<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

રાજકોટમાં અનાજ વિતરણ : ઈ-કેવાયસી બાકી હોય તો સ્થળ પર જ કરાવી શકાશે : કોઈ લાભાર્થી વંચિત નહીં રહે

સરકારની જરૂરિયાતમંદોને અનાજ પહોંચાડવાની કટિબદ્ધતા : મે માસનો ૧૦૦% જથ્થો ફાળવાયો : જૂનથી ઈ-કેવાયસી ફરજિયાત

રાજકોટ : રાજકોટ શહેર અને જિલ્લાના તમામ જરૂરિયાતમંદ લાભાર્થીઓને અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જે રેશનકાર્ડ ધારકોનું ઈ-કેવાયસી પૂર્ણ થઈ ગયું છે, તેઓને નિયમિત રીતે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ, જે લાભાર્થીઓનું ઈ-કેવાયસી હજુ બાકી છે, તેઓને પણ અનાજથી વંચિત રહેવું નહીં પડે. આવા લાભાર્થીઓ માટે સ્થળ પર જ ઈ-કેવાયસીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી તેઓ તુરંત જ ઈ-કેવાયસી કરાવીને પોતાનો અનાજનો જથ્થો મેળવી શકે.
જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે કુદરતી આફતો અથવા અન્ય ગંભીર સમસ્યાઓના કિસ્સામાં DOFPDની પૂર્વ મંજૂરી વગર મેન્યુઅલ અથવા ઓફલાઈન વિતરણ શક્ય બનશે નહીં. આમ, દરેક લાભાર્થીને અનાજ મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે, પરંતુ અનાજ મેળવવા માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. આથી, તમામ ગ્રાહકોને પોતાનું ઈ-કેવાયસી તાત્કાલિક પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં મે મહિના દરમિયાન અનાજનો ૧૦૦ ટકા જથ્થો ફાળવવામાં આવ્યો છે અને તે મુજબ વિતરણની પ્રક્રિયા પણ ચાલુ છે. જૂન મહિનાના વિતરણ દરમિયાન જે લાભાર્થીઓએ ઈ-કેવાયસી કરાવેલું હશે, તેઓને જ અનાજ મળશે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. ઈ-કેવાયસીની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને જે લાભાર્થીઓની કામગીરી બાકી છે, તેઓને સ્થળ પર જ આ સુવિધાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.

 

(6:57 PM IST)