટઃ પડધરી તાલુકાના નારણકા ગામે ભવ્ય ધાર્મિક ઉત્સવ યોજાયો છે. શિવપુર-નારણકા ગામે સંતગુરૂ શ્રી કબીર સાહેબ આશ્રમનું ભવ્ય ઉદ્ઘાટન તથા રવિભાણ સંપ્રદાયના સંતો અને પ્રેમજીવણ પરંપરાના સંતોની મૂર્તિની પ્રતિષ્ઠા, કળશવિધિ તેમજ ભદ્ર ઉત્સવ તથા શામજીબાપૂની ફૂલસમાધી તેમજ ભજન, ભોજન અને સંત્સંગના કાર્યક્રમો યોજાયા છે.
દાતા ચમનભાઇ શામજીભાઇ પરમાર (મેંગણીવાળા) દ્વારા સંતકબીર સાહેબના આશ્રમ નિર્માણ અને જમીન સહિતના માટે સહયોગ મળેલ હોવાનું જણાવાયું છે.
સદ્ગુરૂ શ્રી કબીર સાહેબ આશ્રમની કળશવિધિ તથા તેના ગર્ભગૃહમાં ૧૭ રવિભાણ સંપ્રદાયના મહાન સંતકવિઓની મૂર્તિ પ્રતિષ્ઠા સનાતન હિન્દૂધર્મના દેવી-દેવતાઓની ૫૧ મૂર્તિઓની પધરામણી તેમજ શ્રી સત્ય હનુમાનજીની જગ્યાના મહંતશ્રી શામજીબાપુ ભાણા ભગત પરમારની ફૂલસમાધી તેમજ ભદ્રોઉત્સવ તા.૧૦ અને ૧૧ (મંગળ, બુધ) યોજાયેલ છે.
તા.૧૦ મંગળવારે સવારે ધ્વજારોહણ, ૯ વાગે સમાધિ પૂજન વિધિ, ૧૧.૩૦ ભોજનાલય પૂજન, સાંજે ૪ વાગે સંતવાણી નામી અનામી કલાકારોની રાખેલ છે.
જયારે તા.૧૧ બુધવારે સવારે ૭ વાગે સંતોના સામૈયા, ૮ વાગે મહાયજ્ઞ, ૯ વાગે ગુરૂપૂજા, ૧૦ વાગે શિખર પૂજા, ૧૧ વાગે સંતોના આશીર્વચન, ૧૨ વાગે ગુરૂસેવા, બપોરે બે વાગે આનંદી ચોકા આરતી, સાંજે ૭ વાગે મહાઆરતી બાદ રાત્રીના ૮ વાગ્યાથી ભજન આરાધક પદ્મશ્રી હેમંતભાઇ ચૌહાણના સ્વમુખે રવિભાણ સંપ્રદાયના પ્રાચીન ભજનોની સુરાવલી રજૂ થશે.
આ પ્રસંગે સંતો મહંતો આશીર્વચન પાઠવશે. કાર્યક્રમનું સંચાલન પૂ. નિરંજનબાપુ રાજગુરૂ સાહેબ કરશે. ભાવિકો માટે બન્ને સમય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(4:20 PM IST)










