News of Friday, 30th May 2025
ભારતમાં ર૭ % કેન્સર તમાકુ સબંધીત કેન્સર છે.: ડો. અદિતિ થાનકી
તા. ૩૧ મેઃ તમાકુ નિષેધ દિવસ

રાજકોટઃ ૩૧મી મેને વિશ્વભરમાં ‘‘તમાકુ નિષેધ દિવસ'' એટલે કે “NO TOBACCO DAY” તરીકે ઉજવાય છે જે નિમિતે તમાકુના સેવનથી થતી શારીરીક, માનસીક અને આર્થિક હાનિ વિશે ધ્યાન કેન્દ્રીત કરવું ખુબ આવશ્યક છે.
રાજકોટ કેન્સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ)ના નિષ્ણાંત ઓન્કોલોજીસ્ટ ડો.અદિતિ થાનકી એ તમાકુ નિષેધ દિવસ નિમીતે માહિતી આપતા જણાવેલ હતુ કે WHO (વર્લ્ડ હલ્થ ઓર્ગેનાઈઝેશન) ના તારણ મુજબ ભારતમાં તમાકુથી થતા રોગો અને મળત્યુ દેશના જી.ડી.પી.માં ૧ % નો ઘટાડો કરે છે.ભારત વિશ્વભરમાં તમાકુનુ ઉત્પાદન અને સેવન કરતો બીજા ક્રમનો દેશ છે. તમાકુનું કોઈપણ પ્રકારનુ સેવન જેમાં બીડી, સિગરેટ, ઈ સીગરેટ, માવા, પાન મસાલા, ગુટખા, બજર, હુકકા કે ચલમનો સમાવેશ થાય છે, તે જીવલેણ કેન્સરને નોતરી શકે છે. ભારતમાં ૨૭% કેન્સર તમાકુ સંબંધીત કેન્સર છે.જેમાં અગ્રેસર છે મો અને જડબાના તેમજ ફેફસાના કેન્સર, આ ઉપરાંત અન્નનળી, આંતરડા, જઠર, કિડની, પેશાબની થેલી, સ્વાદું પીડ અને અમુક પ્રકારના લોહીના કેન્સર પણ થઈ શકે છે.
વધુમાં તેઓએ જણાવેલ હતુ કે તમાકુના ધુમાડામા ૭૨ જેટલા કેન્સરજન્ય કે કેમિકલ્સ (CARCINOGENS) ઓળખાયા છે જયારે SMOKELESS TOBACCO જેમાં પાન મસાલા, ગુટખા, વગેરેનો સમાવેશ થાય છે, તેમાં ૨૭ જેટલા CARCINOGENS હોય છે જે કોષને જનીન સ્તરે હાનિ પહોંચાડી અનિયમિત રીતે વિભાજીત થતી કેન્સરની ગાંઠમાં પરિણમે છે.તમાકુનુ સેવન કરતી વ્યક્તિમાં ફેફસાના કેન્સરનુ જોખમ ૫ ગણું વધારે હોય છે. પણ આ સાથે ધુમ્રપાન કરતી વ્યક્તિના પરિવાર જનોમાં પણ આ ધુમાડો હાનિ કરે છે.જેને સેકન્ડ હેન્ડ સ્મોકીંગ અથવા પેસિવ સ્મોકિંગ કહેવાય છે. જેથી તેમનામાં કેન્સરનું જોખમ બમણુ થઈ જાય છે.
આ ઉપરાંત દર વર્ષે તમાકુના કારણે વિશ્વભરમાં ૮૦ લાખથી વધુ લોકોના મળત્યુ થાય છે. તેમાથી ૧૦ લાખથી વધુ લોકો ધુમ્રપાન ના કરતા હોવા છતા પેસિવ ધુમ્રપાનના શિકાર બને છે. યુવાનોમાં ઘુમ્રપાનની ટેવ ૧૮ વર્ષથી નાની વયે શરૂ થાય છે. જે દેશના યુવા ધનને બહોળી હાનિ પહોંચાડી શકે છે.
આથી આજ દિને હું અનુરોધ કરીશ કે સંકલ્પ કરો, તમાકુનુ સેવન બંધ કરો - સ્વસ્થ જીવન અને સમાજ તરફ પહેલું પગલુ ભરો
(3:49 PM IST)










