News of Friday, 30th May 2025
લોધીકાના દેવડા ગામ પાસે ‘હિટ એન્ડ રન' ક્રેઇન ચાલકે હડફેટે લેતા નૌસીનખાતુનનું મોત
બંગાળની યુવતીએ રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દમ તોડયોઃ દોઢ મહિના પહેલા દેવડા ગામે આવી'તાઃ પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૩૦ : લોધીકાના દેવડા ગામ પાસે ‘હીટ એન્ડ રન' માં અજાણી ક્રેઇનના ચાલકે યુવતીને હડફેટે લેતા તેનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ મૂળ વેસ્ટ બંગાળ હાલ લોધીકાના દેવડા ગામ પાસે આવેલા ધ એમરલેન્ડ કલબમાં રહેતી અને નોકરી કરતી નૌસીનખાતુન મહંમદ મોતાઅલી (ઉ.ર૦) નામની યુવતી ગઇકાલે દેવડા ગામ પાસે ચાલીને જતી હતી ત્યારે અજાણ્યા ક્રેઇનના ચાલકે હડફેટે લેતા યુવતીને ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ બનતા ચાલક ક્રેઇન લઇ નાસી ગયો હતો. આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. બાદ યુવતીને સારવાર માટે રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતા મેટોડા પોલીસના એએસઆઇ ભૂમિબેન વ્યાસ સહિતે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. મૃતક દોઢ મહિના પહેલા ધ એમલેન્ડ કલબમાં કામે લાગી હતી. અને તે સાત ભાઇ-બહેનમાં પાંચમાં નંબરની હતી. પોલીસે કલબના મેનેજરની ફરીયાદ પરથી અકસ્માત સર્જનાર ક્રેઇન ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે
(3:56 PM IST)










