<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

વોર્ડ નં. ૨ ના વિસ્‍તારોમાં વીજકરંટના બે ફીડરોએ ત્રણ દિવસ અંધારા સર્જી દેતા જામટાવર વીજ સબડીવીઝને મોટો હોબાળો

સુભાષનગર-નહેરૂનગર-રેસકોર્ષ વિસ્‍તારના લોકો સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સાથે રાત્રે ૧૨ાા વાગ્‍યે ધસી ગયા : રાત્રે ૩ સુધી મામલો ચાલ્‍યોઃ બે હાઇલેવલ ઇજનેર દોડી આવ્‍યાઃ હવે લાઇટના ધાંધીયા નહિ થાય તેવુ લેખીતમાં લેવાયું : આવો મામલો એમડી કેતન જોષી પાસે પહોંચ્‍યોઃ આજે ઇજનેરોની મીટીંગમાં તમામ બાબતો કલીયર કરાશેઃ ઇન્‍કમટેક્ષ -પોપટપરા ફીડરના ધાંધીયાથી હજારો લોકો પરેશાનઃ HTના જવાબદારોનો ખૂલાસો પૂછાશે

 

 રાજકોટઃ તા.૩૦: રાજકોટમાં ગરમીના સમયે લાઈટો જવાની સમસ્‍યા વધી છે અને તેના કારણે રાજકોટ મનપાના સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે PGVCLના અધિકારીઓનો ઉધડો લીધો હતો, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેનનો પણ ફોન ન ઉપાડતા અધિકારીને ઓફીસ રૂબરૂ જવું પડયુ હતુ, સ્‍થાનિકોનો આક્ષેપ છે કે ગરમીના સમયે વારંવાર લાઈટો જતી રહી છે.

જામટાવર ખાતે આવેલ PGVCL  ની  પ્રધુમનનગર સબ ડીવીઝન  ઓફિસમાં ચાર દિવસથી લાઈટ મામલે PGVCL ની કચેરીમાં કોઈ ફોન ન ઉપાડતા મામલો ગરમાયો હતો, જયમીન ઠાકરે અધિકારીઓને કહ્યું કે, વોર્ડ ૨માં હવે લાઇટ જશે તો અધિકારીના  ઘરની લાઈટો કાપશે તેવી ચિમકી આપી હતી, PGVCLના કર્મચારીઓ ઘરે હતા અને નેતાઓએ બધા અધિકારીને ઓફિસે બોલાવી ખખડાવી નાખ્‍યા હતા. રાજકોટના વોર્ડ ૨માં છેલ્લા ૪ દિવસથી સતત લાઈટ જતી રહે છે જેથી નેતા સ્‍થાનિકો સાથે કચેરીએ પહોંચ્‍યા હતા. વીજ તંત્ર સુપ્રિ ેઇજનેર શ્રી રાઠોડ,અધીક્ષક ઇજનેર શ્રી સરવૈયા  જામટાવર સબડીવીઝન પહોંચ્‍યા હતા અને લેખીતમાં માંગતા  અધિકારીએ લેખિતમાં લાઇટ નહીં જાય તેવી ખાતરી આપતા મામલો થાળે પડયો હતો,

PGVCL  ના કર્મચારીઓ લોકોના ફોન ન ઉપાડતા હોવાની અનેક ફરિયાદો મળે છે અને પીજીવીસીએલના અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટ ઉપર રહેલા લોકોએ કાલે હદ વટાવી નાખી હતી, તો બીજી તરફ અડધાથી વધુ રાજકોટમાં મધ્‍યરાત્રિએ લાઈટ ગુલ થઈ જવાથી અનેક ફરિયાદો મળી છે અને લોકોએ ફોન કર્યા હતા પણ પીજીવીસીએલના અધિકારીઓ આ મામલે મોૈન સેવ્‍યું હતું.

રાજકોટમાં પીજીવીસીએલના અધિકારીઓએ સામાન્‍ય લોકોના ફોન ઉઠાવવાનું બંધ કરવા સાથે પદાધિકારીઓના ફોન પણ ન ઉઠાવતા જેના કારણે લોકોમાં ભારે રોષ છે, હજારો લોકો ભીષણ ગરમીના સમયમાં લાઈટ વગર હેરાન પરેશાન થઈ ગયા છે અને વારંવાર આજ પ્રકારે લાઈટ ગુલ થઈ જાય એટલે ફોન પણ ઉપાડવા માં ન આવતા હોવાની વ્‍યાપક ફરિયાદો ઉઠી રહી છે.

દરમિયાન આ બાબતે વીજતંત્રના અધિકારીઓનો સંપર્ક કરતા, તેમણે જણાવેલ કે સુભાષનગર, નહેરૂનગર, જયમીન ઠાકર જયા રહે છે તે વિસ્‍તાર રેસકોર્ષનો અમૂક ભાગમાં  ઇન્‍કમટેક્ષ ફીડરમાંથી પાવર આવે છે, તેમાં બે દિવસથી ધાંધીયા હતા. આથી HT  ના અધિકારીઓએ ફીડર બદલી પોપટપરા ફીડરમાંથી પાવર આપ્‍યો હતો, પરંતુ તેમાં પણ કાલે ફોલ્‍ટ સર્જાતા અને ત્રણ દિવસ થી ઉપરોકત વિસ્‍તારના લોકો લાઇટ વગર હેરાન થતા હોય કોર્પોરેશન સ્‍ટેન્‍ડીંગ ચેરમેન જયમીન ઠાકર પાસે દોડી ગયા હતા, અને બાદમાં જયમીન ઠાકર સાથે રાત્રે ૧૨ાા લાગ્‍યે જામટાવર વીજ કચેરીએ પહોંચ્‍યા હતા.

અને ડે ઇજનેર શ્રી ભટ્ટ તથા અન્‍યોને હાઇલેવલ અધિકારીઓને રૂબરૂ બોલાવી જયમીન ઠાકરે બરોબર ઉધાડો લીધો હતો. રાત્રે ૩ વાગ્‍યા સુધી મોટો હોબાળો જામ્‍યો હતો. અધિકારીઓએ હવે લાઇટ ગૂલ નહિ થાય તેવી લેખીતમાં ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો.

દરમિયાન આ આખો મામલો પીજીવીસીએલના એમડી શ્રી કેતન જોષી પાસે પહોંચ્‍યો છે, તેમણે આજે તમામ એસી-ઇજનેરોની મીટીંગ બોલાવી છે. જેમાં આ બાબતે તમામ બાબતો કલીયર થશે, દરમિયાન જામટાવર વીજ સબ ડિવીઝને જઇ હોબાળો થયો જે વીડીયો ફરતો થયો તે અંગે ભારે ટીકા થઇ રહી છે. હાલ જવાબ દારો જામટાવર વીજ સબડિવિઝન કોઇ ફોલ્‍ટમાં નહી હોવાનું કહી રહયા છે. (૩.૧૬)

(3:08 PM IST)