<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

રાજકોટમાં તબીબી ક્રાંતિ : ડાયાબિટીસ ફૂટ, બર્ન્સ અને અલ્સરના ન રુઝાતા ઘાની વિશિષ્ટ સારવાર માટે રાષ્ટ્રીય તજજ્ઞ ડો. બી.એસ. નાગોબા રાજકોટને આંગણે

બધેકા ટ્રસ્ટ ફોર એજ્યુકેશન, કલ્ચર, સાયન્સ એન્ડ હ્યુમિનિટીઝ અને ટ્રસ્ટ બોલબાલા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે, 11,000 થી વધુ દર્દીઓને સાઇટ્રિક એસિડથી સફળ સારવાર આપનાર મહારાષ્ટ્રના ડો. નાગોબા 7મી જૂને જાહેર વ્યાખ્યાન આપશે : 8મી જૂને બોલબાલા ટ્રસ્ટ ખાતે મફત તબીબી કેમ્પનું પણ આયોજન

રાજકોટ, [જૂન ૬, ૨૦૨૫]: રાજકોટના તબીબી જગત માટે એક સારા સમાચાર છે. ડાયાબિટીસ ફૂટ, બર્ન્સ અને અલ્સરના ન રુઝાતા ઘા તેમજ એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ ઇન્ફેક્શનના રાષ્ટ્રીય નિષ્ણાત અને MIMSAR મેડિકલ કોલેજ, લાતુર (મહારાષ્ટ્ર) ના પ્રતિષ્ઠિત તબીબ ડો. બી.એસ. નાગોબા રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. બધેકા ટ્રસ્ટ ફોર એજ્યુકેશન, કલ્ચર, સાયન્સ એન્ડ હ્યુમિનિટીઝ અને પ્રતિષ્ઠિત સેવાકીય ટ્રસ્ટ બોલબાલા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમનું આગમન થઈ રહ્યું છે. ડો. નાગોબાએ તેમની વિશિષ્ટ સાઇટ્રિક એસિડ પદ્ધતિ દ્વારા 11,000 થી વધુ દર્દીઓની સફળ સારવાર કરીને વિશ્વ કક્ષાએ નામના મેળવી છે.
ડો. નાગોબાનું જાહેર વ્યાખ્યાન અને તબીબી સંવાદ
તા. 7મી જૂન, શનિવારના રોજ સાંજે 6:30 કલાકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશનના લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ડો. બી.એસ. નાગોબાનું જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું છે. આ વ્યાખ્યાન વ્રણ ઉપાય ન હોય તેવા ડાયાબિટીસ ફૂટ અને અલ્સર અંગે તબીબી જગત, સર્જનો, ચામડીના દર્દોના નિષ્ણાતો અને ઇન્ફેક્શનના નિષ્ણાતો માટે ખાસ મહત્ત્વનું બની રહેશે. વ્યાખ્યાન બાદ આવા કેસોમાં ડો. નાગોબાની વિશિષ્ટ ચિકિત્સા પદ્ધતિ અંગે તબીબો સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ પણ યોજાશે.
નોંધનીય છે કે, ડો. નાગોબાની સારવારનો દૈનિક ખર્ચ માત્ર પાંચ રૂપિયાથી વધુ થતો નથી, જેના કારણે લાંબી સારવાર પણ દરેક ગરીબ દર્દીને પરવડી શકે તેમ છે. ઇન્ડિયન સોસાયટી ઓફ કેમિસ્ટ એન્ડ બાયોલોજીસ્ટના પ્રમુખ અને લોક વિજ્ઞાન કેન્દ્રના ટ્રસ્ટી ડો. અનામિક શાહના આમંત્રણને માન આપીને ડો. નાગોબા રાજકોટના દર્દીઓને આ વિશિષ્ટ સારવારનો લાભ આપવા જઈ રહ્યા છે.
દર્દીઓ માટે મફત તબીબી કેમ્પ અને સહયોગી તબીબો
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટના જાણીતા ડાયાબિટીસ ફૂટ તજજ્ઞ સિનિયર ડો. વિભાકર વછરાજાની, પ્લાસ્ટિક સર્જન ડો. ભૌમિક ભાયાણી, પ્રતિષ્ઠિત સર્જનો ડો. પ્રકાશ મોઢા, ડો. નિશિત સંઘવી અને રાજકોટની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ મેનેજમેન્ટનો ખૂબ સહકાર સાંપળ્યો છે.
રવિવારે તા. 8મી જૂનના રોજ સવારે 8:00 વાગ્યે શ્રી બોલબાલા ટ્રસ્ટ, વૈશાલી નગર, મહિલા કોલેજ પાછળ, ડાયાબિટીસ ફૂટ અને ન રુઝાતા ઘાના દર્દીઓ માટે એક વિશેષ તબીબી કેમ્પ ડો. નાગોબાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો છે. આ અંગે બધેકા ટ્રસ્ટ વતી ડો. લક્ષ્મણભાઈ ચાવડા, ડો. અવિનાશ મારુ, ડો. ગૌરાંગ દવે, ડો. અનામિક શાહ, શ્રી જીતેશ પંડિત, શ્રી પિયુષ મહેતા, શ્રી કલ્પક મણીયાર તેમજ અન્ય ટ્રસ્ટીઓ સક્રિય રીતે કાર્યરત છે. જ્યારે બોલબાલા ટ્રસ્ટના શ્રી જયેશભાઈ ઉપાધ્યાય અને શ્રી હિતેશ પોપટના નેતૃત્વ હેઠળની ટીમ તબીબી કેમ્પની સંપૂર્ણ તૈયારી કરી રહી છે. લોક વિજ્ઞાન કેન્દ્રના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી કિશોરભાઈ હેમાણી, ડો. રમેશભાઈ ભાયાણી, શ્રી જનાર્દન પંડ્યા (ભારત સેવક સમાજ) પણ આ કાર્યક્રમને આખરી રૂપ આપી રહ્યા છે.
ડો. બી.એસ. નાગોબાનો વિશિષ્ટ પરિચય
ડો. બી.એસ. નાગોબા હાલમાં MIMSAR મેડિકલ કોલેજ, લાતુર, મહારાષ્ટ્ર ખાતે આસિસ્ટન્ટ ડીન તેમજ માઇક્રોબાયોલોજીના પ્રોફેસર છે. તેમણે રાષ્ટ્રીય સ્તરે 119 અને આંતરરાષ્ટ્રીય સ્તરે 101 સંશોધન પેપર્સ પ્રકાશિત કર્યા છે. તેમની ચાર આંતરરાષ્ટ્રીય અને 16 રાષ્ટ્રીય કક્ષાએ પુસ્તકો પ્રકાશિત થયેલ છે. દૂઝતા અલ્સર, દાઝીયાની ચામડીના રસી, ડાયાબિટીસ ફૂટના ન રુઝાતા ઘા, રક્તપિત્ત, ઓપરેશન પછીના ઘાવમાં થતા રસી તેમજ બેક્ટેરિયા થકી થતા રસીમાં તેમનું મહાન યોગદાન છે. આવા અંદાજિત 5000 જેટલા દર્દીઓને તેમણે સારવાર થકી રાહત પહોંચાડી છે. તેમણે પોતાના અભ્યાસ અને અનુભવો ઉપર દેશ-વિદેશમાં અનેક વ્યાખ્યાનો આપેલા છે. તેઓ ઇન્ડિયન એસોસિએશન ઓફ માઇક્રોબાયોલોજી, મહારાષ્ટ્રમાં પ્રમુખ તરીકે, વર્લ્ડ જર્નલ ઓફ USA માં તંત્રી તરીકે, HIV એડવાન્સ રિસર્ચ અને ડેવલોપમેન્ટના જર્નલ USA માં તંત્રી તરીકે તેમજ સંખ્યાબંધ નેશનલ અને ઇન્ટરનેશનલ અનુસંધાનોમાં પોતાની વિશિષ્ટ સેવાઓ આપી છે.
ડો. નાગોબા પોતાની આગવી અને લાક્ષણિક આયુર્વેદિક તબીબી પદ્ધતિ દ્વારા બેક્ટેરિયા તથા વિષાણુ સંબંધિત થતા ઇન્ફેક્શનને કાબુમાં લાવવા માટે અવિરત શોધખોળો કરતા રહે છે અને ગુજરાતમાં સૌપ્રથમ વખત તેઓ આ લાભ રાજકોટના દર્દીઓને આપવા જઈ રહ્યા છે. તદુપરાંત રાજકોટના પ્રખ્યાત સર્જનો, ફિઝિશિયનો, નર્સિંગ સ્ટાફ પણ તેમના માર્ગદર્શન થકી નવી ચિકિત્સા પદ્ધતિનો અભ્યાસ કરી અસાધારણ રોગોમાં પણ અસાધારણ મહારત હાંસલ કરી રહ્યા છે.

 

(3:53 PM IST)