તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st May 2025
ધર્મનાથ જૈન ઉપાશ્રયની ઉદ્ઘાટન વિધીઃ નવ્ય સંકુલમાં પૂ. ધીરગુરૂદેવ પ્રથમ ચાર્તુમાસ પ્રદાન કરશેઃ પ્રવેશ સમારોહ
અમદાવાદમાં રર જુને ર૧ કરોડના ખર્ચે નવનિર્મિત : આ છ માળના સંકુલમાં વૈયાવચ્ય ગૃહ, ઉપાશ્રય, આયંબીલ ભવન, વિવિધલક્ષી હોલ, મેડીકલ સેન્ટર, જૈન સેન્ટર હોલ તથા અતિથી ભવનમાં ૯ રૂમનું અદ્યતન નિર્માણ

રાજકોટ, તા. ૩૧: શ્રી કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજ-અમદાવાદની સ્થાપના ર૦૧૦ માં ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગિરીશચંદ્રજી મ.સા.ની પ્રેરણાથી કરાયા બાદ તેઓશ્રીની ભાવનાનુસાર બિનસાંપ્રદાયિક ધર્મસ્થાનક બને તે માટે શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ. શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં તા. ૩૧-૩-ર૦૧૯ ના શિલારોપણ વિધિ (દિનેશ હોલ) પ્રસંગે માતબર અનુદાન પ્રાપ્ત થયા બાદ બોપલમાં આશરે ૯૭૦ વાર જમીન સંપાદન કરવામાં આવેલ. આ ૬ મંજિલા નિર્માણમાં સહુપ્રથમ વીણાબેન ભૂપતલાલ ખેતાણી ધર્મનાથ ઉપાશ્રયમાં માતબર દાન મનીષા દિનેશ ખેતાણી તરફથી ધોષિત થયા બાદ ધર્મ સંકુલ નામકરણમાં તા. ૮-૮-ર૧ ના લાભુબેન હિંમતલાલ કપાસી હ. વિનુભાઇ કપાસી (આફ્રિકા) તરફથી રાજકોટ ખાતે મોટી રકમ જાહેર કરાતા ઉમંગ છવાયો હતો.
ત્યારબાદ મેડીકલ સેન્ટર નામકરણમાં કુસુમબેન ન્યાલચંદ વોરા હ. જગદીશ વોરા તરફથી સંપુર્ણ સેન્ટરનો લાભ જાહેર કરાતા તા. પ-ર-ર૩ ના નામકરણ વિધિ સંપન્ન થયેલ. નવ્ય સંકુલમાં ગ્રાઉન્ડ ફલોરમાં વૈયાવચ્ય ગૃહ, પ્રથમ માળે ઉપાશ્રય, બીજા માળે આયંબિલ ભવન, ત્રીજા માળે વિવિધલક્ષી હોલ, ચોથા માળે મેડીકલ સેન્ટર, પાંચમાં માળે જૈન સેન્ટર હોલ, છટ્ટા માળે અતિથિ ભવનમાં ૯ એસી રૂમની સુવિધા છે.
આગામી રર જુનના રવિવારે કાઠિયાવાડ ભવનની ઉદ્ઘાટન વિધિ અને પૂ. શ્રી ધીરગુરૂદેવનો પ્રથમ ચાર્તુમાસ પ્રવેશ સમારોહ સવારે ૯ થી ૧ર કલાકે યોજાશે. આ પ્રસંગે ગોંડલ, બોટાદ, ગોપાલ, અજરામર વગેરે સંપ્રદાયના સાધુ-સાધ્વીજી બિરાજશે. અમદાવાદમાં આવું નવ્ય-દિવ્ય ધર્મસંકુલ નજરાણું બનવા પામ્યું છે. જે આંબલી-બોપલ ક્રોસ રોડ, વકીલ સાહેબ બ્રીજ પાસે, શિવાલિક સત્યમેવ પાછળ, અમદાવાદ ખાતે છે
(2:40 PM IST)










