<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

રાજકોટના તનિષ્ક જ્વેલર્સમાં ₹૧૭ લાખની છેતરપિંડી : સ્ટોર મેનેજર નિલેશ પ્રવીણ ધધડા સામે ફરિયાદ!

ગ્રાહકના નાણાં અને ઘરેણાં ઓળવી જઈ બારોબાર વેચી નાખ્યાનો આરોપ : તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

રાજકોટ, ૨૮ મે, ૨૦૨૫: રાજકોટમાં એક જ્વેલરી શો-રૂમમાં લાખો રૂપિયાની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. લક્ષ્મીવાડી શેરી નં-૨૦, મીલપરા મેઇન રોડ પર રહેતા ચેતનભાઈ રાજેશભાઈ જાદવે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નિલેશ પ્રવીણ ધધડા નામના સ્ટોર મેનેજર વિરુદ્ધ ₹૧૭ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના?
ફરિયાદી ચેતનભાઈ જાદવે પોલીસને જણાવ્યું કે, તેઓ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાસે આવેલા તનિષ્ક જ્વેલર્સમાં લાયઝનિંગ ઓફિસર તરીકે નોકરી કરે છે. આ શો-રૂમની ફોર્ચ્યુન હોટલ પાસે આવેલી શાખામાં નિલેશ પ્રવીણ ધધડાની સ્ટોર મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જેની બદલી તનિષ્ક જ્વેલર્સ, ગાંધીધામથી થઈ હતી. રાજકોટ શાખામાં સ્ટોર મેનેજર તરીકે નિલેશ શો-રૂમમાં ખરીદ-વેચાણ અને તમામ નાણાકીય વ્યવહારોની જવાબદારી સંભાળતો હતો.
તાજેતરમાં, તારીખ ૪ ના રોજ, જૂના ગ્રાહક મિલન જીતેન્દ્રભાઈ પોટા શો-રૂમ પર આવ્યા હતા. તેમણે ફરિયાદ કરી કે, તેમણે તારીખ ૧૦/૦૧/૨૦૨૫ ના રોજ ₹૩ લાખ ઓનલાઇન મારફતે અને તારીખ ૧૯/૦૩ ના રોજ ₹૧૪ લાખ ના સોના અને ડાયમંડની રીંગ મળી, કુલ ₹૧૭ લાખ સ્ટોર મેનેજર નિલેશ ધધડાને આપ્યા હતા, જે તનિષ્ક જ્વેલર્સના ખાતામાં જમા કરાવવાના હતા.
મિલનભાઈ પોટાએ નિલેશને જણાવ્યું હતું કે, આ ₹૧૭ લાખમાંથી અલગ અલગ સોનાના ઘરેણાં લેવાના છે. જોકે, નિલેશે ગ્રાહક મિલન પોટા પાસેથી મેળવેલી ઓનલાઇન રકમ અને ઘરેણાંના બદલામાં ગ્રાહકને આપવાના થતા ₹૧૭ લાખના અલગ અલગ ઘરેણાં પોતાના પાસે રાખી, ઓળવી જઈને બારોબાર વેચી નાખ્યા હતા. આ ઘરેણાં ગ્રાહક મિલનભાઈ પોટાને આપવામાં આવ્યા ન હોવાનું તેમજ તનિષ્ક શો-રૂમમાં પણ જમા કરાવવામાં આવ્યા ન હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ કાર્યવાહી
આ સમગ્ર મામલે ચેતનભાઈ જાદવે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. નિલેશે તનિષ્ક જ્વેલર્સના ગ્રાહકને આપવાના થતા ઘરેણાં ન આપીને પોતે ઓળવી જતાં આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે તાલુકા પોલીસે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધીને PSI સરવૈયા અને તેમની ટીમે આરોપી નિલેશ પ્રવીણ ધધડાની શોધખોળ શરૂ કરી છે.

 

(12:17 PM IST)