<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

આજીડેમમાં નર્મદા નીરનું આગમનઃ રાજકોટવાસીઓ પાણીની ચિંતા છોડે

જુલાઇ માસ સુધીનું પાણી મંગાયુઃ વરસાદ વહેલો આવશે તો નર્મદાનું પાણી બંધ કરાશેઃ ડીઆઇ પાઇપલાઇન નખાયા પછી પુરા ફોર્સથી પાણી મળતું થશે

રાજકોટ તા. ૨૬: રાજકોટ શહેરને પીવાનું પાણી પુરુ પાડતા મુખ્‍ય બે જળાશયો આજી-૧ અને ન્‍યારી-૧ ડેમમાં તળીયા દેખાતી વોટરવર્કસ વિભાગ દ્વારા સરકાર પાસે સૌની યોજના અંતર્ગત નર્મદાનીરની માંગણી કરવામાં આવેલ જે ગઈકાલે પમ્‍પીંગ શરૂ થતાં પ્રથમ આજીડેમમાં નર્મદાનીર ઠલવવાનું શરૂ કરવામાં આવ્‍યું છે. હાલ ૨૫૦ એમસીએફટી પાણી માંગવામાં આવ્‍યું છે. પરંતુ વહેલો વરસાદ થશે અને ડેમમાં નોંધપાત્ર પાણીની આવક ચાલુ થશે તો નર્મદનીર બંધ કરવામાં આવશે.

તેવી જ રીતે આગામી દિવસોમાં ન્‍યારી-૧ ડેમમાં પણ નર્મદાનીર ઠલવવામાં આવશે. તેમ વોટરવર્કસ વિભાગે જણાવ્‍યું હતું. તેમજ ડીઆઈ પાઈપલાઈનની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ પુરા રાજકોટમાં ફોર્સથી પાણી મળશે તેમ વોટરવર્કસ વિભાગે જણાવ્‍યું હતું.

મહાનગરપાલિકા દ્વારા રાજ્‍યના સિંચાઇ વિભાગને ફરી પત્ર લખીને મે માસના અંતમાં આજીડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનીર ઠલવવાની માગણી કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ રાજ્‍યના સિંચાઇ વિભાગને લખેલા પત્રમાં જણાવાયા મુજબ હાલમાં આજીડેમમાં ૨૩.૨૯ ફૂટ (૫૬૭ એમસીએફટી) પાણીનો જથ્‍થો છે. રાજકોટના ૧૮ વોર્ડના વિસ્‍તારોમાં દરરોજ ૨૦ મિનિટ પાણી વિતરણ કરાતું હોય આ જળજથ્‍થો જૂન મહિનાની ૧૫ તારીખ સુધી ચાલે તેમ છે. આવા સંજોગોમાં જો સૌની યોજના હેઠળ નર્મદાના નીર ન મળે તો રાજકોટમાં નિયમિત ૨૦ મિનિટ પાણી વિતરણની વ્‍યવસ્‍થા ખોરવાઇ જાય તેમ છે.

આથી જૂન મહિના પહેલા મે મહિનાના અંતમાં આજીડમમાં અગાઉ નિયત કરાયેલા જથ્‍થા મુજબ જૂલાઇ માસના અંત સુધી ચાલે તેટલો નર્મદાનીરનો જથ્‍થો આપવાની રજુઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત આજથી નર્મદાનીર ઠલવવાનું શરૂ કરવામાં આવ્‍યું છે.

મનપા દ્વારા આજી ડેમ માટે અગાઉ ૧૮૦૦ એમસીએફટી અને ન્‍યારી-૧ માટે ૭૭૨ એમસીએટી નર્મદાનીરની માગણી કરી હતી. આમાંથી તબક્કાવાર ૮૩૬ એમસીએફટી નર્મદાનીર આજીડેમમાં ઠલવાયું છે. જૂલાઇ માસ સુધી પાણીની તકલીફ ન પડે તે માટે ૫૦૦ એમસીએફટી નર્મદાનીરનું મે માસના અંત સુધીમાં આપવાની વિતરણ કરી દેવા માટે મહાનગરપાલિકાએ સિંચાઇ વિભાગને પત્ર લખીને રજુઆત કરી હતી.

બીજી તરફ ન્‍યારી-૧ ડેમમાં હાલમાં ૧૯ ફૂટ ( ૭૧૫ એમસીએફટી) જળજથ્‍થો છે. આ પાણી ૩૧ જૂલાઇ સુધી ચાલે તેમ છે ત્‍યારે સિંચાઇ વિભાગ દ્વારા આજીડેમમાં પ્રથમ ૨૫૦ એમસીએફટી પાણી ઠલવવાનું શરૂ કરવામાં આવ્‍યું છે. ત્‍યાર બાદ ન્‍યારી ડેમમાં પણ નર્મદાનીર ઠલવાશે તેમ જણાવ્‍યું છે

(3:53 PM IST)