<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

જલસો કરાવી દે તેવી ફિલ્‍મ ‘જલસો': શુક્રવારથી રીલીઝ

મુશ્‍કેલીના સમયે પરિવાર કઇ રીતે સાથે ઉભો રહી શકે તેની ચોટદાર વાત રજુ : ગરબો અને આરતી સહીત પાંચેક ગીતોએ ફિલ્‍મને અસરકારક બનાવી દીધી : કોમીક પણ છલકાય છે : એકંદરે સૌને ગમે તેવી પારિવારિક ફિલ્‍મ : સ્‍ટારકાસ્‍ટ ભાવિન ભાનુશાલી, પુજા જોષી, હેમાંગ દવે, ધર્મેશ વ્‍યાસ, કુરૂશ દેબુ, ઇશીકા શિર્ષાદ, જય પટેલ, નીરવ પટેલ અને ડાયરેકટર રાજીવ રૂઇયાએ વર્ણવી રસપ્રદ વાતો

રાજકોટ તા. ૯ : પ્રેમ અને પરિવારનો વાતો લઇને જલસો કરાવી દયે તેવી ગુજરાતી ફિલ્‍મ ‘જલસો' આગામી તા. ૧૩ના શુક્રવારથી સીનેમાઘરોમાં રીલીઝ જવા થઇ રહી છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફિલ્‍મનું મુખ્‍ય અર્પણનું પાત્ર નિભાવતા ભાવિન ભાનુશાળીએ જણાવ્‍યુ હતુ કે આમ તો હું પોતે કચ્‍છનો છુ. પણ મે ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝની શરૂઆત ‘દે દે પ્‍યાર દે' સહિતની ત્રણેક હિન્‍દી ફિલ્‍મોથી કરી. કેટલીક વેબ સીરીઝો પણ કરી છે. ગુજરાતી ફિલ્‍મ ક્ષેત્રે મે જલસોથી ડેબ્‍યુ કર્યુ છે. મજાની વાત એ છે કે આ ફિલ્‍મમાં કામ કરીને મને પોતીકાપણાનો અનુભવ થયો. પરિવાર કઇ રીતે એકતાંતણે બંધાય તેની વાત આ ફિલ્‍મમાં રજુ થઇ છે.

બીજા મુખ્‍ય પાત્ર આસ્‍થાનું છે. જે અબ્રોઇડની યુવતી છે અને ગુજરાતમાં લગ્ન પ્રસંગ માણવા આવે છે. આ પાત્રને પુજા જોશીએ ન્‍યાય આપ્‍યાો છે. તેમણે જણાવેલ કે વિદેશની યુવતી ગુજરાતના લગ્નપ્રસંગ માણવા આવે અને કોઇના પ્રેમમાં પડી જાય તેવી વાર્તા સાથે આ ફિલ્‍મ આગળ વધે છે. એક ગરબો અને દ્વારકાધીશની આરતી સહીત પાંચેક ગીતો પણ ફિલ્‍મને અસરકારક બનાવે છે.

ફિલ્‍મમાં ધર્મેશનું પાત્ર કરતા ધર્મેશ વ્‍યાસે જણાવેલ કે મારા આટલા અનુભવોના આધારે કહુ તો આટલા મોટા બજેટની ગુજરાતી ફિલ્‍મ મને પહેલી જોવા મળી છે. જેમાં ડાયરેકટર રાજીવ રૂઇયાએ કમાલ સર્જી દીધી છે. ખરે ખર જલસો જલસો કરાવી દયે તેવી ફિલ્‍મ છે. હાલ પરિવારો વિભકત બનતા તુટતા થયા છે. ડીવોર્સીસના કેસ વધી રહ્યા છે. ત્‍યારે જોઇન્‍ટ ફેમીલી હોય તો કઇ રીતે સધીયારો મળે તેની વાત આ ફિલ્‍મમાં ખુબ સરસ રીતે વણી લેવામાં આવી છે. મોટાભાગનું શુટીંગ નવસારી અને મુંબઇમાં થયુ છે. આસ્‍થાના મામા સુંદરનું પાત્ર નિભાવતા હેમાંગ દવેએ જણાવેલ કે મારાભાગે કોમીક છે. જેને મે સંપૂર્ણ ન્‍યાય આપવાનો પ્રયાસ કર્યો છે. એટલે એમ કહી શકાય કે આ ફિલ્‍મમાં પ્રેમ, સુખ, દુઃખ અને સાથે મનોરંજન પણ ઉમેરાયુ છે.

ફિલ્‍મમાં અભિનયના ઓજસ પાથરતા કુરૂશ દેબુએ જણાવેલ કે હું પણ હિન્‍દી ફિલ્‍મોમાંથી આવું છુ. પણ ગુજરાતી ફિલ્‍મ કરીને મને ગર્વ થાય તેવી જોરદાર ફિલ્‍મ જલસો બની છે.

ઇશીકા શિર્શાદ, જય પટેલ, નિરવ પટેલે પણ જણાવેલ કે ખરેખર બાળકથી લઇને વડીલ સુધીના સૌને ગમે તવી ફિલ્‍મ બની છે. ભાવનાત્‍મક સંઘર્ષો અને પ્રેમભર્યા સંબંધોને અલગ રીતે રજુ કરવામાં આવ્‍યા છે.

આ ઉપરાંત ફિલ્‍મમાં અરૂણા ઇરાની, હિતેન તેજવાણી, હેમંત પાંડે, નક્ષરાજ, સોનાલી લેલે દેસાઇ, છાયા વોરા, પદમેશ પંડિત, ઉત્‍સવ નાયક, હંસી પરમાર, પ્રીતિ ગોસ્‍વામી વગેરેએ પણ અભિનયના ઓજસ પાથર્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ સમક્ષ ફિલ્‍મની રોચક વિગતો વર્ણવતા સ્‍ટારકાસ્‍ટ ભાવિન ભાનુશાળી, પુજા જોષી, ધર્મેશ વ્‍યાસ, હેમાંગ દવે, કુરૂશ દેબુ, ઇશીકા શિર્શાદ, જય પટલ, નીરવ પટેલ અને ડાયરેકટર રાજીવ એસ. રૂઇયા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:00 PM IST)