<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

હર્ષદ મહાજને વધુ એક વખત પત્‍નિને ફોન કરી આખા પરિવારને મારી નાંખવાની ધમકી દીધી

પંદરેક દિવસથી પત્‍નિ મેઘાબેન રિસામણે માતાને ત્‍યાં છેઃ થોડા દિવસ પહેલા પણ જામટાવર પાસે ધમકી દીધી હતીઃ આ વખતે ગોકુલ મથુરા પાછળ રહેતાં સાસુએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી

રાજકોટ તા. ૧૭: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્રભરમાં જુના બૂટલેગરની છાપ ધરાવતાં હર્ષદ મહાજન ઉર્ફ માંડલીયા વિરૂધ્‍ધ વધુ એક ગુનો દાખલ થયો છે. હર્ષદે રિસામણે બેઠેલી પત્‍નિને ફોન કરી ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે ધમકી આપતાં આ અંગે ૧૫૦ રીંગ રોડ પર અયોધ્‍યા ચોકમાં ગોકુલ મથુરા એપાર્ટમેન્‍ટ પાછળ રહેતાં હર્ષદના સાસુએ જમાઇ હર્ષદ સહિત ત્રણ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે.

ગોકુલ મથુરા એપાર્ટમેન્‍ટ પાછળ અલકનંદા એપાર્ટમેન્‍ટમાં પહેલા માળે ફલેટ નં. ૧૦૩માં રહેતાં સરોજબેન મનહરલાલ કોટક (ઉ.વ.૬૭) નામના વૃધ્‍ધાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે હર્ષદ, માનવ અને માનવની માતા વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે. સરોજબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું મારી દિકરી હિરલબેન, ભાણેજ જેની અને દિકરી મેઘાબેન સાથે રહુ છું. દિકરી મેઘાબેન પંદરેક દિવસથી મારી સાથે રહે છે. ગત તા. ૧૬/૫ના રાતે પોણા અગિયારેક વાગ્‍યે હું અને દિકરી મેઘાબેન તથા હિરલબેન ત્રણેય અયોધ્‍યા ચોક ગોકુલ મથુરા પાસે ભારત ટાયરના પાર્કિંગમાં બેઠા હતાં ત્‍યારે મારી દિકરી મેઘાને તેના પતિ હર્ષદે ફોન કર્યો હતો.

દિકરી મેઘા અને તેના પતિ હર્ષદ વચ્‍ચે ફેમિલી મેટર ચાલતી હોઇ જેથી મારી દિકરી પંદરેક દિવસથી મારા ઘરે રોકાઇ   છે. વાત પુરી થયા પછી દિકરી મેઘાએ મને કહ્યું હતું કે મારા પતિ હર્ષદે ધમકી આપી છે કે તમે મારા વિરૂધ્‍ધ કરેલી ફરિયાદ પાછી ખેંચી લેજો. ફરિયાદ પાછી નહિ ખેંચો તો તને અને તારા પરિવારના સભ્‍યોને મારી નાખીશ. સરોજબેને વધુમાં કહ્યું હતું કે મારી દિકરી મેઘા સાથે તેના પતિ હર્ષદ ઉપરાંત દિકરા જેનીશનો સાળો માનવ અને માનવની માતાએ પણ ફોનમાં વાત કરી મેઘાને ગાળો દઇ ફોન કાપી નાખ્‍યો હતો. આ વાત મારી દિકરી મેઘાએ મને કરતાં હું તેને સાથે લઇ ફરિયાદ કરવા પહોંચી હતી. એએસઆઇ જે. એલ. બાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તાજેતરમાં જ હર્ષદ મહાજન, તેના દિકરા, મિત્રએ જામટાવર પાસે પત્‍નિની કાર આંતરી તેમાં ધુંબા મારી ધમકી આપતાં પત્‍નિ સહિતના કાર સાથે ડીસીબી પોલીસ સ્‍ટેશનમાં ઘુસી ગયા હતાં. તે વખતે પણ ફરિયાદ નોંધાવાઇ હતી. ત્‍યાં હર્ષદ મહાજને વધુ એક વખત ધમકી આપ્‍યાનો ગુનો દાખલ થયો છે. ઉલ્લેખનિય છે કે બૂટલેગરની છાપ ધરાવતાં હર્ષદ ઉર્ફ મહાજન સામે  દારૂ, મારામારી, ધમકી સહિતના પચાસ આસપાસ ગુના જુદા જુદા પોલીસ સ્‍ટેશનોમાં નોંધાયા છે. જામટાવર પાસે તેણે થોડા દિવસ પહેલા માથાકુટ કરી ત્‍યારે ભોમેશ્વરમાં તેના ઉપર પણ સાળી સહિતે હુમલો કર્યાની ફરિયાદ સાથે તે સારવારમાં દાખલ થયો હતો. 

(2:40 PM IST)