તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st May 2025
ફાયર એનઓસીમાં ભારે કંજુસાઇ : ૨૧૦૬ નોટીસો સામે ૧૫ જ મંજુર!
સોૈથી વધુ ૨૩૫ નોટીસો વોર્ડ નં.૭માં ફટકારાયેલઃ કુલ ૧૮ માંથી ૯ વોર્ડમાં એક પણ બીલ્ડીંગ મંજુરીને લાયક ન મળ્યું: તંત્ર ખુદ શંકાના દાયરામાં

રાજકોટ, તા.૨૧: શહેરમાં ગતવર્ષે ટીઆરપી ગેમઝોનની ગોઝારી ઘટના બાદ મનપા દ્વારા રેસીડેન્સ તથા કોમર્શીયલ બિલ્ડીંગોને ફાયર એનઓસી અંગે ધડાધડ નોટીસો ફટકારી હતી. ગઇકાલે યોજાયેલ મનપાના જનરલ બોર્ડમાં પૂછાયેલ ફાયર એન.ઓ.સી. અંગેના પ્રશ્નના જવાબમાં તંત્રએ એક વર્ષ દરમિયાન ૨૧૦૬ને નોટીસો અપાય હોવાનું તથા તેમાંથી ૧૫ ને એન.ઓ.સી. આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આમ જાણે ફાયર તંત્ર એન.ઓ.સી. ના નામે નાટક કરતું હોવાનું ફલીત થાય છે.
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દૂર્ઘટના બાદ સતત બે માસ સુધી ફાયર એનઓસી અને ફાયર સેફ્ટી મુદ્દે કોમર્શીયલ તથા રહેણાકની હાઈરાઈઝ બિલ્ડીંગો સહિતના સ્થળે ચેકીંગ હાથ ધરી મિલ્કત સીલ કરવા સહિતની કામગીરી હાથ ધરેલ ત્યાર બાદ થોડા સમયમાં કામગીરી ઢીલી પડી ગઈ હતી. અને એટ્લાન્ટીક દુર્ઘટના સર્જાતા ફરી વખત ફાયર વિભાગે એ જ પ્રકારની કાર્યવાહી શરૂ કરી નોટીસો આપવાનો પ્રારંભ કર્યો હતો. ફાયર વિભાગમાં ઉચ્ચ અધિકારીઓની ખુરશી ખાલી રહેતા ૨૦૯૧ મિલ્કતો આજે પણ મોતના સામાન માફક ઉભી છે. અને ફાયર વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરાતી હોવાનું જણાવાય રહયું છે.
મનપાના ફાયર ઓફિસર તેમજ ડેપ્યુટર ફાયર ઓફિસરની છેલ્લા આઠ માસથી ફાયર વિભાગની સુપ્રીન્ટેન્ડની પોસ્ટ ભરવામાં આવી નથી. અગાઉ સરકાર દ્વારા ફાયર સુપ્રીટેન્ડની નિમણુંક કરેલ પરંતુ આ ઓફિસર એક મહિનામાં જ લાંચ લેતા પકડાઈ જતાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હાલલ ઈન્ચાર્જ ફાયર સુપ્રીન્ટેન્ડથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે.
ટીઆરપી ગેમઝોન બાદ અનેક એકમો ફાયર એનઓસી અને ફાયર સેફ્ટી મુદ્દે સીલ કરવામાં આવ્યા હતાં. જે ક્રમશઃ ખુલવા લાગ્યા છે. છતાં તે વખતે અનેક એકમોએ ફાયર એનઓસી મેળવેલ નહીં અને ફાયર વિભાગે પણ લગડધગડ કામગીરી ચાલુ રાખી હતી ત્યારે જ ફરી વખત ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર એથ્લાન્ટીક એપાર્ટમેન્ટના ફ્લેટમાં આગ લાગતા બે લોકોના મોત નિપજ્યા હતાં.
આ ઘટનાના પગલે ફાયર તંત્ર સફાળુ જાગ્યું હતું અને ફરી વખત કોમર્શીયલની સાથો સાથ રહેણાકની ઈમારતમાં પણ ફાયર એનઓસી અને ફાયર સેફ્ટી મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરી નળ જોડાણો તેમજ વીજ કનેક્શન કાપવા સહિતની તૈયારીઓ કરી હતી. તેમજ ફાયર એનઓસી ન હોય તેવી ઈમારતોને નોટીસ આપવામાં આવેલ જેમાં આજ સુધીમાં ૨૧૦૬ એકમોને ફાયર એનઓસી મુદ્દે નોટીસ પાઠવવામાં આવેલ પરંતુ આજ સુધી ૯૦ ટકાથી વધુ એકમોએ ફાયર એનઓસી મુદદ્દે કોઈ કાર્યવાહી ન થતાં આજે ૧૯૯૧ જીવતા માચડાઓ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે.
નોટીસ અપાયેલ ૨૧૦૬ પૈકી ફક્ત ૧૫ એકમોએ જરૂરી ડોકયુમેન્ટ અને નિયમો મુજબ ફાયર એનઓસી મેળવેલ છે. જ્યારે બાકી રહેલા ૨૦૯૧ એકમો આજે પણ લટકતા રહ્યાનુેં જાણવા મળેલ છે. જનરલ બોર્ડમાં કોર્પોરેટરો દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નનના જવાબમાં ફાયર વિભાગ દ્વારા તમામ વિગત આપવામાં આવી છે.
ફાયર એનઓસી મુદ્દે નોટીસો આપવામાં આવી છે. જેમાં ફાયર સ્ટેશન હેઠળ આવતા વિસ્તારો તેમજ વોર્ડ મુજબ યાદી જાહેર કરવામાં આવેલ છે. જેમાં રામાપીર ફાયર સ્ટેશનના વોર્ડ નં. ૧ માં ૧૮૭ વોર્ડ નં. ૯ ૧૬૭ તથા મવડી ફાયર સ્ટેશન વોર્ડ નં. ૧૨ ૧૬૮ વોર્ડ નં. ૧૩ ૧૬૯, ઈઆરસી વોર્ડ નં. ૪ ૧૭૧, બેડીપરા ફાયર સ્ટેશન વોર્ડ નં. ૫ ૩૬, વોર્ડ નં. ૬ ૭૧, વોર્ડ નં. ૧૫ ૧૯, રેલનગર વોર્ડ નં. ૨ ૭૪, વોર્ડ નં. ૩ ૧૨૬, કોઠારિયા ફાયર સ્ટેશન વોર્ડ નં. ૧૬ ૭, ૧૭ ૭, વોર્ડ નં. ૧૮ ૬૬, કનક રોડ ફાયર સ્ટેશન વોર્ડ નં. ૭ ૨૩૫ વોર્ડ નં. ૧૪ ૧૧૬, કાલાવડ રોડ વોર્ડ નં. ૮ ૨૦૨, વોર્ડ નં. ૧૦ ૧૦૨ અને વોર્ડ નં. ૧૧માં ૮૩ એકમો સહિત ૨૧૦૬ ઈમારતોને નોટીસ આપવામાં આવેલ જે પૈકી ૧૫ લોકોએ ફાયર એનઓસી મેળવી છે.
વોર્ડવાઇઝ અપાયેલ નોટીસ તથા એન.ઓ.સી.
વોર્ડ નં. અપાયેલ નોટીસ એન.ઓ.સી.
૧ ૧૮૭ ૧
ર ૭૪ ૦
૩ ૧૨૬ ૧
૪ ૧૭૧ ૦
પ ૩૬ ૨
૬ ૭૧ ૩
૭ ૨૩૫ ૦
૮ ૨૦૨ ૦
૯ ૧૬૭ ૦
૧૦ ૧૦૨ ૧
૧૧ ૮૩ ૧
૧૨ ૧૬૮ ૩
૧૩ ૧૬૯ ૨
૧૪ ૧૧૬ ૦
૧૫ ૧૯ ૧
૧૬ ૭ ૦
૧૭ ૭ ૦
૧૮ ૬૬ ૦
કુલ ૨૧૦૬ ૧૫
(4:05 PM IST)










