<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

રાજકોટ સેલ્‍ફ ફાઇનાન્‍સ સ્‍કૂલ એસોસિએશનના નામે ડી.વી. મહેતા શિક્ષણનો વેપલો કરે છે

રાજ્‍યના શિક્ષણવિભાગ પાસે રેડ પડાવીને ડી.વી. મહેતાએ પોતાનુ સાજુ કરી લીધુઃ ગંભીર આક્ષેપોઃ સરકારમાં પ્રાઇવેટ યુનિવર્સિટીની મંજૂરી માંગીઃ રોહિતસિંહ રાજપુતની તડાફડી

 

રાજકોટ તા.૩: રાજકોટમા સ્‍કૂલોના સંચાલકોએ શિક્ષણના નામે જાણે વેપલો ખોલ્‍યો હોય તેમ દિવસે ને દિવસે પર્દાફાશ થઈ રહ્યા છે.ગઈકાલે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી કે રાજકોટ ખાનગી શાળા સંચાલકોના આગેવાનો એક એજ્‍યુકેશન મોલ ઉભો કરીને વિદ્યાર્થીઓને આ મોલમાંથી તમામ વસ્‍તુઓ ખરીદવા ફરજ પાડે છે જેમના પર કાર્યવાહી કરો અને વધુમા તેઓએ આ બાબતોનો પુરાવાઓ પણ આપ્‍યા હતા.તેઓએ ગંભીર આક્ષેપો કર્યા હતા કે વિદ્યાર્થીઓના મજબૂરીઓનો લાભ ઉઠાવીને આ એસોસિયન નામે ચરી ખાતા મુખ્‍ય પાંચ આગેવાનોએ હાઈપ્રોફાઈલ એજ્‍યુકેશન મોલના માલિકો છે અને જેમાં મુખ્‍ય કર્તાહર્તા  ડી.વી મહેતા છે.

રોહિતસિંહ રાજપૂતે આજે અખબાર યાદીમા જણાવ્‍યુ હતું કે રાજકોટના શિક્ષણજગતમા શિક્ષણને વેપલો કરીને અવનવા નુસખાઓ થકી વાલીઓને ઊંધા કાન પકડાવીને પૈસા કેમ કમાવવા તે બાબતે મુખ્‍ય સિંહફાળો જિનિયસ સ્‍કૂલના ડી.વી (ધર્મેન્‍દ્ર) મેહતાનો છે. આ લૂટ મોલ (એજ્‍યુકેશન મોલ) ઉભો કરવાનો આઈડિયા અને વિદ્યાર્થીઓના યુનિફોર્મ-બુક્‍સ જેવી સ્‍ટેશનરીઓની વસ્‍તુઓમાંથી પણ પૈસા કમાવવાનો વિચાર મુખ્‍ય સૂત્રધાર આ જ ધંધાદારી ડી.વી મેહતા જ છે.માત્ર રાજકોટના જ સ્‍કૂલ સંચાલકો સામે શા માટે વેપારીઓ ટેગ લાગે છે તે સડો જ આ વ્‍યક્‍તિના લીધે લાગ્‍યો છે તે સ્‍પષ્ટ કહી શકું છુ.

તેઓએ વધુમા ગંભીર આક્ષેપો કર્યા હતા કે રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના નામે ભાજપના કાર્યક્રમોમા ખેસ પહેરીને અવારનવાર સ્‍ટેજ મેળવીને નેતાઓ સાથે ફોટો પડાવીને પોતાના વ્‍યક્‍તિગત સ્‍વાર્થો સંતોષે છે.થોડા સમય પહેલા ગાંધીનગર શિક્ષણમંત્રીને એસોસિયનના આગેવાનોને લઈને રજૂઆતો કરી હતી કે કોચિંગ ક્‍લાસ જેવા ખાનગી કોચીંગો રાજકોટની શાળાઓમા ડમી એડમિશનો કરાવીને ગેરકાયદે ક્‍લાસો ચલાવે છે જેથી નાની સ્‍કૂલો પડી ભાંગી છે.અનેક વખત એસોસિયનના લેટરપેડો પર રજૂઆત બાદ રાજ્‍યના શિક્ષણવિભાગે આ કોચીંગો પર રેડ પાડી હતી.

આ રેડ બાદ અનેક સ્‍કૂલોએ આ કોચીંગોને ડમી એડમિશનો આપવાનુ બંધ કરી દીધા હતા બાદમા આ ડીવી મેહતાએ પોતાની રાજકોટ ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમા આ કોચિંગ ક્‍લાસના તમામ ડમી એડમિશનો લેવાનું શરૂ કર્યું  છે. હવે એક વાર પણ આ સંચાલક એસોસિયાનને લઈને આ બાબતે રજૂઆત નહીં કરે તેવા મોટા આક્ષેપો કર્યા છે રોહિતસિંહે વધુમાં આક્ષેપો કર્યા હતા સરકારમા એજન્‍ટની ભૂમિકા ભજવીને રાજકોટમા ૧૦થી વધુ શૈક્ષણિક સંસ્‍થાઓના માલિક ડી.વી મહેતા બની ગયા છે. ધંધાદારી આ સંચાલકે પોતાની એક પ્રાઇવેટ યુનિવર્સિટીની મંજૂરી માટે બે વર્ષથી સરકારમા  ધમપછાડા કરી રહ્યા છે.

અંતમા રોહિતસિંહે જણાવ્‍યુ હતુ કે રાજકોટમાં ગિજુભાઇ ભરાડ જેવા સ્‍કૂલ સંચાલકોની દેશભરમા નોંધ લેવાય છે ત્‍યારે આવા શિક્ષણમાફિયાઓ રાજકોટના શિક્ષણજગતને કલંકિત કરે છે. તેઓએ જણાવ્‍યુ હતુ કે અમારો આ સંચાલક સામે વ્‍યક્‍તિગત વિરોધ અન્‍ય બીજો કોઈ નથી પણ તેઓની વ્‍યાપારી પ્રવળત્તિનો વિરોધી છે જેનો અમને કાયમી વિરોધ રહેશે.

રોહિતસિંહે જણાવ્‍યુ હતુ કે હજુ પણ આવા કોઈ શિક્ષણમાફિયાઓ રાજકોટના વાલીઓને મૂર્ખ સમજી શિક્ષણનો વેપલો કરશે તેને વિપક્ષ તરીકે અમે ઉઘાડા પાડીશું.

(4:08 PM IST)