તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
લગ્નના બે મહિના બાદ ખ્યાતીબેનને ત્રાસ શરૂ થયોઃ પતિએ કહયું ‘તારો ફાકો ઉતારી નાખીશ'
લક્ષ્મીનગરમાં પીયરે આવેલી મહિલાની મોરબી રોડ પર રહેતા પતિ, સાસુ, સસરા અને નણંદ વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટ, તા.૨૪: મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસે રાજ રેસીડેન્સીમાં સાસરીયુ ધરાવતી મહિલાને પતિ, સાસુ, સસરા અને નણંદ નાની નાની વાતમાં ઝઘડો કરી, ‘સવારમાં ખાલી ચા જ પીવાની અને બપોરે બે જ રોટલી ખાવાની' મેણાટોણા મારી ત્રાસ આપતા મહિલા પોલીસમાં ફરિયાદ થઈ છે.
મળતી વિગત મુજબ લક્ષ્મીનગર મેઈન રોડ પર માવતરના ઘરે રહેતા ખ્યાતીબેન પાર્થભાઈ લીંબાસીયા (ઉ.વ.૩૨) એ મહિલા પોલીસ મથકમાં મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસે રાજ રેસીડેન્સી શેરી નં.૨ માં રહેતા પતિ પાર્થ દેવરાજભાઈ લીંબાસીયા, સસરા દેવરાજભાઈ ભનુભાઈ લીંબાસીયા, સાસુ ગીતાબેન લીંબાસીયા અને નણંદ વિરાલી ભાવીનભાઈ ઠુમ્મર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે ખ્યાતીબેને.
ફરિયાદમાં જણાવ્યુ છે કે મારા ચાર વર્ષ પહેલા મોરબી રોડ પર રાજ રેસીડેન્સી શેરીનં.૨ મકાનનંબર-૭માં રહેતા પાર્થ લીંબાસીયા સાથે લગ્ન થયા હતા. મારા પતિના આ બીજા લગ્ન છે. લગ્નબાદ હું પતિ, સાસુ, સસરા સાથે સંયુકત પરિવારમાં રહેતા હતા અને લગ્ન બાદ મને બે મહિના સારી રીતે રાખ્યા બાદ સાસુ-સસરા ઘરની નાની નાની બાબતમાં ઝઘડો કરી મેણાટોણા મારી શારીરિક માનસીક ત્રાસ આપવાનું શરૂ કરેલ અને નણંદ અવારનવાર મારા ઘરે રોકાવા આવે, ત્યારે કહેતી કે, મારા મમ્મી-પપ્પા તમને જેમ કહે તેમ કરવાનું છે અને સાસુ-સસરાને મારા વિરૂધ્ધ ચઢામણી કરતા તે બંને મારી સાથે ઝઘડો કરતા હતા અને સાસુ કહેતા કે, ‘સવારમાં ખાલી ચા જ પીવાની અને બપોરે બે જ રોટલી ખાવાની' તેમ કહી મને માનસીક ટોર્ચર કરતા આ વાત પતિને કરતા તે મારો સાથ આપવાને બદલે મારી સાથે ઝઘડો કરતો હતો. તેમજ મને આડોશી-પાડોશી સાથે તેમજ લગ્નપ્રસંગમાં દેરાની-જેઠાણી કે કુટુંબના વડીલો સાથે વાતચીત કરવાની ના પાડતા હતા. આઠેક મહિના પહેલા નણંદ અમારા ઘરે રોકાવા આવ્યા ત્યારે તેણે નજીવી બાબતે મારી સાથે ઝઘડો કરતા.
આ વાત મેં પતિ, સાસુ-સસરાને કરતા મને કહેલ કે ‘વિરાલી કહે તેમજ કરવાનું છે અને તે કહે તેમજ થશે તને પોસાય તો અહી રહે' કહી ઝઘડો કર્યો હતો. અને પતિ એ કહેલ કે ‘તારો ફાકો એકવાર ઉતારીશ' કહેતા હું મારા પીયરમાં જતી રહી હતી અને સમાધાનના પ્રયાસો કરવા છતા મને તેડવા ન આવતા હું બે મહિના બાદ હું જાતે જ મારા સાસરીયામાં જતી રહી હતી. ત્યારે પણ પતિ-સાસરીયાઓના વર્તનમાં કોઈ ફેર પડયો નહીં અને પહેલાની જેમ શારીરિક માનસીક ત્રાસ આપવા લાગ્યા હતા. દસેક દિવસ પહેલા મારા માતાની તબીયત સારી ન હોઈ ત્યારે મારા પિતા મને તેડવા આવ્યા હતા અને સાસુ-સસરાને કહેલ કે હું બે દિવસ બાદ ખ્યાતીને મુકી જઈશ. તેમ કહી મને પીયરમાં તેડી ગયા હતા બાદ મને કોઈ તેડવા ન આવતા મેં પતિ તથા સાસરિયાઓ વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી છતા સમાધાન ન થતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એમ.એસ. ત્રીવેદીએ તપાસ હાથધરી છે
(3:04 PM IST)










