<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

બરકતભાઇ પાણી લેવા ઉભા થતાં કિશને ગળા પર છરી ભોંકી, પછી બે ઘા સ્‍નેહલબાએ મારી દીધા'તાઃ ૧૦ દિ'ના રિમાન્‍ડ મંગાયા

મુળ જામજોધપુરના સતાપરના કિશન વાઢેર અને તળાજાના છાત્રા ગામની સ્‍નેહલબા ગોહિલ વચ્‍ચે સાથે નોકરી વખતે ઓળખાણ થઇ હતીઃ હાલ બંને બેકાર હતાં, પૈસાની જરૂર હોઇયુવતિએ પરિચીત વૃધ્‍ધને જ લૂંટી લેવાનો પ્‍લાન ઘડયો અને ખોફનાક કાવત્રાને પ્રેમી સાથે મળી અંજામ આપ્‍યો હતો : હત્‍યા કરી દાગીના લૂંટયા, ત્‍યાં જ બંનેએ ન્‍હાઇને કપડા બદલ્‍યા પછી નીકળી ગયાઃ ક્રાઇમ બ્રાંચે ૨૦૦થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી શોધી કાઢયાઃ ૬.૯૫ લાખના દાગીના, ઘડીયાળો, ટુવ્‍હીલર કબ્‍જેઃ હત્‍યા કર્યાનો બંનેના ચહેરા પર કોઇ અફસોસ નહોતો : વાલકેશ્વર સોસાયટી શ્રીનગરમાં થયેલી હત્‍યા-લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાંચે કલાકોમાં ઉકેલ્‍યોઃ ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે વિગતો જણાવી : હત્‍યા બાદ કિશન અને યુવતિ સ્‍નહેલબા પહેલા ધરમ સિનેમા પાસે રાજપૂત બોર્ડિંગ ખાતે ગયા હતાં: ત્‍યાંથી કપડા બદલી બંને નીકળી ગયા હતાં: છરી પોટલામાં બાંધી ન્‍યારી ડેમ પાસે છુપાવી દીધી હતીઃ ભક્‍તિનગર પોલીસે કબ્‍જે કરી

રાજકોટઃ શહેરના વાલકેશ્વર સોસાયટી મેઈન રોડ પર શ્રીનગર સોસાયટી-૩માં એકલા રહેતા વૃધ્‍ધ બરક્‍તભાઈ ગુલામહુશેભાઇ લાખાણી (ઉ.વ.૭૦)ની હત્‍યા કરી દાગીના લૂંટવાની ઘટનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી હાલ રાજકોટ રહેતાં મુળ સતાપરા જામજોધપુરના શખ્‍સ અને ભાવનગરના છાત્રા ગામની યુવતિને દબોચી લીધા છે. ફલીપકાર્ટમાં સાથે નોકરી કરતાં આ બંને વચ્‍ચે પ્રેમ થયો હતો. હાલ નોકરી છુટી ગઇ હોઇ રૂપિયાની જરૂર હોઇ યુવતિ વૃધ્‍ધ બરકતભાઇને  ત્‍યાં ગોલ્‍ડ લોનની વાત કરવા ગઇ હોઇ તેઓ આઠેય આંગળીઓમાં સોનાની વીંટીઓ, હાથમાં લક્કી પહેરતાં હોઇ આ દાગીના લૂંટી લેવાનો યુવતિ અને તેના પ્રેમીએ પ્‍લાન ઘડયો હતો અને રેકી કરી કાવત્રુ ઘડી ખોફનાક ઘટનાને અંજામ આપ્‍યો હતો. બંનનો કબ્‍જો ભક્‍તિનગર પોલીસે સંભાળી ૧૦ દિવસના રિમાન્‍ડ મેળવવા તજવીજ આદરી છે.

આઠ ધોરણ ભણેલા પ્રેમીએ વૃધ્‍ધને ગળા પર છરીનો એક ઘા અને એન્‍જિનીયરીંગનો અભ્‍યાસ કરનારી યુવતિએ પેટમાં તથા વાંસામાં બીજા બે ઘા મારી દીધા હતાં. આ બંનેને હત્‍યાનો કોઇ અફસોસ નહોતો! લૂંટ મર્ડરની ઘટના જાહેર થતાં ભક્‍તિનગર પોલીસ, એલસીબી ઝોન-૧ અને ક્રાઇમ બ્રાંચની ટીમો કામે લાગી હતી. બસ્‍સોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કરતાં  ક્રાઇમ બ્રાંચને ટુવ્‍હીલર પર યુવક-યુવતિ જતાં નજરે ચડયા હતાં. તેનું પગેરૂ દબાવતી ટૂકડી ધરમ સિનેમા સુધી પહોંચી હતી અને ભેદ ઉકેલાઇ ગયો હતો. આ બંનેએ એક્‍ટીવાની નંબર પ્‍લેટ વાળી નાંખી તેમજ રસ્‍તામાં દૂપટ્ટો, કપડા બદલાવ્‍યા હોઇ દ્રઢ શંકા પરથી ઉઠાવી લઇ પુછતાછ કરતાં પોતાના નામ સ્‍નેહલબા પ્રતાપસિંહ ગોહિલ (ઉ.વ.૨૨-રહે. ગુ.હા. બોર્ડ ક્‍વાર્ટર બ્‍લોક નં. ૩૩૩, કોઠારીયા સોલવન્‍ટ, મુળ છાત્રા તા. તળાજા-ભાવનગર) અને કિશન માનસિંગભાઇ વાઢેર (ઉ.વ.૨૨-રહે. કારડીયા રાજપૂત છાત્રાલય, ધરમ સિનેમા પાસે, મુળ સતાપર જામજોધપુર) જણાવ્‍યા હતાં. આકરી પુછતાછમાં બંનેએ કાવત્રુ ઘડી વૃધ્‍ધ બરકતભાઇની હત્‍યા કર્યાની કબુલાત આપતાં  બંનેની પોલીસે ધરપકડ કરી પોણા સાત લાખના દાગીના, ટુવ્‍હીલર, મોબાઇલ, ઘડીયાળો મળી ૭,૫૫,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે વિગતો આપતાં જણાવ્‍યું હતું કે આરોપી કિશન અને સ્‍નેહલબા યાજ્ઞિક રોડ પર ઇ-કોમર્સ કંપની ફલીપકાર્ટમાં સાથે નોકરી કરતાં હોઇ બંને વચ્‍ચે ઓળખાણ થઇ હતી. સ્‍નેહલબા સાથે સાથે ગોલ્‍ડ લોનને લગતું કામ પણ કરતી હોઇ તે એકાદ વર્ષ પહેલા હત્‍યાનો ભોગ બનેલા બરકતભાઇના ઘરે ગોલ્‍ડ લોનના કામે ગઇ હતી. એ પછી પણ તેના સંપર્કમાં હતી. બરકતભાઇ સોનાના દાગીના હમેંશા પહેરી રાખતા હોવાથી તે વાકેફ હતી. દરમિયાન હાલમાં આ બંને નોકરી વિહોણા બેકાર હોઇ પૈસાની જરૂર હોઇ સ્‍નેહલબાએ પરિચીત વૃધ્‍ધ બરકતભાઇને લૂંટી લેવાની યોજના બતાવતાં પ્રેમી કિશન તેમાં સામેલ થયો હતો.

ખોફનાક કાવત્રાને અંજામ આપવા હત્‍યાના બે ત્રણ દિવસ પહેલા બંને વૃધ્‍ધના ઘરે વાતચીત કરવા ગયા હતાં અને ત્‍યાં કેમેરા નથી, તેઓ એકલા જ રહે છે તેની ખાત્રી કર્યા બાદ ઘટનાની સાંજે બંને ઘરમાં ઘુસી ગયા હતાં. પ્‍લાન મુજબ પોતાની સાથે છરી, બદલવા માટેના કપડા પણ લઇ ગયા હતાં.

સામાન્‍ય વાતચીત થયા બાદ સ્‍નેહલબાએ પાણી માંગતા વૃધ્‍ધ બરકતભાઇ પાણી ભરવા ઉભા થતાં પાછળ કિશન ઉભો થયો હતો. સ્‍નહેલબાએ માર આને તેવું કહેતાં  જ કિશને પાછળથી વૃધ્‍ધનું મોઢુ દાબી તેના ગળા પર છરી હુલાવી દેતાં તેઓ તરફડીયા મારવા માંડયા હતાં. આમ છતાં છરી ઝૂંટવી સામનો કરતાં સ્‍નેહલબાએ છરી પડાવી પેટ, વાંસામાં ઘા મારી દેતાં વૃધ્‍ધના પ્રાણ નીકળી ગયા હતાં.

ક્રુર હત્‍યા બાદ બંનેએ વૃધ્‍ધે આઠેય આંગળીઓમાં પહેરેલી વીંટીઓ, ઘડીયાળો, લક્કી સહિતના દાગીના લૂંટી લીધા હતાં. હત્‍યા બાદ બંનેએ ત્‍યાં  જ સ્‍નાન કર્યુ હતું અને બીજા કપડા સાથે લાવ્‍યા હોઇ તે પહેરીને એક્‍ટીવાની નંબર પ્‍લેટ વાળીને નીકળી ગયા હતાં. જો કે બસ્‍સોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતાં આ બંને પોલીસના હાથમાં ચડી ગયા હતાં. ઘટના બાદ છેલ્લે ધરમ ટોકીઝ પાસેથી છુટા પડી પોતપોતાની ઘરે જતાં રહ્યા હતાં. સ્‍નહેલબા તેના વતન જાય એ પહેલા પકડી લેવાઇ હતી અને સાથે કિશનને પણ દબોચી લેવાયો હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ સી. એચ. જાદવ, એમ. એલ. ડામોર, પીએસઆઇ એ. એન. પરમાર, વી. ડી. ડોડીયા, સી. વી. ચુડાસમા, એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, અમીતભાઇ અગ્રાવત, હિતેન્‍દ્રસિંહ ઝાલા, અશોકભાઇ કલાલ, હેડકોન્‍સ. જયદેવસિંહ પરમાર, સંજયભાઇ રૂપાપરા, સુભાષભાઇ ઘોઘારી, દિપકભાઇ ચોૈહાણ, હરસુખભાઇ સબાડ, પ્રદિપસિંહ જાડેજા, અર્જુનભાઇ ડવ, પ્રતિકસિંહ રાઠોડ, કિશનભાઇ પાંભર, કૃષ્‍ણદેવસિંહ ઝાલા, રાજેશભાઇ જળુ, જયરાજસિંહ કોટીલા, દિલીપભાઇ બોરીચા, કોન્‍સ. મહાવીરસિંહ જાડેજા, સંજયભાઇ ખાખરીયા, તુલસીભાઇ ચુડાસમા, પ્રશાંતભાઇ ચડાસમા, કોન્‍સ. નયનાબેન, દિપલબેને આ કામગીરી કરી હતી.

વિશેષ તપાસ માટે આરોપીઓનો કબ્‍જો ભક્‍તિનગર પોલીસે સંભાળતાં પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, નિલેષભાઇ મકવાણા સહિતની ટીમે તપાસ આરંભી આરોપીના ૧૦ દિવસના રિમાન્‍ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. (૧૪.૮)

 

 


 

લૂંટ અને કાવત્રાની કલમનો ઉમેરો કરાયોઃ પીઆઇ એમ. એમ. સરવૈયા

*હત્‍યા-લૂંટની ઘટનાની આગળની તપાસ કરી રહેલા પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાએ જણાવ્‍યું હતું કે આ ગુનામાં હવે લૂંટ અને કાવત્રાની કલમનો ઉમેરો કરાયો છે. હત્‍યા કર્યા બાદ ઘટના સ્‍થળે જ આરોપીઓ કિશન અને સ્‍નેહલબાએ ન્‍હાઇને કપડા બદલ્‍યા હતાં. બાદમાં કિશન પોતે ધરમ સિનેમા નજીક છાત્રાલયમાં રહે છે ત્‍યાં યુવતિ સ્‍નેહલબાને લઇ ગયો હતો. ત્‍યાં ફરીથી બંનેએ કપડા બદલ્‍યા હતાં અને બાદમાં બંને અલગ પડી ગયા હતાં. કિશન તેના ગામ સતાપર તરફ જતો હોઇ હત્‍યામાં વપરાયેલી છરી પોટલામાં મુકી આ પોટલુ ન્‍યારી ડેમ પાસે મુકી દીધુ હતું. આ છરી કબ્‍જે કરવામાં આવી છે.

(3:54 PM IST)