તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
ત્રણ અલગ કથાઓના સમન્વયરૂપ ગુજરાતી ફિલ્મ ‘કાઠીયાવાડી ટેલ્સ' : શુક્રવારથી સીનેમાઘરોમાં રીલીઝ
એક ગીત રાજકોટ દર્શન ઉપર ફિલ્માવાયુ છે : આ ફિલ્મ કઇક અલગ જ અહેસાસ કરાવે છે - વિરાજ પાટડીયા

રાજકોટ તા. ૨૬ : ત્રણ અલગ અલગ કથાઓને જોડીને સંસ્કૃતિને ઉજાગર કરતી બનેલ ગુજરાતી ‘કાઠીયાવાડી ટેલ્સ' આગામી તા. ૩૦ ના શુક્રવારથી સીનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફિલ્મમાં વિલનના પાત્રને ન્યાય આપતા વિરાજ પાટડીયાએ જણાવ્યુ હતુ કે આ ફિલ્મમાં આર.જે. આકાશ, દિશા માનવાણી મુખ્ય રોલમાં છે. ઉપરાંત ગૌતમ દવે, ઝંખના ભટ્ટ, વિશ્વજીત જાડેજા, ભાવિન જેઠવા, મહેશ કોટેચા, મીત કોટેચા, દીપશા પટેલ, અધ્વેત અંતાણી, નિશા પૌન સહીતના કલાકારોએ અભિનય આપ્યો છે.
પ્રથમ કથા પાર્થ અને ધારાની છે. આ બન્ને પોતાના પ્રેમ માટે સમાજના બંધનો તોડે છે. જેનો વિરોધ ભાઇ વિરાજ કરે છે. બીજી કથા મેરી નામની એક એનઆરઆઇ યુવતીની છે. જે વિદેશથી પોતાના પિતાની શોધમાં કાઠીયાવાડ આવે છે. જયાં તેને શ્યામ નામના રીક્ષાવાળા સાથે મુલાકાત થાય છે. ત્રીજી કથા અભિમન્યુ નામના બિઝનેસ ટાઇકુનના દીકરાની છે. જે પોતાના બિઝનેસ કરતા ચિત્રકાર બનવાના સ્વપ્નમાં રાચે છે.
આ ત્રણેય વાર્તાઓના મુળને કાઠીયાવાડ સાથે જોડવામાં આવ્યા છે. આ ફિલ્મમાં ચાર જેટલા ગીતો છે. એક ગીત આખુ રાજકોટ ઉપર ફિલ્માવાયુ છે. આ ગીતમાં આખા રાજકોટના દર્શન કરાવવા ખુબ સરસ પ્રયાસ થયો છે.
મોટાભાગનું શુટીંગ પોરબંદરના મોડપર અને રાજકોટમાં થયુ છે. ફિલ્મના દિગ્દર્શક અભિષેક મનોજભાઇ પંડયા અને પ્રોડયુસર રેખાબેન તથા કોમલબેન મંગરોળીયા છે. રીસેટ એન્ટરટેનમેન્ટ દ્વારા ફિલ્મનું પ્રોડકશન કરાયુ છે.
ફિલ્મનું કોશ્ચ્યુમ મેનેજમેન્ટ ખુશી ગોસ્વામી દ્વારા જાનવી ગોસ્વામીના સહકારથી કરાયુ છે. જયારે નૃત્ય નિર્દેશન કુલદિપસિંહ રાજપુતે કર્યુ છે. માર્કેટીંગ અને પબ્લીસીટી હેમાંગ મહેતા તેમજ મેકઅપ હિમાંશુ પદલીયા અને તેમની ટીમે સંભાળ્યુ છે.
મુળ ચરાડવાના વતની અને દાદાના પગલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પગ કરનાર વિરાજ વિજયભાઇ પાટડીયાએ જણાવ્યુ હતુ કે હું ૧૨ વર્ષથી ફિલ્મ ક્ષેત્રે ખેડાણ કરૂ છુ. ‘છેલ્લી ચા' સહીત ચાર વેબસીરીઝ અને ‘હાઉ થઇ ગયો યાર', ‘આવ તરૂં કરી નાખું', ‘વાટ લાગી ગઇ' જેવી ફિલ્મોમાં નાના મોટા રોલ કરેલ છે. આ રીલીઝ થવા જઇ રહેલ ફિલ્મ ‘કાઠીયાવાડી ટેલ્સ'માં મારા ભાગે વિલનનો રોલ આવ્યો છે. જેને સંપૂર્ણ ન્યાય આપવા મેં પ્રયાસ કર્યો છે. પુરી ફિલ્મ ખુબ સારી બની છે. દર્શકો જરૂર વધાવી લેશે તેવો આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વિરાજ પાટડીયા અને તેમની ડાબી બાજુ રાઇટર ધવલરાજ ગોહેલ ડીરોકસ અને જમણી બાજુ સેંજલ મહેતા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:36 PM IST)










