તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
પોસ્ટલ તંત્ર દ્વારા ઘરે બેઠા ર લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના E-KYC પૂર્ણ કરાયા
સરકારની નવી પહેલઃ ૮૮૦૦થી વધુ પોસ્ટ ઓફીસોમાં પણ સેવા ચાલૂ

રાજકોટ તા.૪: ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સબસિડીયુક્ત અનાજ મળતું રહે તેની સતત પાત્રતા સુનિશ્નિત કરવા માટે ઇ-કેવાયસી પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ રેશનકાર્ડ ધારકોને ૩૦ જૂન ૨૦૨૫ સુધીમાં ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કળષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ભારતીય ડાક વિભાગ અને ગુજરાત સરકારના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ વચ્ચેના એક મહત્વપૂર્ણ કરાર હેઠળ, ટપાલ વિભાગ કોઈપણ ચાર્જ વિના ઘરે રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસીની સુવિધા પૂરી પાડી રહ્યું છે. અત્યાર સુધીમાં, ડાક વિભાગ દ્વારા બે લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના ઘરે બેઠા ઇ-કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે. આ યોજનાના લાભ ખાસ કરીને એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોને મળશે. આ સેવા ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્થિત ૮૮૦૦થી વધુ પોસ્ટ ઓફિસો દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. પ્રત્યેક રેશનકાર્ડ ધારકોના ઇ-કેવાયસી ઝડપથી પૂર્ણ કરવા માટે, ડાક કર્મચારીઓ લાભાર્થીઓના ઘરે જઈને તેમને સેવા પૂરી પાડી રહ્યા છે. આ ઉપરાંત, જિલ્લા પુરવઠા અધિકારી સાથે સંકલન કરીને, તેઓ રેશનની દુકાનો અને સમુદાય શિબિરોમાં ઇ-કેવાયસીની સેવા પણ પૂરી પાડી રહ્યા છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ડાક વિભાગ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા ઘરે બેઠા આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવાની સુવિધા પણ પૂરી પાડી રહ્યું છે. જો કોઈ પણ રેશનકાર્ડ ધારકનો મોબાઈલ નંબર આધારમાં અપડેટ ન થયો હોય, તો ડાક વિભાગ પહેલા આધાર સેવા હેઠળ તેનો મોબાઈલ નંબર અપડેટ કરશે અને બાદમાં તે રેશનકાર્ડ ધારકનું ઈ-કેવાયસી કરશે. જો કોઇ કારણસર હાજર ડાક કર્મીઓ સાથે સંપર્ક ન થાય, તો આ સેવાનો લાભ લેવા માટે, રેશનકાર્ડ ધારક તેમની નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે.
(3:00 PM IST)










