તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
૨૨ પશુને કત્લ કરવાના ઇરાદે બાંધીને વોંકળા કાંઠે ઉભેલા જંગલેશ્વરના નવાઝને ઝડપી લેવાયો
દેવપરા રોડ પર વોંકળા કાંઠે જીવદયા કાર્યકરો અને ભક્તિનગર પોલીસનો દરોડો બકરી ઇદની આગલી રાતે કાર્યવાહીઃ જીવદયા કાર્યકર જયેન્દ્ર ચંદવાડીયાની ફરિયાદ

રાજકોટ તા. ૭: શહેરના દેવપરા મેઇન રોડ ખ્વાજા ચોક અને ચિસ્તીયા ચોક વચ્ચે ઝુપડા પાછળ વોંકળા કાંઠે જંગલેશ્વરનો શખ્સ રાતે કત્લ કરવા માટે પાડી, પાડા, ભેંસ મળી ૨૨ પશુને પાણી ઘાંસચારા વગર ખીચોખીચ બાંધીને ઉભો હોવાની માહિતી જીવદયા કાર્યકરોને મળતાં તેણે પોલીસને જાણ કરતાં ભક્તિનગર પોલીસે પહોંચી આ ૨૨ પશુને બચાવી લઇ જંગલેશ્વરના શખ્સ વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી. આ બારામાં ભક્તિનગર પોલીસે આજીડેમ ચોકડી પાસે રામ પાર્ક સોસાયટી-૧માં રહેતા અને રાજકોટ જીલ્લામાં જીવદયા પ્રેમી તરીકે સેવા આપતાં અને કૃપા જીવદયા ફાઉન્ડેશનમાં પ્રમુખ તરીકે કામ કરતાં જયેન્દ્ર અનિલભાઇ ચંદવાડીયા (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી જંગલેશ્વર-૧૪ હુશેની ચોકમાં રહેતાં નવાઝ રજાકભાઇ મીનીવાડીયા (ઉ.વ.૨૭) વિરૂધ્ધ પશુ અતિક્રમણ અધિનીયમ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
જયેન્દ્ર ચંદવાડીયાએ જણાવ્યું છે કે રાતે નવેક વાગ્યે હું તથા બીજા જીવદયા કાર્યકરો ભાવીન ઘીયાડ, વિરલ દોશી, મીલન રાઠોડ સહિતના પશુ બચાવવાની કાર્યવાહી માટે નીકળ્યા હતાં ત્યારે માહિતી મળી હતી કે દેવપરા રોડ ખ્વાજા ચોક અને ચીસ્તીયા ચોક વચ્ચે વોંકળા કાંઠા પર ઝૂપડાની પાછળ નવાઝ પીંજારા નામનો શખ્સ કતલ કરવાના ઇરાદે ૨૨ પશુને લઇને ઉભો છે. આથી અમે તુરત ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.
આ પછી અમારી સાથે પીએસઆઇ જે. જે. ગોહિલ, હેડકોન્સ. પ્રભાતભાઇ મૈયડ, હરવિજયસિંહ ગોહિલ, કોન્સ. રાજદિપસિંહ જાડેજા સહિતના સામેલ થયા હતાં. અમે દેવપરા રોડ ખ્વાજા ચોકથી ચિસ્તીયા ચોક વચ્ચે ડાબી બાજુએ આવેલા ઝૂપડાની પાછળ વોંકડા કાંઠે જતાં ત્યાં ટુંકા દોરડાથી બાંધેલી હાલતમાં પશુ જોવા મળ્યા હતાં. ત્યાં એક શખ્સ હાજર હોઇ પોલીસે પુછતાછ કરતાં પોતાનું નામ નવાઝ રજાકભાઇ પીંજારા જણાવ્યું હતું. તેની પાસે પશુ બાબતે કોઇ પાસપરમીટ છે કે કેમ? તે પુછતાં તેણે પોતાના જ ઢોર હોવાનું રટણ કર્યુ હતું. આ સ્થળે ૪ ભેંસ, ૧૫-પાડી, ૩-પાડા મળી ૨૨ પશુને ખોરાક પાણી વગર બાંધેલી હાલતમાં કત્લ કરવા માટે રખાયા હોઇ આ જીવોને બચાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં જયેન્દ્ર ચંદવાડીયાએ જણાવતાં પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ જે. જે. ગોહિલે ગુનો નોંધી નવાઝની ધરપકડની તજવીજ કરી હતી. મુક્ત કરાવાયેલા પશુઓને સુરક્ષીત સ્થળે પહોંચાડવા તજવીજ થઇ હતી.
(4:30 PM IST)










