તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
બાલાજી હોલ પાછળ રામ પાર્કમાં ૨૪ વર્ષિય યુવતિનો આપઘાતઃ લવમેરેજ બાદ છુટાછેડા થઇ ગયા હતાં
સાંજે મોડે સુધી ઉપરના રૂમમાંથી નીચે ન આવીઃ તપાસ થતાં લટકતી હાલતમાં મળી

રાજકોટ તા. ૨૪: શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાછળ રામ પાર્ક-૬માં રહેતી ફેનાબેન નરોત્તમભાઇ વાછાણી (ઉ.વ.૨૪) નામની યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
ફેનાબેન સાંજે ઉપરના માળે પોતાના રૂમમાં ગયા બાદ રાતે નવ સુધી નીચે ન આવતાં પરિવારજનોએ તપાસ કરતાં તેણીએ કપડુ બાંધી ગળાફાંસો ખાઇ લીધાનું જણાતાં કલ્પાંત સર્જાયો હતો. ૧૦૮ના ડો. રોશનીબેન ચાવડાએ તેણીને મૃત જાહેર કરતાં પીસીબીઆર ઇન્ચાર્જ કલ્પેશભાઇ શેખએ તાલુકા પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ એમ. સી. પારગી, કિરીટભાઇ રામાવત, જયસુખભાઇ વાઘેલા, રઝાકભાઇ દલ સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ફેનાબેન તેના માતા-પિતાના એકના એક દિકરી હતાં. તેણીના પિતા નમકીનની કંપનીનું ટ્રેડીંગ કરે છે. ફેનાબેને ગત જાન્યુઆરીમાં કોલેજ ફ્રેન્ડ સાથે લવમેરેજ કર્યા હતાં. જો કે એપ્રિલ મહિનામાં જ છુટાછેડા થઇ ગયા બાદ તેણી ડિપ્રેશનમાં રહેતી હતી. તેણીના માતાની તબિયત પણ બરાબર રહેતી નહોતી. આ કારણોસર કદાચ પગલુ ભર્યાની શક્યતા છે. અંતિમવિધી બાદ પોલીસ પરિવારજનોના વિશેષ નિવેદન નોંધશે.
(3:44 PM IST)










