News of Wednesday, 4th June 2025
રાજકોટ જિલ્લા સહકારી સંઘ સામે સવાલ ઉઠાવતા પરેશકુમાર ફેફર
ધાર્યા કામોમાં અડચણરૂપ બનનારને સસ્પેન્ડ-ડીસમીસ કરી દેવાય છે : સાધારણ સભાને સેમીનારમાં ગણાવી દેવાય છે : સંસ્થાઓને સભ્ય પદ આપવામાં પણ કંજુસાઇ શા માટે? જિલ્લા રજીસ્ટ્રારને લખાયો વિસ્તૃત પત્ર

રાજકોટ તા. ૪ : રાજકોટ જિલ્લામાં સહકારી પ્રવૃત્તિ એકંદરે સારી ચાલે છે. પરંતુ સહકારી શિક્ષણ, તાલીમ, પ્રચાર અને પ્રકાશનનું કામ કરતી અને ત્રિવેણી, ૨૯/૩૮ કરણપરા, રાજકોટ ખાતે કાર્યરત રાજકોટ જિલ્લા સહકારી સંઘની કેટલીક કાર્યપ્રણાલીઓ સામે રૈયારોડ, આલાપ ગ્રીન સીટીમાં રહેતા અરજદાર પરેશકુમાર સી. ફેફરે કેટલાક સવાલો ઉઠાવ્યા છે.
તેઓએ આ બાબતે સહકારી મંડળીઓના જિલ્લા રજીસ્ટ્રારશ્રી રાજકોટને પત્ર લખી જણાવ્યુ છે કે આ સંસ્થામાં ૩૦ વર્ષ પ્રમાણિકપણે સેવા આપવા છતા નજીવા કારણોસર મને સસ્પેન્ડ કરી દેવામાં આવેલ અને બાદમાં ગેરકાયદેસર રીતે ડીસમીસ પણ કરી દેવામાં આવેલ છે.
સંસ્થા બચાવવા પ્રશ્નો કરતા અવૈધાનિક નિર્ણયો અંગે ધ્યાન દોરતા શાશકોએ મને મનસ્વી અને કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૂધ્ધ સસ્પેન્ડ અને ડીસમીસ કરી દીધેલ છે.વધુમાં પરેશકુમાર ફેફરે જણાવ્યુ છે કે સંઘની ગાડી કચેરીએ રાખવાના બદલે ચેરમેનના ઘરે રાખવા બાબતે સવાલો ઉઠતા ડ્રાઇવર કમ પટાવાળાને પણ છુટા કરી દેવાયા છે. આવુ જ એકઝી. ઓફીસર અને સીનીયર કલાર્ક સાથે થયુ છે.
સહકારી શિક્ષણ, તાલીમ, પ્રચારની કામગીરી અસંતોષજનક છે. તાલુકા સંઘોની સાધારણ સભામાં જઇને જિલ્લા સંઘનું બેનર લગાવી સભાને સેમીનારમાં ગણાવી દેવાના કારસ્તાનો પણ ચાલે છે. જિલ્લા સંઘના સભ્યપદે પણ તમામ સંસ્થાઓને સભ્ય પદ આપવાને બદલે અમુકનેજ અપાય છે. આવુ કેમ? ૨૫ થી વધારે સભ્યપદ મેળવવા માટેની અરજીઓ પેન્ડીંગ કેમ રાખી દેવાઇ છે? સંઘની મીટીંગ પણ કેમ સમયસર બોલાવવામાં આવતી નથી? વગેરે સવાલો પરેશકુમાર સી. ફેફર (મો.૯૪૨૮૦ ૩૫૩૫૩)એ આ રજુઆતમાં ઉઠાવ્યા છે.
(1:59 PM IST)










