તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
‘હિટ એન્ડ રન': ટ્રેકટરના ચાલકે બાઇકને હડફેટે લેતા કિશોરભાઇ સોલંકીનું મોત
રૈયાધાર શાંતિનગર ગેઇટ પાસે બનાવઃ અકસ્માત સર્જી ચાલક ટ્રેકટર લઇ ભાગી ગયો

રાજકોટ, તા. રઃ રૈયાધાર શાંતિનગરના ગેઇટની સામે હીટ એન્ડ રનની ઘટનામાં ટ્રેકટરના ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક સવાર યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. અકસ્માત સર્જી ચાલક ટ્રેકટર લઇ ભાગી જતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ રૈયાધાર શાંતિનગરના ગેઇટની સામે મચ્છુનગર કવાર્ટરમાં બી-વીંગ કવાર્ટરમાં રહેતા કિશોરભાઇ રવજીભાઇ સોલંકી (ઉ.વ.૪પ) ગઇકાલે પોતાનું બાઇક લઇને જતા હતા ત્યારે મચ્છુનગર કવાર્ટર પાસે પહોંચતા અજાણ્યા ટ્રેકટરના ચાલકે પુરઝડપે આવી બાઇકને હડફેટે લેતા કિશોરભાઇ ફગોળાઇ જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા ચાલક ટ્રેકટર લઇને ભાગી ગયો હતો.
પુત્ર રેનીશ ત્યાંથી નિકળતા પિતાને ઇજાગ્રસ્ત હાલતમાં જોઇ તુરંતજ તેના કાકા દિનેશભાઇ સોલંકીને જાણ કરતા તે પરિવાર દોડી આવ્યા હતા અને કિશોરભાઇને તુરંતજ ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક બેભાઇ અને બે બહેનમાં બીજા નંબરના હતા.
બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ. એન. કે. પંડયા સહિતે સ્થળપર પહોંચી મૃતક કિશોરભાઇના મોટાભાઇ દિનેશભાઇ સોલંકીની ફરિયાદ પરથી અજાણ્યા ટ્રેકટરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
(2:20 PM IST)










