<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

ટ્રેનમાંથી ફેંકાઇ જતાં રાજકોટ જીવરાજ પાર્કના ૧૯ વર્ષના તરંગ હદવાણીનું મોતઃ એકનો એક પુત્ર હતો

એક અધુરી અને આઘાત-ગમગીની આપી જનારી સફરઃ છ મિત્રો ગુરૂવારે હરિદ્વાર-મસુરીની સફરે નીકળ્‍યાઃ શુક્રવારે સવારે રાજસ્‍થાન નજીક બની કરૂણ ઘટનાઃ સફરની મજા શોકમાં પલ્‍ટાઇ ગઇ :આત્‍મીય કોલેજમાં બીસીએ થર્ડ યરમાં ભણતો તરંગ રાજસ્‍થાન નજીક અલવરથી આગળ ટ્રેનમાં દરવાજે ઉભો હતો ત્‍યારે ફંગોળાઇ જતાં ઘટના સ્‍થળે જ મોતઃ ઘટના વખતે મિત્રો સુતા હોઇ તરંગના મમ્‍મીનો ફોન આવતાં તરંગ ટ્રેનમાં ન દેખાતાં ઘટનાની જાણ થઇઃ પરિવારજનો, જીવરાજ પાર્કમાં ગમગીની : દિકરો ક્‍યાં પહોંચ્‍યો એ જાણવા સવારે ૯ વાગ્‍યે મમ્‍મીએ ફોન જોડયો ત્‍યારે ફોન દિકરાને બદલે તેના મિત્રએ રિસીવ કર્યોઃ તરંગ ટ્રેનમાં જ ક્‍યાંક હશે તેમ સમજી શોધખોળ કરી પણ પત્તો ન મળતાં આગલા સ્‍ટેશને મિત્રોએ ઉતરી રેલ્‍વે પોલીસને જાણ કરતાં બપોરે સાડા બારે મૃતદેહ મળ્‍યો

તરંગ રાજેશભાઇ હદવાણી (ઉ.વ.૧૯)

રાજકોટ તા. ૨૪: માનવીની જિંદગીની સફરનો અંત ક્‍યારે ક્‍યાં  અને કેવી રીતે આવી જાય તેની ખબર રહેતી નથી. રાજકોટના જીવરાજ પાર્કના ૧૯ વર્ષના યુવાન સાથે આવુ જ બની ગયું છે. પોતાના પાંચ મિત્રો સાથે આ યુવાન હરિદ્વાર-મસુરીની સફરે જવા નીકળ્‍યો હતો. પરંતુ આ સફર અધુરી, આક્રંદ અને ગમગીની આપનારી બની ગઇ હતી. છ મિત્રો ગુરૂવારે બપોરે રાજકોટથી ટ્રેન મારફત રવાના થયા હતાં. શુક્રવારે સવારે ટ્રેન રાજસ્‍થાનના અલવર નજીક પહોંચી ત્‍યારે બીજા મિત્રો ઉંઘી રહ્યા હતાં અને ૧૯ વર્ષનો આ યુવાન ટ્રેનના દરવાજા પાસે હવા ખાવા ગયો હતો. આ વખતે  ચાલુ ટ્રેનમાં બેલેન્‍સ ગુમાવતાં કે કંઇપણ થતાં તે ફેંકાઇ ગયો હતો અને કમકમાટી  ભર્યુ મોત નિપજ્‍યું હતું. આ બનાવ ગઇકાલે સવારે છ વાગ્‍યા આસપાસ બન્‍યો હતો. જો કે નવેક વાગ્‍યે મમ્‍મીએ દિકરો ક્‍યાં પહોંચ્‍યો તે જાણવા ફોન જોડયો ત્‍યારે ફોન તેની સીટ પર હોઇ જે મિત્રએ રિસીવ કર્યો હતો. ત્‍યારે ઘટનાની જાણ થઇ હતી.

કરૂણ બનાવની પ્રાપ્‍ત માહિતી મુજબ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ નજીક આવેલા જીવરાજ પાર્કમાં અંબાજી માતાના મંદિર નજીક રહેતો તરંગ રાજેશભાઇ હદવાણી (ઉ.વ.૧૯) ગઇકાલે રાજકોટ-સરાઇરોહીલા ટ્રેનમાં બેસીને દિલ્‍હી જતો હતો ત્‍યારે રાજસ્‍થાનના અલવરથી આગળ ખેરતાલ નજીક ચાલુ ટ્રેનમાંથી પડી જતાં કરૂણ મોત નિપજ્‍યું હતું. બનાવની જાણ પરિવારજનો, સોસાયટીમાં થતાં  કલ્‍પાંત સર્જાયો હતો. તરંગ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને આત્‍મીય કોલેજમાં બીસીએના ત્રીજા વર્ષમાં અભ્‍યાસ કરતો હતો.

હાલ વેકેશન હોઇ તરંગ અને તેના બીજા પાંચ મિત્રો જેમાં યોગેશ વાડોદરીયા, મિસલીન, પ્રિયાંશુ ગોંડલીયા સહિતે હરિદ્વાર-મસુરીના પ્રવાસે જવાનું આયોજન કર્યુ હતું. યુવાન કોલેજીયન મિત્રોએ હરિદ્વાર ટૂરનું આયોજન કર્યુ હોઇ વાલીઓ, પરિવારજનોએ પણ તેમને ત્‍યાં જવાની છુટ આપી હોઇ અગાઉથી ટ્રેન ટિકીટ બૂક કરાવી હતી. છએય મિત્રો ગુરૂવારે બપોરે રાજકોટથી ટ્રેનમાં બેસીને હસીખુશીથી સફરે રવાના થયા હતાં. પણ કોઇને ક્‍યાં ખબર હતી કે આ છમાંથી એક મિત્રની જિંદગીની સફરનો અકાળે અંત આવી જવાનો છે!

ટ્રેન બીજા દિવસે એટલે કે શુક્રવારે સવારે છએક વાગ્‍યે રાજસ્‍થાનના અલવરથી  આગળ ખેરતાલ પાસે પહોંચી ત્‍યારે બીજા પાંચ મિત્રો સુતા હોઇ તરંગ હદવાણી ટ્રેનના દરવાજા પાસે હવા ખાવા કે એમ જ ટહેલવા ગયો હતો. આ વખતે ટ્રેન ભારે ગતિમાં હોઇ દરવાજા પાસે ઉભેલો તરંગ કોઇપણ રીતે બહાર ફેંકાઇ ગયો હતો. આ ઘટનાથી તેમના બીજા પાંચ મિત્રો અજાણ હતાં. સવારે નવેક વાગ્‍યે ત્‍યારે રાજકોટથી તરંગના મમ્‍મી શ્રીમતી સ્‍મીતાબેન હદવાણીએ દિકરો અને તેના મિત્રો કયાં પહોંચ્‍યા? તે જાણદા દિકરા તરંગને મોબાઇલ જોડયો હતો.

તરંગનો મોબાઇલ તેની સીટ પર હતો, પણ તરંગ નહોતો. રીંગ વાગતાં કોઇ મિત્રએ જાગીને તરંગનો ફોન રિસીવ કર્યો હતો. ત્‍યારે તરંગના મમ્‍મીએ વાત કરી તરંગ ક્‍યાં છે? એમ પુછતાં મિત્રએ તે કદાચ ટ્રેનમાં જ કે ટોઇલેટમાં હશે તેમ વાત કરી હતી, આવે એટલે ફોન કરાવું તેમ કહ્યું હતું. બાદમાં મિત્રોએ ટ્રેનમાં લાંબો સમય રાહ જોવા છતાં તરંગ તેની સીટ પર ન આવતાં તપાસ  શરૂ કરી હતી. આગળ રેવાડી સ્‍ટેશન આવતાં મિત્રો ચિંતાતુર બનીને ઉતરી ગયા હતાં અને  જીઆરડી રેલ્‍વે પોલીસને જાણ કરી હતી કે તેનો મિત્ર તરંગ ટ્રેનમાંથી ગાયબ થઇ ગયો છે. આ સાંભળી પોલીસ પણ ચોંકી ગઇ હતી.

બાદમાં રેલ્‍વે પોલીસે  તપાસ શરૂ કરતાં બપોરના સાડા બાર આસપાસ રાજસ્‍થાનના ખેરતાલ પાસેથી તરંગનો મૃતદેહ મળી આવતાં મિત્રો શોકમાં ગરક થઇ ગયા હતાં અને રાજકોટ પરિવારજનોને આ કરૂણ ઘટનાની જાણ કરી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડી મિત્રોને સોંપ્‍યો હતો. આ ઘટનાને પગલે ગમગીની વ્‍યાપી ગઇ હતી.  આજે બપોર બાદ મૃતદેહ રાજકોટ નિવાસસ્‍થાને આવી પહોંચ્‍યા બાદ સાંજે ચાર વાગ્‍યે અંબિકા ટાઉનશીપ કસ્‍તુરી એવીયરી પાસેના સત્‍યજીત સોપાન ખાતેથી તરંગની અંતિમયાત્રા નીકળશે.

મૃત્‍યુ પામનાર તરંગ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેના પિતા રાજેશભાઇ બાબુભાઇ હદવાણી મુળ ગોંડલના ચોરડીના વતની છે. જો કે વર્ષોથી આ પરિવાર રાજકોટ સ્‍થાયી થયો છે. રાજેશભાઇ (રાજેન્‍દ્રભાઇ) ચાર ભાઇઓ છે. તેમના બીજા ભાઇઓના નામ ભરતભાઇ હદવાણી, રમેશભાઇ હદવાણી અને અતુલભાઇ હદવાણી છે. આ બનાવને પગલે જીવરાજ પાર્ક, અબીકા ટાઉનશીપમાં પણ ગમગીની વ્‍યાપી ગઇ છે. છ મિત્રો હોંશે હોંશે હરિદ્વાર-મસુરીની સફરે નીકળ્‍યા હતાં. પણ એક મિત્ર કરૂણ દૂર્ઘટનાનો ભોગ બની જતાં આ સફર અતિ કરૂણ આઘાત સાથે અધુરી રહી ગઇ હતી.

(2:26 PM IST)