News of Monday, 19th May 2025
રાજકોટના જામગઢમાં વાડીએ ખાટલામાં સુતેલા મુકેશને કોણ પતાવી ગયું? રહસ્ય ઉકેલવા મથામણ
કોઇની સાથે દુશ્મનાવટ-માથાકુટ નહોતીઃ લૂંટ-ચોરીનો ઇરાદો પણ જણાયો નથી : સાંજે જમીને દરરોજ વાડીએ સુવા જતાં ૩૩ વર્ષના યુવાનની રવિવારે સવારે મોટા ભાઇ વિનુભાઇને લાશ જોવા મળીઃ કુવાડવા પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમો ભેદ ઉકેલવા કામે લાગી

રાજકોટ તા. ૧૯: રાજકોટના કુવાડવા તાબેના જામગઢ ગામમાં વાડીએ સુતેલા ૩૩ વર્ષના યુવાનની ખાટલામાં જ મોઢા, માથા પર આડેધડ તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી ક્રુર હત્યા કરવામાં આવી હોઇ ગામમાં ચકચાર મચી ગઇ છે. યુવાનને કોઇની સાથે માથાકુટ કે દુશ્મનાવટ નહોતા, હત્યા બાદ કોઇ ચીજવસ્તુની લૂંટ-ચોરી પણ થઇ નથી. ત્યારે હત્યા કયા કારણોસર થઇ? કોણે કરી? તે સહિતના સવાલો ઉકેલવા કુવાડવા પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ બનાવમાં કુવાડવા પોલીસે હત્યાનો ભોગ બનેલા જામગઢના મુકેશભાઇ વેલાભાઇ વાવડીયા (ઉ.વ.૩૩)ના મોટા ભાઇ વિનુભાઇ વેલાભાઇ વાવડીયા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી અજાણ્યા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિનુભાઇ વાવડીયા ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેણે કહ્યું હતું કે અમે બે ભાઇઓ તથા બે બહેનો છીએ. જેમાં સોૈથી મોટો હું અને મારાથી નાના બહેન શોભનાબેન છે જે વાંકાનેરના જીવાપરમાં સાસરે છે. તેનાથી નાના બહેન ભાનુબેન બેટી ગામે સાસરે છે. સોૈથી નાનો ભાઇ મુકેશભાઇ વાવડીયા હતો. તે અપરિણીત હતો. મારા પિતાજી વેલાભાઇ નિવૃત જીવન જીવે છે. મારા માતાનું નામ બચુબેન છે. મારા પત્નિનું નામ કોમલ છે. મારે સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. ૧૭મીએ શવિનારે સાંજે સાડા સાતેક વાગ્યે હું અને મારા પત્નિ તથા બાળકો ઓસરીમાં જમવા બેઠા હતાં. આ વખતે મારો નાનો ભાઇ મુકેશ જમવા માટે રસોડામાં બેઠો હતો.
બધા જમીને ઘરે બેઠા હતાં બાદમાં મુેશ સાંજે આઠેક વાગ્યે જમીને બહાર ગયો હતો. તે દરરોજ જમીને અમારી વાડીએ સુવા માટે જતો રહે છે. હું પણ જમ્યા બાદ રાતે ગામામં આટો મારવા નીકળુ છું. રાતે હું ગામમાં વનરાજભાઇની કેબીને બીડી લેવા ગયો હતો. થોડીવાર ત્યાં બેસી ફરી ઘરે આવી સુઇ ગયો હતો. રવિવારે ૧૮મીએ સવારે છએક વાગ્યે ઉઠીને ચા-પાણી પી ગાય દોહી હું ઘરેથી સાતેક વાગ્યે અમારી નકટી નામની વાડીએ ગયો હતો. જ્યાં જઇને જોતાં મારો ભાઇ મુકેશ ખાટલામાં લોહીલુહાણ પડયો હતો.
મુકેશના મોઢાના ભાગે, આંખા ભાગે અને કપાળના ભાગે કોઇ હથીયારના ઘા જોવા મળ્યા હતાં. જેથી મેં મારી પત્નિ કોમલના મોબાઇલમાં ફોન કરી કાકાના દિકરા ધનજીભાઇ સાથે વાત કરાવવાનું કહેતાં તેણે વાત કરાવી હતી. મુકેશને માથામાં લાગી ગયું છે તમે વાડીએ આવો તેમ કહેતાં ધનજીભાઇ થોડીવારમાં આવી ગયા હતાં. સાથે સાગર પણ હતો. બાદમાં મેં ૧૦૦ નંબરમાં અને ૧૦૮માં પણ જાણ કરતાં ૧૦૮ આવી ગઇ હતી. જેના ડોક્ટરે મારા ભાઇને મૃત જાહેર કર્યો હતો. એ પછી પોલીસ આવી ગઇ હતી અને કાર્યવાહી કરી હતી.
મારા ભાઇ મુકેશને શનિવારે રાતના જમીને તે વાડીએ ગયા બાદ રવિવારના સવારના સાત સુધીમાં કોઇએ કોઇપણ કારણોસર મોઢા, આંખ, કપાળે આડેધડ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ હત્યા કોણે અને શા માટે કરી તેની અમને કોઇ જાણ નથી. તેમ વધુમાં વિનુભાઇએ કહેતાં ઇન્ચાર્જ પીઆઇ આઇ. એન. સાવલીયા, અજીતભાઇ લોખીલ, પીએસઆઇ એમ. જી. સોલંકી અને ટીમે વિનુભાઇની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વિનુભાઇએ કહ્યું હતું કે મારા ભાઇને કોઇની સાથે માથાકુટ કે દુશ્મનાવટ નહોતી. કોઇ ચીજવસ્તુ પણ ગાયબ ન હોઇ લૂંટની શક્યતા પણ જણાઇ આવી નથી. પોલીસે મોબાઇલ કોલ ડિટેઇલ કઢાવવા અને ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કુવાડવા પોલીસ, એલસીબી, ડીસીબીની ટીમો રહસ્ય ભેદવા કામે લાગી છે.
(12:25 PM IST)










