તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
રામાપીર ચોકડીએ રહેતાં ૨૫ વર્ષના ઇશિત પંચોલીનું હાર્ટએટેકથી મોતઃ ૧૫ દિવસ પહેલા જ સગાઇ થઇ હતી
એકના એક દિકરાના મોતથી પરિવારમાં અરેરાટીઃ જીલ્લા સેવા સદનમાં પ્રાદેશીક કમિશનર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતોઃ મ્યુ. કોર્પોરેશનના ડે. કમિશનર હોસ્પિટલે દોડી આવ્યા : અન્ય બનાવમાં મારવાડી કોલેજ ખાતે ડ્રાઇવર મોરબીના ઇસ્માઇલભાઇ સુમરાનું ડ્રાઇવર રૂમમાં હૃદયરોગના હુમલાથી મોત

રાજકોટ તા. ૯: હૃદય ધબકારા ચુકી જતાં મૃત્યુની વધુ બે ઘટના બની છે. જેમાં પ્રાદેશીક કમિશનર કચેરીના કર્મચારીનું ઘરે બેભાન થઇ જતાં મૃત્યુ થયું છે. ૨૫ વર્ષિય આ યુવાનની હજુ પખવાડીયા પહેલા જ સગાઇ થઇ હતી. બીજા બનાવમાં મોબી રહેતાં પ્રોૈઢ બેડી પાસે મારવાડી કોલેજમાં હતાં ત્યારે બેભાન થઇ જતાં મોત થયું હતું. તેઓ દરરોજ મોરબીથી છાત્રોને બસમાં બેસાડી અહિ લાવતાં હતાં.
બનાનવી જાણવા મળેલી માહિતી મુજબ શહેરની રામાપીર ચોકડી પાસે શાંતિ નિકેતન એપાર્ટમેન્ટમાં રહેતો ઇશિત કમલેશભાઇ પંચોલી (ઉ.વ.૨૫) નામનો યુવાન સવારે નવેક વાગ્યે ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેને નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. આ યુવાન બહુમાળી નજીક સરકારી પ્રેસ પાસે આવેલા જીલ્લા સેવા સદન-૩માં આવેલી પ્રાદેશીક કમિશનર કચેરી-મહાનગર પાલિકામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે આઉટ સોર્સથી નોકરી કરતો હતો. કરૂણતા એ છે કે પંદર દિવસ પહેલા જ તેની સગાઇ થઇ હતી.
મૃત્યુ પામનાર ઇશિત એક બહેનથી નાનો હતો અને પરિવારનો આધારસ્તંભ હતો. તેના પિતા પ્રાઇવેટ નોકરી કરે છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ જણાવ્યું હતું. ઇશિત જ્યાં નોકરી કરે છે તે કચેરી મહાનગર પાલિકા હેઠળ આવતી હોઇ ડે. મ્યુનિસિપલ કમિશનર પણ ઘટનાની જાણ થતાં પોસ્ટમોર્ટમ રૂમ ખાતે દોડી આવ્યા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
જ્યારે બીજા બનાવમાં મોરબી વીસીપરા સુમરા સોસાયટીમાં રહેતાં ઇસ્માઇલભાઇ હાજીભાઇ સુમરા (ઉ.વ.૫૩) મારવાડી કોલેજ ખાતે ડ્રાઇવર રૂમમાં સેટી પર સુતા હોઇ ત્યાંથી પડી જતાં બેભાન થઇ ગયા બાદ મોત નિપજતાં કુવાડવા પોલીસે કાર્યવાહી કરી હતી. તેઓ મોરબીથી છાત્રોને બસમાં બેસાડી દરરોજ મારવાડી કોલેજ લાવતાં હતાં. આરામ કરવા સુતા હોઇ હાર્ટએટેક આવી ગયો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પાંચ વર્ષથી કોલેજમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતાં.
(3:49 PM IST)










