News of Monday, 9th June 2025
મવડી રોડ પરની બેંકમાં જયેશ ઉર્ફ જીતુ સોરઠીયાની ધમાલઃ ટ્રક માથે ચડાવી દેવાની મહિલા કર્મીને ધમકી!
જોઇન્ટ એકાઉન્ટમાંથી એક નામ કમી કરાવી બીજુ નામ ઉમેરવા માટે બેંકે આવેલા ગ્રાહકને રાહ જોવાનું કહેતાં મગજ ગુમાવ્યો : ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટના બ્રાંચ મેનેજર અશ્વિનભાઇ કનેરીયાએ સંસ્કાર સાનિધ્યમાં રહેતાં શખ્સ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૯: શહેરના મવડી મેઇન રોડ પર આવેલી બેંકમાં નામ કમી કરાવા અને નવું નામ ઉમેરવાના કામ માટે આવેલા ગ્રાહકને મહિલા કર્મચારીએ તેમનો વારો આવે ત્યાં સુધી રાહ જોવાનું કહેતાં આ શખ્સે તું મને ઓળખે છે, હું કોણ છું? કહી ધમાલ મચાવી મહિલા કર્મચારી સાથે અશોભનીય વર્તન કરી ચારિત્ર્ય બાબતે ન બોલવાના શબ્દો બોલી તેમજ મહિલા કર્મચારીને ટ્રક માથે ચડાવી દેવાની ધમકી આપતાં ચકચાર જાગી છે.
આ બનાવ અંગે તાલુકા પોલીસે રવિરત્ન પાર્ક શેરી નં. ૨માં રહેતાં અને મવડી રોડ પર જીથરીયા હનુમાન મંદિર સામે આશીર્વાદ હોસ્પિટલની બાજુમાં આવેલી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટના બ્રાંચ મેનેજર અશ્વિનભાઇ કાનજીભાઇ કનેરીયા (ઉ.વ.૫૮)ની ફરિયાદ પરથી મવડી બાયપાસ સંસ્કાર સાનિધ્ય બી-૧૦૪માં રહેતાં જયેશ ઉર્ફ જીતુ લવજીભાઇ સોરઠીયા સામે બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
અશ્વિનભાઇએ જણાવ્યું હતું કે પોતે બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. પાંચમી તારીખે બપોરે બે વાગ્યા આસપાસ બેંકના ગ્રાહક જયેશભાઇ ઉર્ફ જીતુભાઇ બેંક ખાતે જોઇન્ટ એકાઉન્ટના કામ માટે આવ્યા હતાં. તેમને એક નામ કમી કરાવી તેમના માતાનું નામ આ એકાઉન્ટમાં ઉમેરાવવાનું હતું. આ કામ માટે તેમને બેંકના મહિલા કર્મચારીએ થોડો સમય રાહ જોઇ બેસવાનું કહેતાં તેને આ બાબત ન ગમતાં તેણે મહિલા કર્મચારીને હું કોણ છું,ઓળખો છો? કહી દેકારો મચાવી તેણી સાથે ગેરવર્તન આચર્યુ હતું. તેમજ ગાળો દઇ ચારીત્ર્ય બાબતે અશોભનીય વર્તન કરી તેમની માથે ટ્રક ચડાવી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અન્ય મહિલા કર્મચારીઓ વિરૂધ્ધ પણ લાજ-શરમ મુકીને જાતીય ટીપ્પણી કરી હતી. તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. સરવૈયાએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(3:42 PM IST)










