<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

કલેકટરના રીપોર્ટ બાદ ગાંધીનગરથી તોલમાપ ખાતાની ટીમ રાજકોટમાં ત્રાટકીઃ નિવેદનો લેવાનું શરૂઃ અત્‍યંત ગંભીર બાબત

પત્રકારોને વિગતો આપતા પ્રભવ જોષીઃ આક્ષેપો સાબીત થયે જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી

 

 

રાજકોટ, તા. પઃ રાજકોટ શહેરમાં તોલમાપ વિભાગના અધિકારી સામે રાજ્‍યસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા દ્વારા લગાવવામાં આવેલા ગંભીર લાંચના આક્ષેપોએ ખળભળાટ મચાવ્‍યો છે. આ મામલે રાજકોટ જિલ્લા કલેક્‍ટરે પ્રભવ જોશીએ પત્રકારોને જણાવ્‍યું હતું કે, આ સમગ્ર પ્રકરણ અત્‍યંત ગંભીર છે અને તેની સઘન તપાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, આ બાબતે ગાંધીનગર સ્‍થિત તોલમાપ વિભાગને જાણ કરવામાં આવી છે અને તેમના દ્વારા એક તપાસ સમિતિની રચના કરીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્‍યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ગાંધીનગરથી તપાસ માટેની વિશેષ ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે. આ ટીમ દ્વારા તોલમાપ વિભાગના કાર્યાલય ખાતે જરૂરી દસ્‍તાવેજોની ચકાસણી અને સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તપાસ સમિતિ દ્વારા લાંચના આક્ષેપોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને સત્‍ય બહાર લાવવાનો પ્રયાસ કરાશે.

જિલ્લા કલેક્‍ટરએ જણાવ્‍યું હતું કે, ‘આ બાબત ખૂબ જ ગંભીર છે. જો આક્ષેપો સાબિત થશે તો જે કોઈ નિયંત્રણ અધિકારી કે વિભાગ આ મુદ્દે જવાબદાર હશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભ્રષ્ટાચારને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.' તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, આ સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ વિગતવાર રિપોર્ટ રાજ્‍ય સરકારને સુપરત કરવામાં આવશે અને સરકાર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.(૬.૧પ)

(2:51 PM IST)