News of Saturday, 17th May 2025
નવાગામમાં ડેલામાં બનાવેલા ચોરખાનામાંથી ક્રાઇમ બ્રાંચે ૨ાા લાખનો દારૂ પકડયો
સુરેશ ઝડપાયોઃ પુછતાછમાં ચોટીલાના નાની મોલડીના લાલાનું નામ ખુલ્યું: કાર પણ કબ્જે કરવામાં આવી

રાજકોટ તા. ૧૭: બૂટલેગરો, સપ્લાયરો પોલીસથી બચવા જુદા જુદા નુસ્ખા અજમાવતા હોય છે. દરમિયાન કુવાડવા રોડ નવાગામ આણંદપરમાં એક વંડામાં ચોરખાનુ બનાવી તેમાં દારૂનો જથ્થો છુપાવી રખાયો હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી રૂા. અઢી લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપી લીધો છે. તેમજ એક કાર મળી કુલ રૂા. ૩,૫૮,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી એક શખ્સને ઝડપી લીધો છે. તપાસમાં ચોટીલાના નાની મોલડીના શખ્સનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.
નવાગામ આણંદપરમાં વંડામાં ચોરખાનામાં છુપાવેલો ૨૦૪ બોટલ દારૂ અને ૧૩૫ બીયરના ટીન સહિત રૂ.૨.૫૩ લાખનો દારૂ- બિયરનો જથ્થો ક્રાઇમ બાંચે જપ્ત કરી એક શખ્સ સુરેશ દોલુભાઈ વીકમા(ઉ.વ ૩૮ રહે. નવાગામ આણંદપર, રામેશ્વર સોસાયટી, ટાવરવાળી શેરી)ને સકંજામાં લીધો હતો. આ શખ્સની પુછતાછ કરતા ચોટીલના નાની મોલડીમાં રહેતા રાજદીપ ઉર્ફ લાલો કાઠી નામના શખ્સ પાસેથી દારૂ-બીયર લાવ્યાનું કબુલતાં તેની શોધખોળ હાથ ધરાઇ છે.
વધુ વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ પાંભર, કોન્સ્ટેબલ પોપટભાઈ ગમારા, સંજયભાઈ અલગોતર, કરણભાઈ કોઠીવાળ, મહાવીરસિંહ જાડેજા, અનુજભાઈ ડાંગર સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી બાતમી મળી હતી કે નવાગામ (આણંદપર) દેવનગર ઢોરા મફતિયાપરા ખાતે રહેતો સુરેશ વિકમાએ તેના નવા બનતા મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતાર્યો છે. જેથી આ બાતમીના આધારે પોલીસની ટીમ અહીં પહોંચી હતી. ટીમે ત્યાં પહોંચી વંડાની અંદર તપાસ કરતા કંઇ મળ્યું નહોતું. વધુ તપાસ કરતાં ડેલાની બાજુમાં એક ચોરખાનું મળી આવ્યું હતું. જેમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે આ ચોરખાનામાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની ૨૦૪ બોટલ અને બીયરના ૧૩૬ ટીન સહિત કુલ રૂ. ૨,૫૩,૮૦૦ નો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂ બિયરનો આ જથ્થો તથા અહીં પડેલી સ્વીફટ કાર નંબર જીજે ૬ એફ.સી ૦૯૯૪ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૩,૫૮,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ જથ્થો તે ચોટીલાના નાની મોલડીમાં રહેતા લાલો કાઠી પાસેથી લાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે બંને સામે ગુનો નોંધી લાલો કાઠીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. (૧૪.૯)
(4:16 PM IST)










