<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

દ્વારકા ગૌશાળાના લાભાર્થે પ જુનથી પૂ. કનકેશ્વરી દેવીની ભાગવત કથા

૧૩૮ વર્ષ જુની ગૌશાળામાં ગૌ માતાના નિભાવ સાથે આરોગ્‍ય સેવા પણ ધમધમે છે : જીર્ણોધ્‍ધાર માટે કમીટી દ્વારા તૈયારીઓ શરૂ : પ જુને દ્વારકા મંદિરેથી પોથીયાત્રા

રાજકોટ તા. ૧૭ : દ્વારકા ગૌશાળા કમીટી દ્વારા ગૌશાળાના નવનિર્માણ અર્થે આગામી તા. ૫ જુનથી દ્વારકાના આંગણે શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનું દિવ્‍ય આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા દ્વારકા ગૌશાળા કમીટીના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે તા. ૫ થી ૧૧ જુન સુધી ભથાણા ચોક, દ્વારકા ખાતે યોજવામાં આવેલ આ કથાના વ્‍યાસાસને શ્રી પંચ અગ્નિ અખાડાના પ્રથમ માતૃસ્‍વરૂપા મહામંડલેશ્વર પૂ.શ્રી કનકેશ્વરી દેવીજી બિરાજી દરરોજ સાંજે ૪ થી ૭ કથામૃતનો લાભ આપશે. કથાના મુખ્‍ય યજમાનપદે અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી દ્વારકાધીશ બિરાજશે.

કથાની પોથીયારાત્રા તા. ૫ ના શ્રી દ્વારકાધીશ મંદિરેથી નિકળશે અને દ્વારકા ગૌશાળા મેદાન, ભથાણા ચોક કથા સ્‍થળે પહોંચશે.

આયોજકોએ જણાવ્‍યુ હતુ કે દ્વારકાની ભાગોળે આવેલ આ ગૌશાળા ૧૩૮ વર્ષ જુની છે. જયાં ૨૭૫ થી વધુ ગૌ માતાનો સુખરૂપ નિભાવ થઇ રહ્યો છે. અહીં છેલ્લા અઢી વર્ષથી દ્વારાધીશ ગૌ હોસ્‍પિટલની પણ સ્‍થાપના કરવામાં આવી છે. લંડનના આઇએસઓ ૯૦૦૦ સર્ટીફાઇડ આ ગૌ હોસ્‍પિટલના માધ્‍યમથી અનન્‍ય ગૌ સારવાર થઇ રહી છે. અત્‍યાર સુધીમાં ૭૦૦ થી વધુ ગૌ માતાના ઓપરેશન અને ૪૦૦ થી વધુ ગૌ માતાની લમ્‍પી સારવાર કરવામાં આવી છે. ગૌશાળા પોતાની એમ્‍બ્‍યુલન્‍સ ધરાવે છે. જેની મદદથી દ્વારકાની આસપાસના ૧૦૦ કિ.મી. વિસ્‍તારમાંથી બિમાર ગાય માતાને અહીં લાવી સારવાર કરવામાં આવે છે.

દ્વારકા ગૌશાળાની ગૌ હોસ્‍પિટલ એક મોડલરૂપ ગૌશાળા બની રહી છે. જયાં એ.સી. આઇસીયુ, એ.સી. ઓપરેશન થીએટર, પરીક્રમા માર્ગ, એમ્‍બ્‍યુલન્‍સ સેવા ઉપલબ્‍ધ છે.

સહયોગી સંસ્‍થા પરમાત્‍મા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા નાના પ્રાણીઓ જેવા કે ખીસકોલી, સસલા, ચકલી સહીતના જીવોની પણ સારવાર નિભાવની સેવા ચલાવવામાં આવી રહી છે. ડો. રવિભાઇ વારોતરીયા (મો.૮૯૮૦૦ ૦૨૭૮૦)ના માર્ગદર્શન હેઠળની ટીમ દ્વારા નાના પશુ પક્ષીઓની સેવા થઇ રહી છે. આવા નાના બીમાર જીવોની જાણ થતા રેસ્‍કયુ કરી સારવાર અપાય છે. વાવાઝોડુ કે અન્‍ય તોફોનો દરમિયાન ઘવાયેલ અબોલ જીવોની સારવાર સેવા કરવામાં આવે છે. મકરસંકતિ જેવા તહેવારોમાં પણ આ ટીમ જીવ સેવા માટે સજજ રહે છે.

અહીં જેમ ગૌ હોસ્‍પિટલ ચલાવવામાં આવે છે તેમ વિજાપુર અને સુરેન્‍દ્રનગર જેવા શહેરોમાં પણ ગૌ હોસ્‍પિટલ શરૂ કરાઇ છે. જયાં બીમાર ગાય માતાની સારવાર કરવામાં આવે છે.

ટ્રસ્‍ટીઓ દ્વારા ભાભર, દુધવા, ગાંધીનગર, અમદાવાદ (બાકરોલ)માં ગૌ સેવાના વિવિધ કાર્યો થઇ રહ્યા છે. હજુ અનેક ગૌશાળા નિર્માણ કરવા સંકલ્‍પ હાથ ધરાયો છે.

હાલ દ્વારકાની ૧૩૮ વર્ષ જુની ગૌ શાળાને નવા રંગરૂપ આપી જીર્ણોધ્‍ધાર કરવા માટે તા. ૫ થી ૧૧ સુધી પૂ. કનકેશ્વરી દેવીજીના વ્‍યાસાસને ભાગવત સપ્‍તાહનું આયોજન કરાયુ છે. આ માટે ગૌપ્રેમીઓ અને સેવક સમુદાયમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

ભાગવત કથામાં પિતૃ તર્પણ પોથી માટે રાજુભાઇ હિન્‍ડોચા (મો.૯૮૯૮૧ ૪૮૧૫૦) અથવા કે. જી. હિન્‍ડોચા (મો.૯૭૨૫૦ ૨૯૮૪૧)નો સંપર્ક કરવા જણાવાયુ છે.

આ કથામાં અનેક ગૌશાળા સંચાલકો અને અતિથિ મહેમાનોને નિમંત્રિત કરાયા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા દ્વારકા ગૌશાળા કમીટીના સર્વશ્રી સ્‍વામી નિલેશાનંદજી, રામજીભાઇ મજીઠીયા, મહેશભાઇ ગોકાણી, વિજયભાઇ ભાયાણી, શૈલેષભાઇ ઘઘડા, ડો. રવિભાઇ વારોતરીયા, નરેન્‍દ્રભાઇ કકકડ, સંજયભાઇ નકુમ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:38 PM IST)