તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ નહીં, વેપારી મંડળ!
વિદ્યાર્થીઓને ગ્રાહક ગણતા શાળા સંચાલક મંડળના હોદેદારો ડી.વી.મહેતા સહિતના સંચાલકો સામે ફીટકારઃ ધો.૧૦-૧રની પરીક્ષાના સપ્તાહ પહેલા ‘એજયુમોલ'ના લાભાર્થે મેળો કર્યોઃ હોદેદારોની ખાનગી શાળાનું શિક્ષણ કથળ્યું : પરીણામ સતત નિરસ : ડમી સ્કૂલો ઉપર ગમે ત્યારે તવાઇ

રાજકોટ, તા., ૪: પૈસા આપીને શિક્ષક બનેલા અને ગામના કાવડીયા ઉપર જ પદ-પ્રતિષ્ઠા અને પૈસા એકત્ર કરનાર લોકો આજે હળાહળ કળયુગમાં શિક્ષણ ક્ષેત્રે ભરડો લીધો છે. વિદ્યાર્થીઓને શિક્ષિત કરીને કારકીર્દી ઘડવાને બદલે જેટલો ખંખેરાય તેટલો ખંખેરીને માત્રને માત્ર પૈસા જ મેળવીને નફો રળી રહયા છે.
શિસ્ત, સંસ્કાર, સમર્પણ, સ્નેહ, શિક્ષણની કાન ફાડે તેવા બુમ બરાડા પાડતા રાજકોટનું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આજે ગુજરાતનું નંબરવન લુંટમેળો, નફાખોરી કરતુ મંડળ બની ગયું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
છેલ્લા એક દશકામાં રાજકોટની ખાનગી શાળાના સંચાલકોની જોહુકમી અને ધાર્યુ કરાવવામાં ખુબ જાણીતા છે. રાજય સરકાર પાસે રજુઆતના નામે હરીફોને પાડી દેતા હોય છે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલકોના માલીકી હક્ક ધરાવતા ‘એજયુમોલ' પર સમગ્ર ગુજરાતમાં ભારે રોષ વ્યાપ્યો છે.
એજયુમોલ સાથે કથીત સંકળાયેલા સંચાલકોમાં ડી.વી.મહેતા, ભરત ગાજીપરા, રશ્મીકાંત મોદી, જીમીલ પરીખ ઉપર ફીટકાર વરસી રહયો છે.
રાજકોટમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમીક કે ઉચ્ચતર માધ્યમીક શાળાઓનો સમયાંતરે મૃતપાય થતા સ્વનિર્ભર શાળાઓના નામે વેપારી વૃતિ ધરાવતા નફાખોર સંચાલકોનું વર્ચસ્વ વધ્યું છે. ધીરે ધીરે મંડળ-એસોસીએશન બનાવીને પ્રમુખ જેવા હોદા લઇને કેટલાક વગદારોને હોદેદારો બનાવીને અભુતપુર્વ પ્રભુત્વ હાંસલ કર્યુ છે. સામાન્ય પરિવારને ન પોષાય તેવી તોતીંગ ફી વસુલવામાં આવે છે.
અધુરામાં પુરૂ રાજકોટ શહેર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ ઓછી મહેનતે લાખો નહી કરોડો રૂપીયાની કમાણી કરે તેવો ‘મોલ' ખોલ્યો. જયાં બીજી દુકાને રૂા. ૬૦૦ માં મળતો યુનિફોર્મ ર થી ૩ હજારમાં મળે છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જાણે વેપારી મંડળ હોય તેમ વિદ્યાર્થીઓનું હિત જોયા વગર ધો.૧૦-૧રની બોર્ડની પરીક્ષાના ૯ દિવસ પહેલા ‘શિક્ષણ મેળા' કર્યા. આમા પણ સ્વનિર્ભર શાળા સંચાલકો (એજયુમોલ)ના લાભાર્થે જ હોય તેમ ‘ધંધો' ગોઠવી લીધો.
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની ધંધાદારી ટોળકીને કેટલાક ‘કમિશનીયા' સંચાલકો પણ પ્રોત્સાહન કરે છે. જયારે સેંકડો શાળા સંચાલકો આ ટોળકીથી ત્રાહીમામ પોકારી ગઇ છે. ટુંક સમયમાં જાહેરમાં ધંધાદારી શિક્ષણકારોનો ઉધડો લેવાઇ તો નવાઇ નહી.
એક સમયે રાજકોટનું ધો.૧૦-૧ર ગુજકેટનું પરીણામ ગુજરાત અને દેશભરમાં ચમકતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી શાળા સંચાલકોનો શિક્ષણને બદલે વેપારીકરણ થતા સીધી અસર પરીણામ ઉપર જોવા મળી છે.
આજે રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાના ટોચના ઇન્સ્ટીટયુટ આવી ગયા છે. ખાનગી શાળાઓ શિક્ષણ ન આપી શકતા હજારો વિદ્યાર્થીઓ લાખોની ફી ભરીને ટયુશનમાં જાય છે તો એક નફાખોર અને લુંટમેળા સાથે સંકળાયેલા સંચાલક ‘ડમી' સ્કુલ ચાલુ કરાવી છે. તેની સામે પણ કોઇ પણ સમયે કાર્યવાહી થવાનો ગણગણાટ થઇ રહયો છે.
(2:54 PM IST)










