News of Saturday, 7th June 2025
જુના માર્કેટ યાર્ડ પાસે ટ્રાન્સપોર્ટ સંચાલક મગનભાઇ અને બે પુત્રો સુનિલ અને નયન પર હુમલોઃ હાથ-પગમાં ફ્રેકચર
પૂનમ રોડવેઝવાળા મગનભાઇ ધોળકીયાને સોનલકૃપા રોડવેઝવાળા યોગીરાજ પરમારે ફોન કરી-મારા ભત્રીજાને એસટીની નોકરી માટે તમારો કોરો સહિ-સિક્કાવાળો લેટરપેડ જોઇએ છે તેમ કહેતાં મગનભાઇએ ના પાડતાં ફોનમાં ગાળો દીધીઃ પછી બીજા ત્રણ જણા સાથે ઓફિસે આવી ધમાલ મચાવી આજીડેમ પોલીસે યોગીરાજ પરમાર, માધવ પરમાર, ઋષીરાજ જાડેજા અને અજાણ્યા સામે ગુનો નોંધ્યોઃ ઓફિસ-કાર-બાઇકમાં તોડફોડ કરી ધમકી પણ આપીઃ પિતા-પુત્રો ત્રણેયને સારવાર માટે દાખલ કરાયા

રાજકોટ તા. ૭: શહેરના રૈયા રોડ પર રહેતાં અને જુના માર્કેટ યાર્ડ પાસે ટ્રાન્સપોર્ટ નગરમાં પૂનમ રોડવેઝ નામે ટ્રાન્સપોર્ટનું સંચાલન કરતાં વૃધ્ધ તથા તેમના બે પુત્રો પર આ વિસ્તારમાં જ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં શખ્સ સહિત ચાર જણાએ ધોકા, પાઇપ, છરીથી હુમલો કરી બેફામ માર મારી તેમજ ઓફિસમાં અને કાર, બાઇકમાં તોડફોડ કરી ધમાલ મચાવતાં પોલીસે કાર્યવાહી કરી છે. હુમલામાં વૃધ્ધના અએક પુત્રના હાથમાં ફ્રેકચર થઇ ગયું હતું. હુમલો કરનારે પૂનમ રોડવેઝવાળા વૃધ્ધને ફોન કરી તેના ટ્રાન્સપોર્ટનો સહી સિક્કાવાળો કોરો લેટરપેડ માંગતાં તેમણે આપવાની ના પાડતાં ગાળો દઇ કારમાં ઓફિસે આવી ધમાલ મચાવી હતી.
જાણવા મળ્યા મુજબ રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ સામે શુભમ્ ડુપ્લેકસમાં ચામુંડા કૃપા ખાતે રહેતાં અને જુના માર્કેટ યાર્ડ પાસે આરઆર પેટ્રોલ પંપ પાછળ ટ્રાન્સપોર્ટ નગરમાં દુકાન નંબર ૧૭૧, ૧૭૨માં પૂનમ રોડવેઝ નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતાં મગનભાઇ હરજીભાઇ ધોળકીયા-કોળી (ઉ.વ.૬૭) તથા તેમના બે પુત્રો સુનિલ મગનભાઇ ધોળકીયા (ઉ.વ.૪૨) તથા નયન મગનભાઇ ધોળકીયા (ઉ.વ.૩૪) સાંજે આઠેક વાગ્યે પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસે હતાં ત્યારે આ વિસ્તારમાં જ સોનલકૃપા એન્ટરપ્રાઇઝ નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતાં યોગીરાજ શક્તિસિંહ પરમાર તેમજ તેની સાથેના માધવ પરમાર, ઋષીરાજ જાડેજા અને અજાણ્યાએ આવી ધોકા-પાઇપ-છરીથી હુમલો કરી ત્રણેય પિતા-પુત્રને માર મારી ધમકી આપતાં ત્રણેય સારવાર માટે દાખલ થયા હતાં.
સિવિલ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડ, શક્તિસિંહ ડોડીયાએ જાણ કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના એચ. એમ. ધરજીયાએ હોસ્પિટલે પહોંચી મગનભાઇ ધોળકીયાની ફરિયાદ પરથી યોગીરાજ સહિત ચાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. મગનભાઇએ જણાવ્યું હતું કે અમે આઠેક વર્ષથી ટ્રાન્સપોર્ટ ચલાવીએ છીએ. મારી સાથે મારા બે દિકરા સુનિલ અને નયન પણ ઓફિસમાં બેસે છે. રાતે અમે ત્રણેય ઓફિસે હતાં ત્યારે પોણા નવેક વાગ્યે અમારી ઓફિસ પાછળ સોનલકૃપા નામે ટ્રાન્સપોર્ટ ચલાવતાં યોગીરાજ પરમાર કે જેની બીજી ઓફિસ નવાગામ આણંદપરમાં પણ છે તેણે મને ફોન કરી કહેલું કે-મારા ભત્રીજાને એસટીમાં નોકરી માટે તમારા પૂનમ રોડવેઝનો કોરો સહી, સિક્કાવાળો લેટરપેડ જોઇએ છે.
આથી મેં આવો લેટરપેડ આપવાનીના પાડતાં તેણે ઉશ્કેરાઇ જઇ ફોનમાં ગાળો દીધી હતી. મેં ગાળો બોલવાની ના પાડતાં તેણે કહેલુ કે-તમે ક્યાં છો? હું આવું છું. જેથી મેં તેને હું મારી ઓફિસે છુ તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. થોડીવાર બાદ યોગીરાજ તથા બીજા ત્રણ શખ્સો ઋષીરાજ, માધવ અને અજાણ્યો એમ ચાર જણા કારમાં અમારી ઓફિસ પાસે આવ્યા હતાં. ચારેયના હાથમાં છરી, ધોકા, પાઇપ હતાં. મને યોગીરાજે બહાર બોલાવતાં હું બહાર જતાં ‘તમે કેમ મને કોરો લેટરપેડ આપવાની ના પાડી અને ફોનમાં કેમ ઉંચા અવાજે વાત કરી?' કહી મારા પર હુમલો કરી દીધો હતો. દેકરો થતાં મારા દિકરા સુનિલ અને નયન દોડી આવતાં આ બંને ઉપર પણ આડેધડ ધોકા-પાઇપથી હુમલો કરાયો હતો. બાજુના ટ્રાન્સપોર્ટવાળા રણજીતસિંહ જાડેજા આવી જતાં અમને વધુ મારથીછોડાવ્યા હતાં.
અમને ત્રણેય પિતા-પુત્રને ઇજાઓ થઇ હોઇ અમે પડી ગયા હતાં. જતાં જતાં આ લોકો અમારી કાર અને બાઇકમાં પણ આડેધડ ધોકા-પાઇપ ફટકારી તેમજ ઓફિસમાં પણ તોડફોડ કરી ગયા હતાં અને મને તથા મારા પુત્રોને મારી નાંખવાની ધમકી આપી હતી. અમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. મને ડાબા પગે, છાતીમાં ખભે ઇજા થઇ હતી. પુત્ર સુનિલને જમણા નળા, ડાબા ખભે ઇજા થઇ હતી. જ્યારે બીજા પુત્ર નયનને ડાબા પગે નળામાં અને જમણા હાથમાં ફ્રેકચર થયાનું ડોક્ટરે નિદાન કર્યુ હતું. પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં હેડકોન્સ. એચ. એમ. ધરજીયાએ ગુનો નોંધતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(4:29 PM IST)










