<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

ગૌશાળા-પાંજરાપોળને પશુદીઠ મળતી સબસીડી રૂા.૩૦ ને બદલે રૂા. ૧૦૦ કરાવો, ગુજરાતમાં ગૌમાતાને ‘રાજમાતા'નો દરજજો આપો

સમસ્‍ત મહાજનના મેનેજીંગ ટ્રસ્‍ટ્રી, એનિમલ વેલફેર બોર્ડ ઇન્‍ડિયાના સભ્‍ય ડો. ગિરીશ શાહ રાજકોટમાં ગૌચર જમીનનો ઉપયોગ ગૌચર માટે કરવામાં આવે, ગૌશાળા-પાંજરાપોળને ૩૦૦ કરોડનું ફંડ

રાજકોટઃ સમસ્‍ત મહાજનના મેનેજીંગ ટ્રસ્‍ટી અને એનિમલ વેલફેર બોર્ડ ઇન્‍ડિયાના સભ્‍ય ડો. ગિરીશ શાહ આજે રાજકોટમાં તેઓએ પત્રકાર પરિષદમાં જણાવેલ કે ગૌશાળા-પાંજરાપોળને પશુદીઠ મળતી સબસીડી રૂા.૩૦ ને બદલે રૂા. ૧૦૦ કરવા જોઇએ ગુજરાતમાં ગૌમાતાને ‘રાજમાતા' નો દરજજો આપવો જોઇએ.  

સમસ્‍ત મહાજન દ્વારા જીવદયારથ, ભોજનરથ, ગ્રામ વિકાસ, વૃક્ષારોપણ, પરિવાર ભકિત, શિક્ષણ, અનાથ બાળકો માટે હોસ્‍ટેલ અને વૃધ્‍ધાશ્રમ જેવી પ્રવૃતિઓ કરવા આવે છે.

સમસ્‍ત વૈશ્વિક સ્‍તરે જળ, જંગલ, જમીન પ્રાણીઓની સુખાકારી માટે પ્રયત્‍નશીલ રહે છે. ૧૯૯૬ ના દાયકાના અંતમાં, ગિરીશભાઇને ત્રણ જૈન સાધુઓએ જુદા જુદા પ્રસંગે ગૌરક્ષા અને પશુ કલ્‍યાણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાની સલાહ આપી. સમસ્‍ત મહાજને  ઓગસ્‍ટ, ર૦૦ર માં કામ કરવાનું શરૂ કર્યુ હતું, સુત્ર ‘‘સેવા અને રક્ષણ કરો'', ર૩ વર્ષથી વધુ સમયથી સમસ્‍ત મહાજન પશુ કલ્‍યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્‍યાણ, સ્‍વચ્‍છતા અભિયાન, કુદરતી આપતીઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. ડો. ગિરીશભાઇ શાહ હીરા બજાર સાથે સંકળાયેલ આંતરરાષ્‍ટ્રીય વ્‍યાપારી છે. જેમની ભારત, અમેરિકા, યુરોપ સહિતના વિવિધ દેશોમાં પોતાની ઓફિસ છે. તેમને અને સમસ્‍ત મહાજનને જીવદયા રત્‍ન,પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં ઉત્‍કૃષ્‍ટ યોગદાન માટે ઇન્‍દિરા પ્રિયદર્શીની વૃક્ષમિત્ર એવોર્ડ આચાર્ય ચાણકય-ર૦ર૦ સહિત અનેક પુરસ્‍કાશરો એનાયત કરવામાં આવ્‍યાં છે. કચ્‍છ, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન સહિતના અનેક વિસ્‍તારોમાં ૮પ૦ થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતના કાર્યો માટે સમસ્‍ત મહાજન સેવારત છે.

સમસ્‍ત મહાજન મુખ્‍યત્‍વે શિક્ષણ, આરોગ્‍ય રેસ્‍કયુ વર્ક,ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્‍વનિર્ભર બનાવવા, સ્‍વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્‍થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્‍કાલિક સહાય પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્‍ટ્રીય તેમજ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહતના અનેકવિધ સત્‍કાર્યોનો સમાાવેશ થાય છે. વર્તમાન સમયમાં મુંબઇ ખાતે રાષ્‍ટ્ર સંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના આર્શીવાદથી ‘અર્હમ અનુકંપા' પ્રોજેકટ હેઠળ સુપર સ્‍પેશીયાલીટી એનીમલ એમ્‍બ્‍યુલન્‍સની શરૂઆત કરવામાં આવી છે.

ભારતભરમાં ૧૯,પ૦૦ થી વધુ ગૌશાળા-પાંજરાપોળો છે. મોટા ભાગની પાંજરાપોળનું વ્‍યવસ્‍થાપન જૈનો અને જીવદયાપ્રેમીઓના દાનથી શકય બને છે. સરકારી સહાયોગ નહીંવત છે, સિવાય કે રાજસ્‍થાન અને ઉત્તર પ્રદેશમાં મળતો રાજય સરકારનો થોડોઘણો સહકાર,પાંજરાપોળો-ગૌશાળાને એક પશુને સાચવવાનો પ્રતિદિન ખર્ચ રૂા.પ૦, તો માસિક રૂા.૧પ૦૦ અને વાર્ષિક રૂા.૧૮૦૦૦ ખર્ચ આવે છે. પાંજરાપોળોના અબોલજીવોના નિભાવમાં વાર્ષિક માત્ર રૂા. ૧૮૦૦૦ ના યોગદાનથી ઉમદા સેવા થઇ શકે છે. 

ડો. ગિરીશભાઇ શાહની સાથે જીવદયા શ્રેષ્‍ઠીઓ દેવેન્‍દ્રભાઇ જૈન, પરેશભાઇ શાહ, નૂતનબેન દેસાઇ, ગિરીશભાઇ સત્રા, અશોકભાઇ શાહ, હીરાલાલ જૈન, રવિભાઇ જૈન, મિતલ ખેતાણી સહિતના સહયભાગી થઇ રહ્યા છે.

ભારત સરકારનાં એનીમલ વેલ્‍ફેર બોર્ડના મેમ્‍બર તેમજ સમસ્‍ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. ગિરીશભાઇ શાહ દ્વારા સરકારશ્રીમાં રજુઆત કરવામાં આવી જે આ મુજબ છે. (૧) ગુજરાતની જીવદયા-ગૌસેવા સંસ્‍થાઓ દ્વારા પાંજરાપોળને પશુ દીઠ દેનિક, કાયમી મળતી સબસીડી રૂા. ૩૦ નાં બદલે રૂા. ૧૦૦ કરવામાં આવે (ર) મહારાષ્‍ટ્ર રાજયની જેમ ગુજરાતમાં પણ ગૌમાતાને ‘‘રાજયમાતા''નો દરજજો આપવામાં આવે (૩) ગૌચર જમીનને સુરક્ષિત કરીને તેનો યોગ્‍ય ઉપયોગ ગૌચર માટે કરવામાં આવે તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અનુસાર, ગૌચર જમીનનો ઉપોગ પશુપાલન માટે જ થાય,(૪) પાંજરાપોળ અને ગૌશાળાઓને જરૂરીયાત મુજબ માળખાકીય સુવિધા માટે ૩૦૦ કરોડનું ફંડ ફાળવવું, તેમજ સહાય સમયસર ચુકવી શકાય તે માટે વ્‍યવસ્‍થા તંત્ર ગોઠવવા (પ) પર્યાવરણની રક્ષા માટે પર્યાવરણને નુકશાન કરનાર વનસ્‍પતિ, જે ગૌચર જમીન માટે ખતરો છે, તેને દૂર કરવા, (૬) ગુજરાતની તમામ જમીનમાંથી ગાંડા બાળવ () ની સંપૂર્ણ રીતે દૂર થાય (૭) રાજયના દરેક ગામ માટે ‘‘૧૯૬ર ફ્રી વેટનરી એમ્‍બ્‍યુલન્‍સ'' શરૂ કરવામાં આવે તેમજ દર દસ ગામમાં આવી એક મફત એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ સેવા કરવામાં આવે, (૮) ‘સ્‍ટેટ એનીમલ વેલ્‍ફેર બોર્ડ ' લોકો અને સરકાર વચ્‍ચે સંકલનનું એક મોટું માધ્‍યમ છે. તેને વધુ કાર્યન્‍વિત કરવા અંગે તેમજ તેનું બજેટ વધારવા, (૯) ‘ગૌ સેવા આયોગ'ને વધુ કાર્યાન્‍વિત કરવા માટે તેમજ તેનું બજેટ વધારવા,  (૧૦) રાજયમાં અલગથી ‘ગૌ મંત્રાલય' ની સ્‍થાપના કરવામાં આવે, (૧૧) રાજયના દરેક પોલીસ સ્‍ટેશનમાંએક અધિકારી હોવો જોઇએ જે પ્રાણી કલ્‍યાણ વિશે જાણકાર હોય અને પ્રાણી કલ્‍યાણ કેસોમાં મદદ કરી શકે, (૧ર) રાજયમાં પંચગવ્‍ય આધારિત તાલીમ કેન્‍દ્રની સ્‍થાપના કરવામાં આવે.

 રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, નાણા મંત્રી કનુભાઇ દેસાઇ, કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલ, ગૃહ મંત્રી હર્ષભાઇ સંઘવી સહિતના પ્રધાન મડ઼ળનો સહયોગ મળવા બદલ આભાર વ્‍યકત કરવામાં આવેલ.

સમસ્‍ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. ગિરીશભાઇ શાહની ઉપસ્‍થિતિમાં આજે રાજકોટ ખાતે તેમજ સાંજે જામનગર ખાતે પણ જીવદયા સંમેલન તથા તા. ૮ રવિવાર, શ્રી દ્વારકા ગૌશાળા મેદાન, ભયાણ ચોક, દ્વારકા ખાતે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની હાજરીમાં પ્રાકૃતિક ખેતી અ઼ગેના સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું છે.

પત્રકાર પરિષદમાં ધારાસભ્‍ય ડો. દર્શીતાબેન શાહ, ડો. ગિરીશભાઇ શાહ ભારત સરકારના પશુ પાલન વિભાગના માનદ સલાહકાર મિત્તલ ખેતાણી, સમસ્‍ત મહાજનનાં કુમારપાળ શાહ, રમેશભાઇ ઠકકર, ધીરેન્‍દ્રભાઇ કાનાબાર, પ્રતિકભાઇ સંઘાણી, દિલીપભાઇ સખિયા સહિતનાં ઉપસ્‍થિત રહ્યા હતા.

સમસ્‍ત મહાજનનની પ્રવૃત્તિઓ અંગેની વિશેષ માહિતી માટે મો. ડો. ગિરીશભાઇ શાહ (મો. ૯૮૨૦૦ ૨૦૯૭૬) મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨  ૨૧૯૯૯) નો સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:48 PM IST)