તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
રાજકોટના રીલાયન્સ મોલમાં બોમ્બઃ કયુઆરટી, બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ, એસઓજી, પોલીસ, ફાયરબ્રિગેડના ધાડેધાડા ઉતર્યા

આજે સવારે રીલાયન્સ મોલના પાર્કીંગમાં બોમ્બ પડયો હોવાની માહિતી મળતા પોલીસ અને બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ દ્વારા ત્વરીત એકશન લેવાયા ત્યારે સર્જાયેલા દ્રશ્યો નજરે પડે છે.(ફોટોઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા.૩૦: આજે સવારે ૧૦:૧૦ વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમ ઉપર ૧૫૦ ફુટ રીંગરોડ પર આવેલા રીલાયન્સ મોલના પાર્કીંગમાં બોમ્બ પડયો હોવાની જાણ કરાતા પોલીસ તંત્ર અને ફાયરબ્રિગેડમાં દોડધામ મચી જવા પામી હતી. મોલમાં સ્ટોર ધરાવતા માલીકો અને કર્મચારીઓમાં પણ શું બની રહયું છે તેવિચારી ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.
માહિતી મળતાની સાથે જ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ, કિવક રીસ્પોન્સ ટીમ, માલવીયાનગર પોલીસ કાફલો, ટ્રાફિક પોલીસ અને ફાયરબ્રિગેડ પોતપોતાના સ્ટાફ સાથે રીલાયન્સ મોલના પાર્કિંગમાં પહોંચી ગઇ હતી અને પાર્કિંગના ખુણેખુણામાં સર્ચ ઓપરેશન હાથધર્યું હતું. પાર્ક થયેલા વાહનોની ડેકી, વાહનમાલીકોના સામાનની છાનભીન કરવામાં આવી હતી. અંતે કંપાઉન્ડમાંથી એક શંકાસ્પદ બોકસ મળી આવ્યું હતું જેને બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડે ખાસ પ્રકારના યુનિફોર્મ પહેરી કબ્જે લીધુ હતું.
પરંતુ અંદરથી કાંઇ મળી આવ્યું ન હતું. સવારે ૧૦:૧૦ વાગ્યાથી ૧૦:૪૫ સુધી આ કવાયત હાથ ધરવામાં આવી હતી. અંતે બોમ્બની માહિતી સંદર્ભિત મોકડ્રીલ હોવાનું જાહેર કરાયું હતું.
ત્યારબાદ મોલમાં ફરજ બજાવતા સમગ્ર સ્ટાફને ‘ ફોલો ઇન' કરાવી ઉપસ્થિત એસીપી ચોૈધરી, એસઓજી પી.આઇ. સંજયસિંહ જાડેજા, માલવીયાનગર પી.આઇ. દેસાઇ અને ટ્રાફિક પી.આઇ. એમ.ડી. ગઢવી સહિતના અધિકારીઓએ બોમ્બ કે આગ જેવી ઘટનાઓ બને તો તેવી તકેદારી રાખવી જોઇએ? લોકોને કેવી રીતે ‘‘ઇવેકયુએટ' કરવા જોઇએ? સહિતના મુદે તલસ્પર્શી માહિતી અને સમજ આપવામાં આવી હતી.
શહેરની સલામતી માટે પોલીસ અને ફાયરબ્રિગેડનું તંત્ર કેટલું એલર્ટ છે તે તપાસવા અવાર-નવાર જુદા-જુદા સ્થળોએ આવી મોકડ્રીલ યોજાતી રહે છે.
(3:34 PM IST)










