તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
સાહિત્યને સમર્પણ યાત્રના ૨૫ વર્ષના નિચોડ રૂપી પુસ્તક ‘૩૦૦ ગ્રંથગોષ્ઠિ મધુસંચય'
રાજકોટના સિસ્ટર નિવેદિતા સંકૂલમાં આવેલ પ્રિન્સિપાલ ડી.પી.જોશી પબ્લિક લાયબ્રેરી માત્ર પુસ્તકાલયનું સંગ્રહાલય ન બની રહેતા જ્ઞાન પ્રસારનું કેન્દ્ર બની રહ્યું છે : : આજ સુધીમાં ગ્રંથગોષ્ઠિમાં આવેલ જુદાજુદા તજજ્ઞો, રસજ્ઞો અને નિષ્ણાત વક્તાઓમાં કુલપતિશ્રીઓ, પ્રાધ્યાપકો, ઈજનેરો, સાહિત્યકારો, કટારલેખકો, કવિઓ, તબીબો તેમજ આકાશવાણી અને દૂરદર્શનના અધિકારીશ્રીઓ વગેરેનો સમાવેશ થયેલ છે

ગુલાબભાઇ અને ઉષાબેન જાનીનો પરિચય ગુલાબભાઈ જયારે સાતમા ધોરણમાં અભ્યાસ કરતા હતા, ત્યારે તેમની માતાનું અવસાન થયું. માતાની છત્રછાયા ગુમાવી દીદ્યા બાદ ગુલાબભાઈ અને તેમના બે વર્ષના નાનાભાઈને તેમના નાનાનાની પોતાની સાથે જસદણ લઈ ગયા. આર્થિક સ્થિતિ બહુ સારી ન હોવા છતાં નાનાનાનીએ દીકરીનાં આ બે સંતાનોને લાડકોડથી ઉછેર્યાં. માતાના મૃત્યુ બાદ ગુલાબભાઈમાં કિશોર અવસ્થાથી જ પ્રૌઢતા આવી ગઈ. તેમણે મનોમન નક્કી કરી લીધું કે ‘જીવનમાં જો કંઈ કરવું હોય તો ધીરગંભીરતા સાથે મક્ક્મતાથી મારે અભ્યાસ કરવો જોઈએ. જો અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી લઈશ તો જીવનમાં બહુ જ ખુશીથી આગળ વદ્યી શકીશ.' એ વખતે ખોબા જેવડા જસદણ ગામમાં એક નાનું સરખું જનતા પુસ્તકાલય હતું. ગુલાબભાઈ રમવા-ભમવાની એ ઉંમરે રોજ આ પુસ્તકાલયમાં દિવસના બે-ત્રણ કલાક વાંચન પ્રવૃત્તિમાં વિતાવતા હતા. ત્રણ-ચાર વર્ષ જેવા ટૂંકા ગાળામાં ગુલાબભાઈએ પુસ્તકાલયનાં લગભગ તમામ પુસ્તકો વાંચી નાંખ્યાં.
ગુલાબભાઈ જયારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા તે વખતે યોગાનુયોગે વિનોબાજીની ભૂદાન યાત્રા સૌરાષ્ટ્રમાં યોજાણી હતી. જસદણના ખાદી ભંડારના સંચાલક મનસુખભાઈની સંગાથે તેમને વિનોબાજીને સાંભળવાની તેમ જ જોવાની પહેલીવાર તક મળી. વિનોબાજીના વ્યક્તિત્વ અને ખાદી વિશેના તેમના પ્રેમનો, ગુલાબભાઈ પર બહુ જ પ્રભાવ પડ્યો. ગુલાબભાઈએ તે જ ઘડીએ આજીવન ખાદી પહેરવાનો મનમાં સંકલ્પ કરી લીધો.
મેટ્રિકમાં પ્રથમ વર્ગમાં પાસ થયેલા ગુલાબભાઈને કોલેજમાં આગળ અભ્યાસ કરવાની ખૂબ ઈચ્છા. તેઓ પોતાના નાનાનાનીની આર્થિક પરિસ્થિતિથી પરિચિત હતા. તેઓ હવે તેમને વધુ બોજારૂપ થવા ઈચ્છતા ન હતા. તેમના એક પરમ મિત્ર ગફુરભાઈ પરમાર સાથે કોલેજના આગળ અભ્યાસ અર્થે મક્કમ મને જસદણથી રાજકોટ આવી ગયા.
રાજકોટમાં બંને મિત્રો પેટે પાટા બાંધી નાનાંમોટાં ટ્યૂશનો કરી જીવતરનું ગાડું જેમ તેમ હાંકતા હતા. ઈશ્વરની ઈચ્છાથી બંને મિત્રોને પોતપોતાના સમાજની બોર્ડિગમાં પ્રવેશ મળી ગયો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ગુલાબભાઈ કોમર્સમાં અભ્યાસ ન કરી શકયા. તેમના તે વખતના આચાર્ય સાહેબનાં સલાહ-સૂચનને કારણે ગુલાબભાઈ કોમર્સમાંથી આર્ટ્સમાં દાખલ થઈ ગયા.
ગુલાબભાઈ જયારે ધર્મેન્દ્રસિંહ કોલેજમાં એમ.એ.નો અભ્યાસ કરતા હતા ત્યારે તેમને સહાઘ્યાયી ઉષાબહેન જોશી સાથે અનેક વકતૃત્વ સ્પર્ધા, ચર્ચામાં ભાગ લેવાનું થયું. એ ગાળામાં પુસ્તકપ્રેમી ગુલાબભાઈ અને ઉષાબહેનના હાથમાં કુલપતિ ક્ઝીન્સનું પુસ્તક “We Together” આવ્યું. આ પુસ્તક બંને જણાંએ બહુ જ રસપૂર્વક સંગાથે વાંચ્યું. આ પુસ્તકના વાચને આ બંને જણને જીવનના સાવ એક નવા જ માર્ગ તરફ દોડતાં કરી દીદ્યાં. પુસ્તકથી ખૂબ જ પ્રભાવિત થયેલાં ઉષાબહેન અને ગુલાબભાઈની આંખમાં એક સંયુકત સ્વપ્ન દેખાવા લાગ્યું. બંનેની ઈચ્છા ભાવિના શિક્ષણ ક્ષેત્રે કંઈક કરી છૂટવાની ભાવના હોવાથી બંને જણાંએ પવિત્ર લગ્નગ્રંથિથી જોડાવાનું નક્કી કરી લીધું.
ગાંધી વિચારક ગુલાબભાઈએ અને ઉષાબહેને લગ્ન બહુ જ સાદાઈથી કર્યા. આ યુગલે લગ્ન એટલાં સાદાઈથી કર્યાં હતા કે તેમની વાત અત્યારના યુવાનોને માનવામાં ન આવે. લગ્નમાં ન કોઈ માંડવો, ન કોઈ જાનૈયા, ન કોઈ જમણવાર. બસ, ફકત ગુલાબભાઈ ખાદીનો ઝભ્ભો-લેંઘો પહેરી લગ્નને સ્થાને, જાનમાં નાનાભાઈને, એક મિત્રને અને તેમના એક હરિજન વિદ્યાર્થીને સાથે લઈ ઉષાબહેનને પરણવા આવી પહોંચ્યા. ઉષાબહેનના પિતા ડી.પી જોશી સાહેબ સંસ્કૃતના પ્રખર વિદ્વાન હતા. તેમને દીકરીના લગ્નની વિધિ ખુદના હાથે કરી. દીકરીને આશીર્વાદ સાથે વિદાય આપી. સસરાની હાજરીમાં જ ગુલાબભાઈએ અને ઉષાબહેને આજીવન સોનાનાં આભૂષણ ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી.
કોલેજના અભ્યાસ કાળથી જ ગુલાબભાઈએ મનમાં એક ગાંઠ વાળી હતી કે અભ્યાસ પૂરો થતાં જ, પોતે જે કોલેજમાં અભ્યાસ કર્યો હતો તે કોલેજમાં જ અઘ્યાપક તરીકે જોડાઈ જવું. ગુલાબભાઈ એમ.એ., એલએલ.બી. થયા પછી તેમને ઘણા સગાંસંબંધી તેમ જ મિત્રો તરફથી આઈ.એ.એસ. થવાની સલાહ મળી હતી. ગુલાબભાઈને સરકારી શુષ્ક વહીવટમાં તલભારનો પણ રસ હતો નહીં. તેઓ ઉચ્ચ પગારની એલ.આઈ.સી.ની નોકરી છોડી, રાજકોટની ધમેન્દ્રસિંહ કોલેજમાં અર્થશાષાના અઘ્યાપક તરીકે જોડાઈ ગયા.
એ જ ગાળામાં ગુલાબભાઈ રાજકોટના રામકૃષ્ણ આશ્રમના અઘ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદ મહારાજના પરિચયમાં આવ્યા. સ્વામીજીના આગ્રહથી દર રવિવારે થોડાક વિદ્યાર્થી મિત્રોને ગુલાબભાઈ સ્વામીજીના વ્યાખ્યાનમાં લઇ આવતા. રામકૃષ્ણ આશ્રમ સાથે બંધાયેલા સંબંધને કારણે ગુલાબભાઈ બહુ જ ટૂંક સમયમાં રામકૃષ્ણ-વિવેકાનંદની વિચારધારામાં રંગાઈ ગયા. આ વિચારધારામાં તેઓ આટલા ઓતપ્રોત થઈ ગયા કે તેમણે મા શારદાદેવીનાં શિષ્યા સ્વામી વીરેશ્વરાનંદજીના હસ્તે મંત્રદીક્ષા લીધી.
૧૯૬૭માં સિસ્ટર નિવેદિતાનું જન્મશતાબ્દી વર્ષ ઊજવાતું હતું. ગુલાબભાઈ અને ઉષાબહેન સિસ્ટર નિવેદિતાના જન્મશતાબ્દીની ઉજવણીમાં બહુ જ નિષ્ઠાપૂર્વક ડૂબી ગયાં હતાં. એજ ગાળામાં સ્વામી આત્મસ્થાનંદે બંને પતિપત્નીને આશ્રમમાં મળવા બોલાવ્યાં. સ્વામીજીએ ગુલાબભાઈ અને ઉષાબહેનના કાનમાં એક વાત નાંખી. ‘પ્રાઘ્યાપકજી, તમે કોલેજના ગ્રેજયુએટ માટે તો ઘણું કાર્ય કરી રહ્યા છો, તે મારી દૃષ્ટિએ બહુ જ ઘણું કહેવાય. તમે જે અત્યારે કાર્ય કરી રહ્યાં છો એનાથી વિશેષ જો તમારે કંઈ નવું જ કરવું હોય તો તમે કેળવણી ક્ષેત્રે હજી પણ કંઈક નક્કર કામ કરી શકો તેમ છો, જે કામ સિસ્ટર નિવેદિતાજીએ કર્યું છે. કેળવણી વિકાસ તો બાળમંદિરથી શરૂ થાય છે. બાળમંદિર જ કેળવણીનો પાયો.'
આ વાત ગુલાબભાઈ અને ઉષાબહેનનાં હૃદય-સોંસરવી ઊતરી ગઈ. સ્વામીજીના આશીર્વાદ માથે ચઢાવી. આ કેળવણી પ્રેમી યુગલે અઘ્યાપક જેવી ઉચ્ચ પગારની નોકરીને ઠેબે મારી. ૧૯૬૮માં સિસ્ટર નિવેદિતાજીના નામે જ સિસ્ટર નિવેદિતા નામની પ્રથમ શાળાની સ્થાપના રાજકોટમાં કરી. હજી જેનાં બીજ રોપાણાં હતાં તે શૈક્ષણિક સંસ્થા આજે એક વટવૃક્ષ તરીકે વિકાસ પામી છે.
માણસ ધારે તો શું નથી કરી શકતો? એ વાત આપણને આ શિક્ષણ, કેળવણીપ્રેમીના જીવનમાંથી ડગલે ને પગલે જાણવા મળે છે. ગુલાબભાઈએ કેળવણી જેવા ક્ષેત્રને ખેડવા જે હિંમતપૂર્વક બાથ ભીડી છે, તે ખરેખર ગુજરાતના તમામ કેળવણી પ્રેમીઓ માટે એક ગૌરવની વાત છે. ગુલાબભાઈ જેવા આદર્શ, આધુનિક કેળવણીકાર ગુજરાતને પ્રાપ્ત થયા છે તે ગુજરાતનું એક સદ્વાગ્ય છે. ગુલાબભાઈનું જેવું નામ છે એવું જ એમનું મહેકતું કાર્ય અને જીવન છે. ગુલાબભાઈ બહુ જ સહજ અને સરળ સ્વભાવના મુલાયમ માણસ છે. પોતે ખુદ જે પ્રકાશમાં જીવે છે એ જ પ્રકાશ તેઓ બીજાના જીવનમાં પાથરવા માટે ઉત્સુક છે.
૧૯૯૭ ની સાલથી આરંભ થયેલ ગોષ્ઠિને ૨૦૨૪ માં ૨૫ વર્ષ પૂર્ણ થયા ઞ્જ આ વર્ષોમાં ૩૦૦ ગોષ્ઠિ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ કરી ઞ્જ તેમાંથી પસંદ કરાયેલ ગોષ્ઠિનો ૬૪૪ પાનાનો એક આખો ગ્રંથ તૈયાર કરાયો ઞ્જ જેને નામ અપાયું ‘૩૦૦ ગ્રંથગોષ્ઠિ મધુસંચય' : બદલાતા સમયનાં વહેણ સાથે ગ્રંથગોષ્ઠિમાં પણ વિવિધતા લાવવામાં આવી છે ઞ્જ પુસ્તકનાં વિકલ્પે વિડિયોબુક, સાહિતત્યક ફિલ્મ, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે
રાજકોટ : ગોષ્ઠિ એટલે વાતચીત અથવા ગોઠડી. સામાન્ય રીતે તો કોઇ પણ મુદ્દે અને કોઇપણ જગ્યાએ ભેગા મળી ગોષ્ઠિ કરનારા આપણે લોકો જીવનમાં ઉતારી શકાય તેવા વિષયો ગોઠડીમાં બહુ ઓછા પસંદ કરીએ છીએ. જયારે રાજકોટમાં સિસ્ટર નિવેદિતા સંકૂલમાં આવેલ પ્રિન્સિપાલ ડી.પી.જોશી પબ્લિક લાયબ્રેરી માત્ર પુસ્તકાલયનું સંગ્રહાલય ન બની રહેતા જ્ઞાન પ્રસારનું કેન્દ્ર બની રહ્યું છે. કોઇપણ વિષય પર ગોષ્ઠિ કરવાનો આરંભ અહિં ૧૯૯૭ ની સાલથી થયેલ અને વર્ષ ૨૦૨૪ માં તેને ૨૫ વર્ષ પૂર્ણ થયા. આ વર્ષોમાં ૩૦૦ ગોષ્ઠિ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ આવીને કરી. જેને લઇ તેમાંથી પસંદ કરાયેલ ગોષ્ઠિનો ૬૪૪ પાનાનો એક આખો ગ્રંથ તૈયાર કરાયો. જેને નામ અપાયું ‘૩૦૦ ગ્રંથગોષ્ઠિ મધુસંચય'.
આ ગ્રંથ ગોષ્ઠિ દર અંગ્રેજી મહિનાના પહેલા બુધવારે, પુસ્તકાલય ‘ગ્રંથ ગોષ્ઠિ' અથવા પુસ્તક પ્રેમીઓની ક્લબ મીટિંગનું પણ આયોજન કરે છે. લેખક, કવિ અથવા સર્જકને પુસ્તકનો સાર રજૂ કરવા અને આ અમૂલ્ય રચનાના હૃદય અને લેખકને પ્રેરણા આપતી લાગણીઓ રજૂ કરવા માટે ડી.પી.જોશી લાયબ્રેરી ખાતે આમંત્રિત કરવામાં આવે છે. કેટલીકવાર, સહભાગીઓ ભેગા થાય છે અને તેમણે વાંચેલા અને સામગ્રીથી ખૂબ પ્રભાવિત થયેલા પુસ્તકોની ચર્ચા કરે છે. કોઈપણ સહભાગીને વિશ્વભરના પુસ્તકો, વીસીડી/ડીવીડી, મૂવી વગેરેના આધારે સંક્ષિપ્તમાં સામગ્રી રજૂ કરવાની અને સમજાવવાની છૂટ છે. પુસ્તક પ્રેમીઓ ક્લબનો ઉદ્દેશ્ય બધા સહભાગીઓને મૂલ્યવાન જ્ઞાન અને શક્ય તેટલા સારા પુસ્તકોથી સમૃદ્ધ બનાવવાનો છે.
આ ગ્રંથ ગોષ્ઠિની શરૂઆત કઇ રીતે થઇ? સુવિખ્યાત સામયિક ‘કુમાર'ના તંત્રી શ્રી બચુભાઈ રાવતે દર બુધવારે સાહિત્યલક્ષી પ્રવૃત્તિ બુધસભાની શરૂઆત કરી અને અનેક સાહિત્યકારનું ત્યાંથી ઘડતર થયું. આ વિચારને કેન્દ્રમાં રાખી અને તે પ્રવૃત્તિમાંથી પ્રેરણા લઈ પ્રારંભ કરેલી ગ્રંથગોષ્ઠિ પ્રવૃત્તિમાં નવા-નવા પુસ્તકોનો પરિચય અને ઉત્તમ સાહિત્યકૃતિઓનો રસાસ્વાદ સહુ ભાવકોને કરાવવાનો પ્રારંભ થયો. તા. ૧૬-૦૭-૧૯૯૭ થી પ્રારંભ થયેલી ગ્રંથગોષ્ઠિની અવિરતપણે ચાલતી આ યાત્રા એપ્રિલ-૨૦૨૪માં ૨૫ વર્ષ પૂર્ણ કરી તેના ૩૦૦મા મુકામ પર પહોંચી. ૩૦૦ ગ્રંથગોષ્ઠિની આ દીર્ઘ યાત્રા ખૂબ જ રસપ્રદ રહી. વિવિધ ક્ષેત્રના તજજ્ઞોની જ્ઞાનવાણીથી શ્રોતાઓ લાભાન્વિત થયેલ. આજ સુધીમાં આવેલ જુદાજુદા તજજ્ઞો, રસજ્ઞો અને નિષ્ણાત વક્તાઓમાં કુલપતિશ્રીઓ, પ્રાધ્યાપકો, ઈજનેરો, સાહિત્યકારો, કટારલેખકો, કવિઓ, તબીબો તેમ જ આકાશવાણી અને દૂરદર્શનના અધિકારીશ્રીઓ વગેરેનો સમાવેશ થયેલ છે. ગુજરાતના સાહિત્ય જગતમાં આ નોંધપાત્ર ઘટના ગણાય અને અનેક સાહિત્યકારોએ આ પ્રવૃત્તિને અને ખાસ તો તેના સાતત્યને બીરદાવેલ છે.
આ ગ્રંથગોષ્ઠિની બેઠકમાં સાહિત્યમાં રસ ધરાવતી કોઈપણ વ્યક્તિ ઉપસ્થિત રહી શકે છે. તેમાં સભ્ય થવા માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવી નથી. સામાન્ય રીતે અંગ્રેજી કેલેન્ડર મહિનાનાં પ્રથમ બુધવારે ગ્રંથગોષ્ઠિનું આયોજન થાય છે. ગ્રંથગોષ્ઠિમાં જોડાયેલા અને નોંધણી પામેલા દરેક સભ્યને ગ્રંથગોષ્ઠિની બેઠકની, તારીખની, વક્તાની અને વિષયની જાણ કરતું નિમંત્રણ અઠવાડિયા અગાઉ પાઠવવામાં આવે છે. આ ઉપરાંત મેસેજથી પણ જાણ કરવામાં આવે છે. શહેરના પ્રસિદ્ધ વર્તમાનપત્રોમાં પણ ગ્રંથગોષ્ઠિ બેઠકના ૩-૪ દિવસ અગાઉ નોંધ પ્રસિદ્ધ થાય છે. ઉપસ્થિત સભ્યોની સંખ્યા ૦પ હોય કે ૫૦ હોય, આ કાર્યક્રમ બરાબર ૦૫-૦૦નાં ટકોરે શરૂ થઈ જ જાય. ગ્રંથગોષ્ઠિનાં પ્રારંભે ગ્રંથગોષ્ઠિના વક્તાનું સ્વાગત અને પરિચય આપવામાં આવે. ત્યારબાદ જે માસની ગ્રંથગોષ્ઠિ હોય તે માસમાં આવતા સાહિત્યકારોના જન્મદિવસની નોંઘનું પઠન કરવામાં આવે, તે માસમાં આવતા ગ્રંથગોષ્ઠિનાં સભ્યોના જન્મદિવસનો ઉલ્લેખ કરી તેને શુભેચ્છા પાઠવવામાં આવે છે અને ગત માસ દરમિયાન લાઇબ્રેરીને ભેટ મળેલા પુસ્તકોની નોંધ રજૂ કરવામાં આવે તેમજ ગત માસ દરમિયાન પુસ્તકાલયનો લાભ લીધેલ વાંચકોની સંખ્યા રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ ભજનગાન રજૂ થાય અને તેના અનુસંધાને વિદ્વાન વક્તાનું વક્તવ્ય રજૂ કરવામાં આવે. વક્તવ્ય પૂર્ણ થયે પુનઃ ભજન, સ્તુતિ કે પ્રસંગોચિત ગાન રજૂ કરવામાં આવે. છેલ્લે વક્તાશ્રીનું આભારદર્શન કરવામાં આવે.
બદલાતા સમયનાં વહેણ સાથે ગ્રંથગોષ્ઠિમાં પણ વિવિધતા લાવવામાં આવી છે. પુસ્તકનાં વિકલ્પે વિડિયોબુક, સાહિતત્યક ફિલ્મ, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસંગોપાત સંસ્થા દ્વારા પ્રકાશિત કે ખ્યાતનામ લેખક દ્વારા લિખિત પુસ્તક વિમોચનના કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. સમાજમાં બનતી કે ગ્રંથગોષ્ઠિ પરિવારના સભ્યનાં જીવનમાં ઘટતી આનંદ કે વિષાદની ક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવે છે. ગ્રંથગોષ્ઠિની સભાના અનુસંધાને દરેક મહિને પુસ્તકાલયમાં ચોક્કસ વિષય આધારિત પુસ્તક-પ્રદર્શન તેમ જ ગત માસ દરમિયાન ભેટ મળેલા પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવે છે.
જૂન-૨૦૧૪માં ગ્રંથગોષ્ઠિની ૨૦૦મી બેઠક પૂર્ણ થઈ ત્યારે પ્રખર કેળવણીકાર શ્રી મનસુખભાઈ સલ્લા અને સુવિખ્યાત સમાજશાષાી પ્રો. ડો. વિદ્યુતભાઈ જોશીની ઉપતસ્થતિમાં આ બેઠકની ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમ જ આ ગ્રંથગોષ્ઠિઓના સારરૂપ સંકલિત પુસ્તક ‘૨૦૦ ગ્રંથગોષ્ઠિ - મધુસંચય'નું વિમોચન કરવામાં આવ્યું. પ્રિન્સિપાલ ડી.પી.જોશી પબ્લિક લાયબ્રેરીના આ પ્રકાશનને વાચકો તરફથી મળેલ ભવ્ય પ્રતિસાદ રૂપે ૨૦૦ પછીની યોજાયેલી ગ્રંથગોષ્ઠિ બેઠકોના વ્યાખ્યાનનું સંકલન કરી ‘૩૦૦ ગ્રંથગોષ્ઠિ - મધુસંચય' પુસ્તક અનેક સુધારા-વધારા અને કલર ફોટોગ્રાફ્સ સાથે રજુ થયું છે. જેનું સંપાદન દીપકભાઇ જોશીએ ખુબ સુંદર રીતે કર્યું છે. ૬૪૪ પાનાના આ દળદાર ગ્રંથમાં પસંદ કરેલી ગોષ્ઠિઓનો સમાવેશ કરાયો છે. જે તારીખે ગ્રંથગોષ્ઠિ થયેલ હોય તનો અને ક્રમ સંખ્યાનો પણ ઉલ્લેખ કરાયો છે. જોકે અનુક્રમમાં ગોષ્ઠિ ક્રમની સાથે પેઇજના અનુક્રમ આપ્યા હોત તો વાંચકોને પુસ્તકમાં ગોષ્ઠિ શોધવી વધુ સરળ બની રહેત.
‘૩૦૦ ગ્રંથગોષ્ઠિ - મધુસંચય'એ પાને પાને પ્રેરણાત્મક સંદેશ આપતું પુસ્તક છે. પુસ્તકમાં શબ્દોના મહારથીઓએ લોકોના જીવનમાં ઉપયોગી થાય તેવી વાતો વહેતી મુકી છે. કોઇએ નાટ્ય શાષા પર વિચારો રજુ કરી દીશા દર્શાવી છે તો કોઇએ જીવનના યાદગાર સંસ્મરણોને વાગોળ્યા છે. અનેકવિધ પુસ્તકોના પરિચયથી શબ્દ સંસારનું દર્શન કરાવ્યું છે. ઘણા વિચારકોએ કાવ્ય પઠન, વાંચન, સંદેશ, ટુંકી વાર્તાઓથી ગોષ્ઠિની શોભામાં અભિવૃધ્ધિ કરી છે. જાણે બીજી દુનિયામાં પહોંચી ગયા હોય તેવું અદભૂત પ્રવાસનું વર્ણન, અનેક વિષયો પર વાર્તાલાપ, વ્યાખ્યાન અને વિવિધ પુસ્તકોના રસાસ્વાદથી પુસ્તકને મઢવામાં આવ્યું છે. સાથે સાથે કાવ્યસૃષ્ટીનો શાબ્દિક અને સંગીતમય પરિચયે ગ્રંથ ગોષ્ઠિની સાહિત્યયાત્રાને યાદગાર બનાવ્યા છે.
‘૩૦૦ ગ્રંથગોષ્ઠિ - મધુસંચય' પુસ્તક પ્રિન્સિપાલ ડી.પી.જોશી પબ્લિક લાયબ્રેરીના સ્થાપક પ્રો. જયોત્સનાબહેન જોશી અને ઉષાબહેન જાનીને અર્પણ કરવામાં આવ્યું છે. પ્રસ્તાવના બાદ પ્રિન્સિપાલ ડી.પી.જોશીનો સંક્ષીપ્ત પરિચય અપાયો છે. ત્યારબાદ પેઇજ નંબર ૯ થી ૪૮ સુધી અહિં ૧૯૯૭ થી ગ્રંથગોષ્ઠિમાં આવેલ વક્તાઓ તથા ગ્રંથગોષ્ઠિની વિવિધ કલરફુલ તસવીરો સમગ્ર મધુસંચયનો પરિચય આપે છે. ગ્રંથગોષ્ઠિના વિષયોમાં જોઇએ તો, ટી.વી., કમ્પ્યુટર, ઈન્ટરનેટના જમાનામાં પુસ્તકનું મહત્વ, ‘અંધકારને આમંત્રણ' તથા ‘રાજસ્થાન કી રજતબુંદે' પુસ્તકનો પરિચય ‘સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજ' વિષય પર વાર્તાલાપ, ‘હાસ્યલેખક કોણ બની શકે ?' વિષય પર વાર્તાલાપ, લેખક જહોન સ્ટેઈનવેકના સાહિત્ય વિશે વાર્તાલાપ, કવિશ્રી રમેશ પારેખનું સન્માન, મહર્ષિ અરવિંદ કૃત ‘સાવિત્રી સંપર્ક' પુસ્તકનો પરિચય, ‘મહાભારતપર્વ' પુસ્તકની સમીક્ષા, ‘એકવીસમી સદીની ઉભરતી સંસ્કૃતિ' તથા ‘વિશ્વબજાર કે વિશ્વકુટુંબ' -પુસ્તકનો પરિચય, અમેરિકાનું પ્રવાસ-વર્ણન, ‘ભગવદ્દગોમંડળ' તથા તેમના દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની સમીક્ષા, ડો. રઘુવીર દવે લિખિત ‘સ્ટેથોસ્કોપ' પુસ્તકનો પરિચય, લોકસાહિત્યના પુસ્તકોની સમીક્ષા, સેવાધામના અમરધામ, ‘નાટયશાષા' વિષય પર વાર્તાલાપ, સાહિત્યકાર ઉમાશંકર જોશીનો પરિચય, ‘ભગવત્ ગુણભંડાર' પુસ્તકનો પરિચય, દૂરદર્શન અંગે માહિતી, સ્વરચિત કાવ્યો તથા અન્ય કાવ્યોનું પઠન, અંગ્રેજી સાહિત્યના કાવ્યોનું પઠન, શ્રુતિ સાહિત્યમાંસ્ત્રીઓનું સ્થાન, ગુજરાતી સાહિત્યમાંસ્ત્રી સર્જકો, આજની યુવતિઓ કેવું સાહિત્ય પસંદ કરે છે?, ભૂકંપગ્રસ્ત કચ્છ અને કચ્છી પ્રજાનું ખમીર પર વાર્તાલાપ, ‘૧૦૧ વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિકો' પુસ્તકનો પરિચય, રામચરિત માનસ વિશે વક્તવ્ય, ‘ગીતા અધ્યાય મહાત્મ્યની કથાઓ' વિશે ચર્ચા, ‘શ્રેષ્ઠ પ્રકાશક અવોર્ડ' બદલ સન્માન, ‘જિંદગીમાં ઊભા થયેલ પ્રશ્નો અને પડકાર'ની કાવ્યમય શૈલીમાં વાર્તાલાપ, જુદાજુદા લેખકોના લેખોનું વાંચન, ‘નરસિંહ, મીરાં, અખો અને દયારામની કવિતાઓમાં તત્વજ્ઞાન' વિષય પર વાર્તાલાપ, સૂફી વિશે સંવાદ, ‘સમાજમાં શિક્ષણનું મહત્વ' વિષય પર વાર્તાલાપ, સ્વ. અમૃત ઘાયલની ગઝલનો રસાસ્વાદ, ‘મા તે મા' પુસ્તિકાનું વિમોચન, ‘શિવશક્તિનો મહિમા' વિષય પર વાર્તાલાપ, ‘હૃદયથી હૃદય સુધી' કાવ્યસંગ્રહનું વિમોચન, ‘લાઈફટાઈમ એચીવમેન્ટ અવોર્ડ', ‘સુભદ્રાબહેન શ્રોફ અવોર્ડ', ‘શ્રેષ્ઠ શિક્ષક અવોર્ડ', ‘પરભવના પિતરાઈ' અને ‘કુંતી' નવલકથાનો પરિચય, ‘હાસ્ય વિના સુનો સંસાર' પુસ્તકનો પરિચય, ‘અદમ્ય આત્મબળ' પુસ્તકનું વિમોચન, ‘કાવ્યપઠન અને મોનો-એક્ટિંગ' વિષય પર વાર્તાલાપ, ‘મારી પ્રિય સ્કૂલ-બેગ' પુસ્તકનો પરિચય, ‘લોકસાહિત્યમાં સિંહકથાઓ' પુસ્તકનો પરિચય, ‘ક્રાંતિવીર કેસરીસિંહજી બારહટ' વિષય પર વાર્તાલાપ...... આ અને આવા કુલ ૩૦૦ વિષયોને આ દળદાર ગ્રંથમાં સમાવિષ્ટ કરાયા છે.
ગ્રંથગોષ્ઠિમાં ગુલાબભાઇ જાની, પ્રદ્યુમ્નભાઇ જોશીપુરા, કવિશ્રી રમેશ પારેખ, યાસીન દલાલ, રાજુલભાઇ દવે, ઉષાબેન જાની, ગીતાબેન ગીડા, ડો. મીહિરભાઇ જોશી, એસ.એસ.રાહી, ડો. રમેશભાઇ ભાયાણી, અરવિંદભાઇ મર્ચન્ટ, મહેન્દ્રભાઇ મેદ્યાણી, ડો.ભાનુપ્રસાદ પંડ્યા, મહેશભાઇ દેસાઇ, મનસુખભાઇ રીંડાણી, દિનકરભાઇ જોશી, રજનીકુમાર પંડ્યા, જયભાઇ વસાવડા, જયંતભાઇ પલાણ, મધુકાન્તભાઇ જોશી, પન્ના નાયક, નરેશભાઇ શાહ, નિરંજનભાઇ રાજયગુરૂ, હસમુખભાઇ રાવળ, ડો. શૈલેષભાઇ ટેવાણી, રાજેન્દ્રભાઇ શુક્લ, કૌશિકભાઇ મહેતા, ભદ્રાયુભાઇ વછરાજાની, સંજુભાઇ વાળા, ભરતભાઇ યાજ્ઞિક, ડો. રમેશભાઇ ભાયાણી, જયંતભાઇ પીઠડિયા, રતિલાલભાઇ બોરીસાગર, જવલંતભાઇ છાયા, શાંતિલાલભાઇ રાણીંગા, વિભાવરીબેન જાની, નટવર આહલપરા, ખ્યાતિબેન શાહ, રૂચિર પંડ્યા, ડો. નેહલબેન જોશી, ડો. ભાગ્યેશભાઇ જહા... સહિત અનેક તજજ્ઞો, રસજ્ઞો, નિષ્ણાત વક્તાઓ, સાહિત્યકારો, કટારલેખકો, કવિઓ, તબીબોએ ગ્રંથગોષ્ઠિમાં પોતાના અનુંભવનો નિચોડ વહાવ્યો છે.
આ ગ્રંથરૂપી પુસ્તકમાં પ્રસિધ્ધ થયેલ કેટલિક ગ્રંથગોષ્ઠિ પર નજર ફેરવીએ તો, ગ્રંથગોષ્ઠિ ૧૭૯ માં વક્તા પ્રદ્યુમ્નભાઇ જોશીપુરાએ સ્વલિખિત ‘હાસ્યના પ્રયોગો' પુસ્તકનો પરિચય કરાવતા જણાવ્યું છે કે, કોઈને સીધેસીધું સત્ય કહેવા જઈએ તો આપણે અળખામણા થવું પડે. સત્ય કહેવા જતાં સોક્રેટિસે ઝેર પીવું પડયું. જીસસને વધસ્થંભ પર ચડવું પડયું અને ગાંધીએ ગોળી ખાવી પડી. સત્ય કહેવા જતાં ખાવું-પીવું પડે છે તે જાણવા છતાં મારે સત્ય કહેવું છે અને જીવવું પણ છે. અને આ માટેનો એક માર્ગ હાસ્ય દ્વારા કટાક્ષ રજૂ કરવાનો છે. દેશ માટે મરવું જરૂરી છે તેમ જીવવા માટે હાસ્ય જરૂરી છે. આપણા સમાજમાં ‘મા'નું મહત્વ વિશેષ રહેલું છે. ‘મા'ને લગતાં કાવ્યો, વાર્તાઓ, નિબંધો વગેરે ખૂબ લખાય છે. ‘વહાલી મારી મા' વિશે ઘણા લેખકોએ લખ્યું છે, પરંતુ ‘વહાલા મારા બાપ' વિશે કોઈએ લખ્યું નથી. આથી મેં ‘પહેલી વાર બાપ બનતાં' આર્ટિકલ લખ્યો જે ખૂબ જ વખણાયેલો છે. ત્યારબાદ શ્રી જોશીપુરાસાહેબે આ હાસ્યનિબંધ દ્વારા ફલિત થતી વ્યક્તિગત, ભાવાત્મક, કૌટુમ્બિક અને સામાજિક ઘટનાઓને બૌદ્ધિક વિનોદ સાથે વણી લઈ રજૂ કરેલ વાતોને વણી લેવાઇ છે.
તો એજ રીતે, ગ્રંથગોષ્ઠિ નંબર ૮૧ જે તારીખ ૦૪-૦૮-૨૦૨૪ ના રોજ વક્તા શ્રી મનસુખભાઈ રીંડાણી એ રજુ કરેલ. તેઓએ જીમ સ્ટોવેલના ‘અલ્ટિમેટ ગિફ્ટ' પુસ્તકનો પરિચય આપેલ. મનસુખભાઈ રીંડાણીએ તેમના પ્રવચનમાં અંગ્રેજ લેખક શ્રી જીમ સ્ટોવેલના પુસ્તક ‘અલ્ટીમેટ ગિફટ'કે જેનું ભાષાંતર પોતે કરેલ છે તેનો રસાસ્વાદ કરાવતાં કહેલ કે આ જગતમાં ધનથી કોઈ સુખી થયું નથી. આજના યુવાનો પાસે માહિતી છે, પણ અનુભવ નથી. યોગ્ય સમજ અને પ્રેરણાના અભાવે તેઓ દિશાશૂન્ય થયા છે. યુવાનોએ વડીલો પાસેથી માર્ગદર્શન મેળવવું જોઈએ. મનસુખભાઈએ ધન અંગે બોલતાં જણાવ્યું કે ધન કરતાં પણ અમૂલ્ય તત્વો માનવજીવનમાં પડેલાં છે, તેના પર જે રાખ પડી ગઈ છે તેને દૂર કરવી જરૂરી છે. પોતે જે પુસ્તકનું ભાષાંતર કરેલ છે તે પુસ્તકના નાયક રેડ સ્ટીવન તેના ભત્રીજાને જિંદગીમાં ઉપયોગી થાય તેવાં સૂત્રો તેના વસિયતમાં આપે છે તેની વાત કરતાં મનસુખભાઈએ કહેલ કે જીવનમાં શ્રમ, સુખની વાસ્તવિકતાની સમજણ, મૈત્રી, જ્ઞાન, વિદ્યા, આવનારી સમસ્યાને પડકારવાની શક્તિ, પરિવાર અંગેની સમજણ, હાસ્યની આવશ્યક્તા અને અનિવાર્યતા, સ્વપ્નાની બક્ષિસ (સંકલ્પ-શક્તિ), સમાજસેવા કૃતજ્ઞતા, સમયનો સદુપયોગ અને પ્રેમ (વૈશ્વિક પ્રેમ) આ બધાં તત્વો ધનથી વધુ અગત્યના છે અને માનવીને ‘માનવ' બનાવનારાં છે. કાકા રેડ સ્ટીવનના ભત્રીજા જેસનને તેના વકીલ દ્વારા દર માસે એક સૂત્ર સમજાવવામાં આવતું હતું અને તેથી બાર માસના અંતે તેને સાચું ધન શું હોઈ શકે તેનો ખ્યાલ આવ્યો હતો અને ત્યારે જ તેને આત્મજ્ઞાન થયેલ કે તેનો શ્નમાનવઙ્ખતરીકેનો સાચો જન્મ થયો હતો. માનવીમાં દૈવી ગુણનો આવિર્ભાવ થાય ત્યારે જ તે ‘દ્વિજ' બને છે. ધન જરૂરી છે, પણ સર્વસ્વ નથી એ વાત પર તેણે વિશેષ ભાર મૂક્યો હતો. આ અને આવા અનેક વક્તાઓએ રજુ કરેલ ‘૩૦૦ ગ્રંથગોષ્ઠિ મધુસંચય' ખરેખર માણવા-જાણવા અને વસાવવા લાયક ગ્રંથ છે.

પુસ્તકનું નામ : ‘૩૦૦ ગ્રંથગોષ્ઠિ મધુસંચય’
સંપાદન : દીપકભાઇ જાશી
કાશક : સિસ્ટર નિવેદિતા પબ્લિકેશન
૩, બાલમુકુંદ પ્લોટ્સ, રાજકોટ - ૩૬૦૦૦૭
ફોન (૦૨૮૧) ૨૫૭૫૦૬૧
ઇમેલ : [email protected]
પૃષ્ઠ - ૬૪૪ ફોર કલર ફોટોગ્રાફ સાથે
થમ આવૃતિ : અોગસ્ટ ૨૦૨૪
નકલ : ૫૦૦ - કિંમત : રૂ. ૮૫૦
(3:07 PM IST)










