તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
ભત્રીજાને સીગારેટ લેવા મોકલી કૌટુંબીક કાકાએ ૧૧ વર્ષની ભત્રીજીને રૂમમાં પુરી અડપલા કર્યા
રેલવે જંકશન પાછળના વિસ્તારમાં બનાવઃ પ્ર.નગર પોલીસમાં સગીરાની માતાની કૌટુંબીક દિયર વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટ તા. પઃ શહેરના રેલવે જંશન પાછળના વિસ્તારમાં રહેતી ૧૧ વર્ષીય તરૂણીને કૌટુંબિક કાકાએ રૂમમાં પુરી અડપલાં કરી જાતીય સતામણી કર્યા અંગે ઁપ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ રેલવે જંકશન પાછળના વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે. જેમાં સૌથી મોટી પુત્રી સાથે તેઓ રાજકોટમાં આવેલી એક હોટલમાં કામ માટે જાય છે તેમજ અન્ય સંતાનો ઘરે હોય છે.
ગઈકાલે સાંજના સમયે તેમનાથી થોડે દૂર ભગવતીપરામાં રહેતો તેમનો કુટુંબિક દિયર ઘરે આવ્યો હતો અને જણાવ્યું કે, મારી પત્ની બીમાર છે, તેમને દવાખાને સારવાર માટે પણ લઈ જવી પડે તેમ છે. જેથી તમે તમારી એક પુત્રીને મારી ઘરે રસોઈ કરવા માટે મોકલો. જેથી મહિલાએ તેમની વચેટ ૧૧ વર્ષની દીકરીને તેમને નાના પુત્ર સાથે આરોપીના ઘરે રસોઈ કરવા માટે મોકલી હતી. તરૂણી તેના નાનાભાઈ સાથે આરોપીના ઘરે રસોઈ કરવા માટે ગઈ હતી તે દરમિયાન આરોપી કૌટુંબીક કાકાની દાનત બગડી હતી. પરંતુ ભત્રીજો સાથે હોય ઇરાદો બર આવી શકે તેમ ન હતું.
બાદ આરોપી સાંજના સમયે તરૂણી અને તેના ભાઈને ઘરે મૂકવા માટે આવ્યો હતો ત્યારે પણ તરૂણીનો ભાઈ સાથે હોય જેથી આરોપીએ ભત્રીજાને સિગરેટ લેવા માટે મોકલી દઇ બાદમાં તરૂણીને રૂમમાં પૂરી અડપલાં કરવા લાગ્યો હતો. દરમિયાન પડોશીઓને શંકા જતા તુરંત જ દોડી ગયા હતા અને દરવાજો ખોલતા આરોપી ત્યાંથી નાસી છૂટયો હતો. જે બાદ ફરિયાદી ઘરે પહોંચતા તરૂણીએ આપવીતી જણાવ્યા બાદ આ ફરિયાદ નોંધાવી છે. આ અંગે પ્ર.નગર પોલીસે આરોપી સામે પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવ અંગે પીઆઇ વી.આર.વસાવા તપાસ ચલાવી રહ્યા છે. (૭.૩પ)
(2:53 PM IST)










