<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

ત્રંબા-મહિકા પાસે બોલેરો પૂલ પરથી ખાબકીઃ યાંત્રીક કાર્યપાલ ઇજનેર અને ડ્રાઇવરના મોત

મુળ વલસાડના હાલ બહુમાળી પાસે ક્‍વાર્ટરમાં રહેતાં માર્ગ મકાન વિભાગના અધિકારી સી.સી. પટેલ અને હંગામી ડ્રાઇવર બજરંગવાડીના જાવેદભાઇ પઢીયાર ગઇકાલે ભાવનગર સરકારી કામે ગયા હતાં: રાતે અથવા વહેલી સવારે પરત આવતી વખતે બનાવઃ સવારે ખેડૂતે ગાડી ઉંધી જોતાં પોલીસને જાણ કરી : મૃત્‍યુ પામનાર ચંપકભાઇ પટેલ મુળ વલસાડના વતનીઃ ત્રણ વર્ષથી રાજકોટ ફરજ બજાવતાં હતાં: દિકરા-દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ ડ્રાઇવર જાવેદભાઇને સાત વર્ષનો એક પુત્રઃ એક બહેનથી નાના અને પરિવારનો આધાર હતાં: ફાયર બ્રિગેડની ટીમે પહોંચી ફસાયેલા બંનેને બહાર કાઢયાઃ ૧૦૮ના તબિબે નિષ્‍પ્રાણ જાહેર કર્યાઃ આજીડેમ પોલીસે કાર્યવાહી કરી

તસ્‍વીરમાં ઘટના સ્‍થળે ઉંધી વળેલી સરકારી બોલેરો અને મૃતદેહો તથા કાર્યવાહી કરી રહેલા ફાયર બ્રિગેડના કર્મચારીઓ જોઇ શકાય છે. નીચેની તસ્‍વીરમાં મૃતક અધિકારી સી. સી. પટેલનો ફાઇલ ફોટો, તેમનો મૃતદેહ, ડ્રાઇવર જાવેદભાઇનો મૃતદેહ અને ફાઇલ ફોટો તથા હોસ્‍પિટલ ખાતે સગા સ્‍વજનો નજરે પડે છે. (ફોટોઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૬: રાજકોટ-ભાવનગર હાઇવે પર ત્રંબા નજીક મહિકાના પાટીયા પાસે પૂલ પરથી માર્ગ અને મકાન વિભાગની બોલેરો નીચે ખાબકતાં ડ્રાઇવર બજરંગવાડીના યુવાન અને માર્ગ મકાન વિભાગના યાંત્રીક કાર્યપાલ ઇજનેરના ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે. બંને ભાવનગર સરકારી કામે ગયા હતાં. ત્‍યાંથી પરત આવતી વખતે મોડી રાતે કે વહેલી સવારે આ બનાવ બન્‍યો હતો. સવારે ખેડૂતે બોલેરો ઉંધી વળેલી જોતાં પોલીસને અને ફાયર બ્રિગેડ તેમજ ૧૦૮ને જાણ કરી હતી. આજીડેમ પોલીસે કાર્યવાહી કરી મૃતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડતાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, બંને મૃતકોના સગા સ્‍વજનો ઘટના સ્‍થળે અને હોસ્‍પિટલ ખાતે દોડી ગયા હતાં.

બનાવની જાણવા મળેલી વિગત મુજબ સવારે મહિકા નજીક વિઠ્ઠલવાવ ગોૈશાળા પાસે એક ખેડૂતે પૂલ પરથી નીચે ખાબકેલી બોલેરો ગાડી નં. જીજે૧૮જીબી-૩૪૦૯ જોતાં ત્‍યાં જઇ તપાસ કરતાં બે પુરૂષ પણ બેભાન જોવા મળ્‍યા હતાં.  તેણે તુરત જ પોલીસને, ફાયર બ્રિગેડને અને ૧૦૮ને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે પહોંચી વાહનને ઉભુ કરી બંનેને બહાર કાઢયા હતાં. ૧૦૮ આવી પહોંચતા તેના તબિબે આ બંનેને મૃત જાહેર કર્યા હતાં. આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં હેડકોન્‍સ. સુરેશભાઇ ઝાપડીયા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. 

તપાસ દરમિયાન મૃતકોની ઓળખ થઇ હતી. જેમાં એક મુળ વલસાડ વાપીના હાલ બહુમાળી ભવન નજીક હોમગાર્ડ ઓફિસ પાસેના ક્‍વાર્ટરમાં રહેતાં અને માર્ગ મકાન વિભાગ કચેરીના યાંત્રીક કાર્યપાલક ઇજનેર સી. સી. (ચંપકભાઇ છનજીભાઇ) પટેલ (ઉ.વ.૫૬) હોવાનું તથા બીજા મૃતક તેમના ડ્રાઇવર બજરંગવાડી-૯ના ખુણે રહેતાં જાવેદભાઇ યુનુસભાઇ પઢીયાર (ઉ.વ.૩૪) હોવાનું ખુલ્‍યું હતું. પોલીસે બંનેના સગા સ્‍વજનો, માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જાણ કરતાં તેઓ પણ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતાં. મૃતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે સિવિલ હોસ્‍પિટલે ખસેડાયા હતાં.

મૃત્‍યુ પામનાર યાંત્રિક કાર્યપાલ ઇજનેર સી. સી. પટેલની બદલી ત્રણ વર્ષ પહેલા રાજકોટ માર્ગ મકાન વિભાગની કચેરી ખાતે થઇ હતી. તેઓ અહિ બહુમાળી પાસે ક્‍વાર્ટરમાં એકલા જ રહેતાં હતાં. તેમના પરિવારજનો વલસાડ રહે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે જેણે પિતાની છત્રછાંયા ગુમાવી દીધી છે.

બીજી તરફ ડ્રાઇવર જાવેદભાઇ પઢીયાર એક બહેનથી નાના હતાં અને કોન્‍ટ્રાક્‍ટ બેઝથી નોકરી કરતાં હતાં. તેમને સંતાનમાં સાત વર્ષનો દિકરો છે. જાવેદભાઇ પંદર વર્ષથી નોકરી કરતાં હતાં. તેમના પિતા નિવૃત એએસઆઇ છે. ગઇકાલે સવારે જાવેદભાઇ અને અધિકારી સી. સી. પટેલ ભાવનગર સાઇટનું કામ જોવા માટે સરકારી ગાડી લઇને ગયા હતાં. ત્‍યાંથી પરત આવતી વખતે મોડી રાતે અથવા વહેલી સવારે કોઇપણ કારણોસર ડ્રાઇવરે સ્‍ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં બોલેરો મહિકા નજીક પૂલ પરથી નીચે ખાબકી હતી. જે તે વખતે બનાવની કોઇને જાણ ન થઇ નહોતી. સવારે એક ખેડૂત ત્‍યાંથી નીકળતાં આ ઘટનાની જાણ તેણે પોલીસને કરી હતી. આ બનાવથી માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, મૃતકોના સગા-સ્‍વજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. (૧૪.૭)

 

 

(2:47 PM IST)