<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

વોર્ડનં.૩માં કોમન પ્‍લોટમાં ખોદકામથી આસપાસના મકાનના પાયા હલબલ્‍યાઃ મવડી જેવી ઘટના બને તો જવાબદાર કોણ?

મનપા દ્વારા ઘટનાની ગંભીરતાને લઇને કાલે ડેપ્‍યુટી ઇજનેરોને સ્‍થળ તપાસ માટે મોકલાશેઃ ખોદકામ જુનું હોવાની માહિતી

રાજકોટઃ તા.૫: શહેરના મવડી પ્‍લોટ વિસ્‍તારમાં ગઇકાલે સાંજે એક મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી  સદ્‌નસીબે મકાન ખાલી હોય કોઇ અપ્રિય ઘટના બની ન હતી. બાજુમાં ખાડો ખોદેલો હોય તેના કારણે મકાન ઘસી પડયાનું જાણવા મળ્‍યું છે.

આવી જ રીતે વોર્ડ નં.૩ વિસ્‍તારમાં પણ એક સોસાયટી પાસેના કોમન પ્‍લોટમાં બેફામ ખોદકામ થતા આસપાસના મકાનોના પાયા હચમચી ઉઠયાની ફરિયાદ મનપાના કોલ સેન્‍ટરમાં નોંધાતા તંત્ર દોડતું થયું છે.

આ ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ અહી ૬ મહિના અગાઉ કોમ્‍યુનીટી હોલના નિર્માણની શરૂઆત થઇ હતી, પણ  કાયદાકીય ગુંચવણ ઉભી થતા કામ અટવાયુ છે. આ ખોદકામ હાલનું નહીં પણ જુનું હોવાનું જણાવામાં આવી રહ્યું છે.

મનપામાં આ અંગે ફરિયાદ મળતા તંત્ર દ્વારા આવતીકાલે એક ડેપ્‍યુટી ઇજનેરને સ્‍થળ મુલાકાતે મોકલવામાં આવનાર છે. ખોદકામ અગાઉ હોય પણ તેની અસર હવે થઇ હોવાનું જાણવા મળ્‍યું છે. 

(3:44 PM IST)