<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ : ફાયર ઓફિસર રોહિત વિગોરા જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા : સુનાવણી ૧૭ જૂને

ગત મે ૨૦૨૪માં 27 નિર્દોષોના મોત બાદ TPO સહિત ૪ અધિકારીઓની ધરપકડ થઈ હતી : હાઈકોર્ટે જામીન અરજી ફગાવ્યા બાદ સુપ્રીમમાં અરજી

રાજકોટ, તા. ૩ જૂન, ૨૦૨૫: રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડનો અત્યંત કરુણ અને ગંભીર મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ કેસમાં ધરપકડ કરાયેલા ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાએ જામીન મેળવવા માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે. નોંધનીય છે કે, અગાઉ ગુજરાત હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં આ મામલે આગામી ૧૭ જૂનના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેના પર સૌની નજર રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગત મે ૨૦૨૪માં રાજકોટમાં બનેલી આ ગોઝારી ઘટનામાં ૨૭ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઉનાળાના વેકેશન અને શનિવારનો દિવસ હોવાથી ગેમઝોનમાં લોકોની ભારે ભીડ હતી. ગેમઝોનના સંચાલકોએ પણ લોકોને આકર્ષવા માટે વિવિધ ઓફરો જાહેર કરી હતી, જેના કારણે સામાન્ય દિવસો કરતાં વધુ લોકો મનોરંજન માણી રહ્યા હતા. જોકે, થોડીક જ ક્ષણોમાં આનંદ-કિલ્લોલનો માહોલ કરુણ ચીસોમાં ફેરવાઈ ગયો હતો, અને આખું ગેમઝોન આગની વિકરાળ જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું.
આ અગ્નિકાંડ બાદ રાજકોટ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગેમઝોનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સુરક્ષાના ધારાધોરણોના ભંગ બદલ TPO મનોજ સાગઠિયા, ATPO મુકેશ મકવાણા, ATPO ગૌતમ જોશી અને ફાયર ઓફિસર રોહિત વિગોરા સહિતના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ પૈકી ગૌતમ જોશી અને રોહિત વિગોરાને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.
આ ઘટનામાં બેદરકારી અને ભ્રષ્ટાચારના અનેક પાસાંઓ સામે આવ્યા હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો. હવે, રોહિત વિગોરાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લે છે તે જોવું મહત્વનું રહેશે. આ કેસ ન્યાય પ્રણાલી માટે પણ એક કસોટી સમાન છે, જ્યાં ૨૭ નિર્દોષોના મૃત્યુનો ન્યાય મેળવવાની આશા રાખવામાં આવી રહી છે.

(11:36 AM IST)