તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
ભુપેન્દ્ર રોડ પર સપ્તાહમાં ભીડનો લાભ લઇ બે મહિલાનો ચેઇન અને મંગલસૂત્ર ચોરનાર મહિલા સહિત ચાર ઝડપાયા
એ-ડીવીઝન પોલીસના હેડ કોન્સ. કલ્પેશભાઇ બોરીચા અને મહેશભાઇ ચાવડાની બાતમીઃ મહેમદાબાદનો કમલેશ વાઘેલા, મંજુ બજાણીયા, લક્ષ્મી ઉર્ફે ભોટી ઠાકોર અને ખેડાના એરંજગામની ચકુ રાવળને પેલેસ રોડ પરથી દબોચ્યા

રાજકોટ તા. ૩૦: ભુપેન્દ્ર રોડ પર સ્વામીનારાયણ મંદિરમાં સપ્તાહમાં ભીડનો લાભ લઇ બે મહિલાના સોનાનો ચેઇન અને મંગલ સૂત્રની ચોરી કરનાર મહેમદાબાદ અને ખેડાના એરંજગામની ત્રણ મહિલાઓ સહિત ચાર શખ્સોને એ-ડીવીઝન પોલીસે પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ મોરબી રોડ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા શિક્ષક મહેશભાઇ પાંચાભાઇ ડોલર (ઉ.વ.ર૪)ના કૌટુંબીક બહેન મનીષાબેન અને તેના સાસરીયાઓ સુરત રહે છે બહેન અને તેના સાસરીયાઓ ભુપેન્દ્ર રોડ પર સ્વામીનારાયણ મુખ્ય મંદિર બોરડીવાળુમાં આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહમાં ગયા હતા. કથાનો પાંચમો દિવસ હોઇ કથા પૂર્ણ થયા બાદ પ્રસાદી લેવા માટે મંદિરના પટાંગણમાં ભીડ હતી. ભીડ ઓછી થતા તેને જાણવા મળ્યું હતું કે, કથામાં સુરતથી આવેલા તેની મોટા બાપુની પુત્રી મનીષાબેનના સાસુ હેમીબેન નકુમ કથા વકતાની કાર પાસે ગયા હતા ત્યારે ભીડનો લાભ લઇ અજાણ્યો શખ્સ તેના ગળામાંથી સોનાનો ચેઇન ચોરી ગયો હોવાનું જાણવા મળતા એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં આરોપીઓને પકડી પાડવા માટે પી.આઇ. આર. જી. બારોટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.ે એમ. રાણા સહિતના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન ચેઇનની ચોરી કરનાર શખ્સો ભુપેન્દ્ર રોડ પર આવ્યા હોવાની હેડ કોન્સ. કલ્પેશભાઇ બોરીચા અને મહેશભાઇ ચાવડાને બાતમી મળતા સ્ટાફ સાથે પેલેસ રોડ પર પહોંચી મહેમદાબાદ રેલવે સ્ટેશન ઝુપડામાં રહેતો કમલેશ ગોવિંદભાઇ વાઘેલા (ઉ.વ. ર૬), જુની કાગળની ફેકટ્રીની બાજુમાં ઝુપડામાં રહેતી મંજુર વિનુભાઇ બજાણીયા (ઉ.વ.૪૯), લક્ષ્મી ઉર્ફે ભોટી અજીતભાઇ ઠાકોર (ઉ.વ.૩૮) અને ખેડાના એરંજ ગામની ચકુ સનજભાઇ રાવળ (ઉ.વ.ર૯) ને પકડી લઇ રૂા. ૩.૩૯ લાખની કિંમતનો ચોરાઉ સોનાનો ચેઇન અને મંગલસૂત્ર કબ્જે કર્યા હતા. પોલીસે ચારેયની પૂછપરછ કરતા કમલેશ આ ત્રણેયને વાહનમાં ભીડભાડવાળી જગ્યાએ મુકી અને તેડી જતો હતો અને લક્ષ્મી ઉર્ફે ભોટી ભીડનો લાભ લઇ ચેઇનની ચોરી કરતી હતી અને મંજુ તથા ચકુ તેની સાથે રહેતી હતી ત્રણેય મહિલાઓએ બે અલગ-અલગ મહિલાની નજર ચૂકવી ચેઇન અને મંગલ સૂત્રની ચોરી કર્યાની કબુલાત આપી હતી. કમલેશ સામે અગાઉ મહેમદાવાદમાં હત્યા તથા મંજુર દારૂના બે ગુનામાં અને લક્ષ્મી ઉર્ફે ભોટી સામે અગાઉ પાંચ ચિલઝડપના ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
આ કામગીરી પી.આઇ. આર. જી. બારોટ તથા પી.એસ.આઇ. એસ. એમ. રાણા, એ.એસ.આઇ. બી. વી. ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડ કોન્સ. કલ્પેશભાઇ બોરીચા, સાગરભાઇ માવદીયા, મહેશભાઇ ચાવડા, કોન્સ. યોગેશભાઇ મકવાણા, ધર્મેશભાઇ ખાંડેખા, તેજશભાઇ ડેર દ્વારા કરવામાં આવી હતી.
(3:42 PM IST)










